Home Gujarat કેન્દ્રના આર્થિક પેકેજથી ભારતીય ઉદ્યોગજગતમાં નવા જોમ અને જુસ્સાનો સંચાર, બદલાયેલી પરિભાષા...

કેન્દ્રના આર્થિક પેકેજથી ભારતીય ઉદ્યોગજગતમાં નવા જોમ અને જુસ્સાનો સંચાર, બદલાયેલી પરિભાષા અને વિશેષ લોનની સુવિધા કરશે એમએસએમઇ ક્ષેત્રનો વિકાસ

171
0

ભારતીય ઉદ્યોગજગત એ આપણા દેશના અર્થતંત્રનો એક આધાર છે. જેમાં એમએસએમઇ એટલે કે સૂક્ષ્મ,લઘુ, મધ્યમ તથા મોટા કદના ઉદ્યોગ એકમો ખાસ મહત્વ ધરાવે છે. માટે જ કોરોના મહામારીથી અસર પામેલા અર્થતંત્રને ફરીથી ચેતનવંતુ કરવા માટે ભારત સરકારે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે તેમાં એમએસએમઇ ક્ષેત્રના વિકાસ માટે અંદાજે 6 લાખ કરોડ રૂપિયાની ખાસ જોગવાઇ કરવામાં આવી છે. કોરોનાને કારણે અસર પામેલા વ્યવસાયો કે એમએસએમઇને વધેલી કાર્યકારી જવાબદારી પૂર્ણ કરવા, કાચો માલ ખરીદવા અને વ્યવસાયને પુનઃશરુ કરવા વધારાના ફંડની જરૂરિયાત ઉભી થઇ છે. જેને ધ્યાને રાખી સૂક્ષ્મ,લઘુ, મધ્યમ તથા મોટા કદના ઉદ્યોગ એકમો માટે વિશેષ લોનની ફાળવણી માટે રૂપિયા 3 લાખ કરોડ ફાળવવામાં આવ્યાં છે. કેન્દ્રની આ જાહેરાતથી દેશના 45 લાખથી વધુ એકમોને તેનો લાભ પ્રાપ્ત થશે. 12 મહિનાના મોરેટોરિયમ સાથે 4 વર્ષની મુદ્દત ધરાવતી આ લોન રૂપિયા 100 કરોડ સુધીનું ટર્નઓવર હોય કે જેમનું દેવુ રૂપિયા 25 કરોડ સુધીનું હોય તેવા એકમોને મળવા પાત્ર રહેશે. સાથેજ કેન્દ્રની જાહેરાતમાં ઉત્પાદન અને સેવાક્ષેત્ર વચ્ચેનો ફરક દૂર કરવામાં આવ્યો છે. એમએસએમઇની પરિભાષા બદલવામાં આવી છે. કાયદાઓમાં પણ જરૂરી સુધારા કરવાની જાહેરાત કરવામાં આવી છે. એમએસએમઇની નવી સંશોધિત પરિભાષા મુજબ રૂ. 1 કરોડથી ઓછુ રોકાણ અને રૂ. 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા એકમો સૂક્ષ્મ એકમો ગણાશે. રૂ. 10 કરોડથી ઓછું રોકાણ અને રૂ. 50 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા એકમો લઘુ એકમો ગણાશે. જ્યારે રૂ. 20 કરોડથી ઓછુ રોકાણ અને રૂ. 100 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા એકમો મધ્યમકક્ષાના એકમો ગણાશે. આ નવી પરિભાષાથી એમએમએમઇ વધુ સક્ષમ બનશે અને તેનો વિકાસ ઝડપી થશે. જેનાથી નોકરીઓ સચવાઇ જશે અને નવી રોજગારીની તકો સાથે ઉત્પાદકતા પણ વધશે. વધુમાં ભારત સરકારે રૂ.200 કરોડ સુધીના સરકારી ખરીદીના ટેન્ડરમાં આંતરરાષ્ટ્રીય ટેન્ડરને મંજૂરી નહી આપવાની વાત કરી છે. જેનો સીધો ફાયદો ભારતીય ઉદ્યોગજગતને થશે.કેન્દ્રની આ જાહેરાત એમએસએમઇ ક્ષેત્રના વિકાસ માટે અતિ અસરકારક સાબિત થવાની છે ત્યારે તેના આવકાર સાથે અમલીકરણની પણ શરુઆત થઇ ચૂકી છે. ગુજરાતના ખેડા જિલ્લાની વાત કરીએ તો લોનની ફાળવણી અંગે સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ઉદ્યોગકેન્દ્રના પ્રતિનિધી, લીડબેંક બેંક ઓફ બરોડા તેમજ અન્ય 11 બેંકના પ્રતિનિધિઓની હાજરીમાં એક બેઠક યોજાઇ ગઇ છે. ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં છેલ્લા 20 વર્ષથી પાપડનો લઘુ ઉદ્યોગ ધરાવતા સૌમેશ શાહે અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે લોકડાઉનના કારણે અમારા ઉદ્યોગને ઘણી માઠી અસર પડી છે. પરંતુ હવે કેન્દ્રની લોન અને પેકેજમાં આપેલ અન્ય સહાયના ઉપયોગથી અમે ફરી પાછા અમારા લઘુઉદ્યોગને ધમધમતો કરી શકીશું. જે માટે હું ભારત સરકારનો આભારી છું.
ખેડા જિલ્લાના નડિયાદમાં રહેતાં પ્રશાંત ભટ્ટે અમારા પ્રતિનિધિને જણાવ્યું કે મારો પ્રિન્ટીન્ગનો ઉદ્યોગ એમએસએમઇ હેઠળ નોંધાયેલ છે. કોરોનાને કારણે નુકશાન તો આવ્યું છે જ પણ કેન્દ્રએ અમારા જેવા એમએસએમઇ ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યવસાયાકારોને આર્થિક પેકેજ દ્વારા જે સહાય પૂરી પાડી છે. તેનાથી મારો અને મારા જેવા અન્ય નાના-મોટા એકમોનો વ્યવસાય ચોક્કસથી વેગવંતો બનશે. જે બદલ હું ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું.
એ વાતમાં કોઇ બે મત નથી કે કેન્દ્રના આર્થિક પેકેજમાં એમએસએમઇ માટેની જોગવાઇથી ફરી પાછું આ ક્ષેત્ર ચેતનવંતુ બન્યું છે. કેન્દ્રના આર્થિક પેકેજથી ભારતીય ઉદ્યોગજગતમાં નવા જોમ અને જુસ્સાનો સંચાર થયો છે અને એમએસએમઇ ક્ષેત્રની બદલાયેલી પરિભાષા અને વિશેષ લોનની સુવિધાથી પેકેજ વધુ આવકારદાયક બન્યું છે. જેનાથકી આ ક્ષેત્રનો વિકાસ વધુ વેગવાન થશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here