South-Gujarat

કોરોના સંક્રમણ”નો ભોગ બનેલા કમનસીબ મૃતાત્માઓની માનભેર અંતિમવિધિ કરતા આહવાના નવયુવાનો –

“જિસકા કોઈ નહિ, ઉસકા તો ખુદા હે યારો…”

આહવાના “જનસેવા” ગ્રુપના યુવાનો
“કોરોના કાળ”મા પરસ્પર સહકાર સાથે સેવાના કાર્યો કરી રહ્યા છે.

સદીઓ પછી આવેલા કોરોનાના કપરા કાળનો કોળિયો બનતા કમનસીબ માનવીઓને જયારે “કોરોના પ્રોટોકોલ” મુજબ પ્લાસ્ટિક બેગમા પેક કરીને તેના અંતિમ સંસ્કાર માટે મોકલવામા આવે છે ત્યારે, આ કમનસીબ મૃતાત્માના અંગત સ્વજનો પણ તેની નજીક નથી જઈ શકતા.

માનવીની આ લાચાર પરિસ્થિતિ જોઇને કઈ કેટલીયે આંખો અશ્રુભીની થઇ રહી છે. ત્યારે આવી દયનીય સ્થિતિ વચ્ચે સંતપ્ત પરિજનોને મદદરૂપ થવાની ભાવના સાથે આહવાના કેટલાક નવલોહિયા યુવાનોએ આગળ આવીને, કોરોનાને કારણે મૃત્યુ પામતા એ કમનસીબ માનવીઓના અંતિમ સંસ્કાર કરવાનુ બીડુ ઝડપીને માનવતાના દર્શન કરાવ્યા છે.

કહેવાય છે ને કે “જિસકા કોઈ નહિ, ઉસકા તો ખુદા હે યારો…” ‘ભલે પરિસ્થિતિ નાજુક છે, પરિજનો મૃતકને સ્પર્શ સુધ્ધા નથી કરી શકતા, કોરોનાનો પ્રોટોકોલ નડે છે, તો શું થયુ ? કોઈ માનવ મૃતકનુ શબ તેની માનભેર અન્ત્યેસ્ઠી માટે તો હક્કદાર છે જ ને’ તેમ જણાવતા આહવાના નવયુવાન કાર્યકરે કહ્યું કે, ‘જ્યારથી “કોરોના” આ વિસ્તારમા આવ્યો છે ત્યારથી તેની સામે જંગે ચઢ્યા છીએ. કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર અને જિલ્લાનુ તંત્ર તેનુ કામ કરે જ છે. ત્યારે એક માનવી તરીકે કોરોનાનો ભોગ બનનાર વ્યક્તિઓના પરિવારજનોની મનોદશા જોઇને તેમને મદદરૂપ થવાનુ અમારા ગ્રુપ દ્વારા નક્કી કરવામા આવ્યુ છે. આજદિન સુધી “કોરોના” નો કોળિયો બનેલા તથા અન્ય બીમારીઓથી મૃત્યુને પ્રાપ્ત કરનારા અનેક મૃતાત્માઓની અંતિમવિધિ ગ્રુપના યુવાનો દ્વારા કોઈ પણ જાતની આશા કે અપેક્ષા વિના નિ;સ્વાર્થ ભાવે કરવામા આવી છે.’

કોઈ પણ જાતના ભેદભાવ વગર આહવાના “જનસેવા” ગ્રુપના યુવાનો આવા કપરા સમયે હિંદુ સ્મશાન ભૂમિ સહીત મુસ્લિમ અને ખ્રિસ્તી કબ્રસ્તાનોમા જઈને પણ, મૃતકની તેના ધર્મના રીતરીવાજો અનુસાર અંતિમવિધિ કરીને અવ્વલ મંઝીલે પહોંચાડવાનુ પુણ્યકાર્ય કરી રહ્યા છે.

‘વિશ્વને ઘમરોળતી આ મહામારીનો ભોગ બનનાર વ્યક્તિ એ કોઈ અપરાધી નથી. તેની સાથે તેના ખુદના પરિજનો અને સમાજ તથા ગામના લોકો જે પ્રકારનો અમાનવીય વ્યવહાર કરે છે તે જોઇને હૃદય દ્રવી ઉઠે છે. ત્યારે માનવજાત ઉપર ઉતરેલા કુદરતના આ અભિશાપને આપણી લાચારી સમજીને સ્વીકાર્યે જ છૂટકો છે.’ તેમ જણાવતા ગ્રુપના અન્ય એક કાર્યકરે કહ્યું કે, “આ મહામારી સામે પ્રજાજનોમા વ્યાપક જનજાગૃતિ કેળવી શકાય તે માટે છેલ્લા ત્રણેક માસથી આહવા નગરના બજારમા નાનામોટા દુકાનદારોને ગ્રુપના કાર્યકરો સેનેટાઇઝર, અને સોશિયલ ડીસ્ટન્સિંગ તથા ફેસમાસ્કના ઉપયોગ અંગે સમજાવી રહ્યા છે. ગામડાઓમાથી આવતા લોકોને પણ આ બાબતે સાચી સમજ આપી રહ્યા છે. તેમ છતા આ વિસ્તારમા પણ કોરોના પ્રવેશી જ ગયો છે. ત્યારે સંક્રમિત લોકો અને તેમના પરિવારજનોની પડખે રહીને અમારા ગ્રુપના યુવાનો “સાયબર ગ્રુપ ડાંગ” ના સહયોગથી શક્ય તે મદદ કરી રહ્યા છે.”

“કોરોના સંક્રમિત” મૃતકના અંતિમ સંસ્કાર વખતે પોતાને સંક્રમિત થવાનો ડર નથી લાગતો ? તેવા સવાલના જવાબમા આ જાબાઝ યુવાનોએ “દરકે વ્યક્તિની જન્મ અને મૃત્યુની તારીખ કુદરતે નક્કી કરેલી જ છે. ત્યારે નાહકનો ડર શાનો ? કપરા કાળનો ભોગ બનેલા વ્યક્તિને તેની અવ્વલ મંઝીલે પહોંચાડવાની ફરજ જીવતા રહેલા માનવીઓ પૈકી કોઈએ તો બજાવવી જ પડે છે. લાચાર, અસહાય પરિસ્થિતિનો ભોગ બનેલા આવા કમનસીબ કુટુંબો વતી, મૃતાત્માઓ પ્રત્યે ભારોભાર સંવેદના સાથે તેના આત્માની સદગતિની કામના કરીને અમારુ ગ્રુપ આ કાર્ય કરી રહ્યું છે. આગળ જે થશે એ નીલી છત્રી વાળાની મરજી” તેમ એક સુરે આ યુવાનોએ જણાવ્યુ હતુ. જો કે, “કોરોના પ્રોટોકોલ મુજબ સાવચેતીના તમામ પગલાઓ ગ્રુપના દરેક સભ્યો લઇ રહ્યા છે” તેમ પણ આ યુવાનોએ વધુમા જણાવ્યુ હતુ.

પરસ્પર સહકાર સાથે સેવાનુ પવિત્ર કાર્ય કરી રહેલા આ ગ્રુપના યુવાનો કોઈ પણ જાતના ડર, ઘબરાટ, કે ચિંતા વિના આ પરોપકારનું કાર્ય કરીને તેમના પુણ્યનુ ભાથુ બાંધી રહ્યા છે. ત્યારે મૃતક પરિજનોના અંતરના છુપા આશીર્વાદ મેળવવા ઉપરાંત, “કોરોના” સંક્રમિત દર્દીઓ સામે નફરત અને ધ્રુણા સાથે અછૂતો વ્યવહાર કરનારાઓના ગાલ ઉપર પણ જોરદાર તમાચો ઝીંકી રહ્યા છે. જે ધ્રુણા ફેલાવનારા નકારાત્મક વિચારશૈલીના માણસો માટે એક પદાર્થ પાઠ પણ છે.

(શેખર ખેરનાર ડાંગ)

Leave a Reply

Your email address will not be published.