જમ્મુ-કાશ્મીરમાં આતંકી સફાયો કરવા હાથ ધરાયેલા ઓપરેશન ઓલઆઉટ હેઠળ આર્મી દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને વીણી વીણીને ઠાર કરવામાં આવી રહ્યા છે. આર્મીએ કરેલા આવા જ એક ડબલ એટેકમાં કુલગામ અને અનંતનાગમાં ૪ આતંકીઓને ઠાર કરવામાં મોટી સફળતા મળી છે. કુલગામમાં ૨ અને અનંતનાગમાં ૨ મળીને કુલ ૪ આતંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. કુલગામનાં નિપોરા વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા આર્મીનાં જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ કરતા જવાનોએ વળતો હુમલો કર્યો હતો જેમાં ૨ આતંકી ઠાર કરાયા હતા. આ આતંકીઓનાં નામ અને તેઓ કયા ગ્રૂપના છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે.
અનંતનાગનાં લલ્લન વિસ્તારમાં આતંકીઓ સાથેની મૂઠભેડમાં બે આતંકીઓને ઠાર કરાયા હતા. બંને આતંકીઓ હિઝબુલ ગ્રૂપનાં હોવાનું જાણવા મળ્યું હતું. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરાયા હતા જેમાં બે પિસ્ટલ, ૩ ગ્રેનેડ અને કેટલાક દારૂગોળાનો સમાવેશ થાય છે.
શ્રીનગર બાંદીપોરા રોડ પર IED ડિફ્યૂઝ ઔકરીને મોટી દુર્ઘટના નિવારાઈ
શનિવારે સવારે શ્રીનગર બાંદીપોરા રોડ પર IED મળી આવ્યો હતો જેને ડિફ્યૂઝ કરીને મોટી દુર્ઘટના નિવારાઈ હતી. બાંદીપોરાનાં આ મહત્ત્વનાં રોડ પર રસ્તાને કિનારે એક સિલિન્ડર સાથે ટાઇમર ગોઠવેલું જણાઈ મળી આવ્યું હતું. આર્મીનાં જવાનો દ્વારા તેને ડિફ્યૂઝ કરાયું હતું. ઇરિન નદીનાં બ્ર્રિજ પાસે આ શક્તિશાળી IEDને ગોઠવવામાં આવ્યું હતું. રસ્તા પરનાં ટ્રાફિકને બીજે વાળવામાં આવ્યો હતો અને બોમ્બને ડિફ્યૂઝ કરાયો હતો.