ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોનું હિત જાળવવું આવશ્યક છે. એ બાબત વર્તમાન ભારત સરકાર બરાબર સમજે છે. માટે જ કોરોના મહામારીમાં ઉભા થયેલા આર્થિક સંકટને દૂર કરવા કેન્દ્ર સરકારે રજૂ કરેલા આર્થિક પેકેજમાં કૃષિક્ષેત્ર માટે ઘણી જાહેરાતો સાથે ખેડૂતો અને ખેતી માટે નવી જોગવાઇઓ કરી છે. જે ખરેખર ખેડૂતો માટે લાભદાયક છે. કૃષિક્ષેત્ર માટેની આઠ મોટી જાહેરાતો સાથે કુલ 1.63 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. એક તરફ જ્યાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અપાતી સહાયથી ખેડૂતોને રાહત મળી છે. ત્યાં બીજી તરફ ખેડૂતોને તેમની ખેતી માટે જરૂર પડતી મૂડીની સમસ્યાને દૂર કરવા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં છે.
ઋતુ આધારિત ખેતી કરતા ખેડૂતોને ખેતીમાં મનપસંદ પાક લેવા નાણાની જરૂર ઉભી થાય ત્યારે આ યોજના હેઠળ પાક આધારિત ખેતીકામ માટે સરકારી કે સહકારી બેંકમાંથી ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે. આ ધિરાણ થકી ખેડૂતો પાકનું બિયારણ, ખાતર કે અન્ય જરૂરી સાધન-સામગ્રી ખરીદી શકે છે. ખેતીકામમાં થતા ખર્ચને કરી શકે છે. સરકારની લોનરૂપી સહાય તેમને અન્ય વ્યાજખોરોના ત્રાસથી બચાવે છે. અને તેઓ નિશ્ચિંત બની ખેતી કરી સારી ઉપજ મેળવી આત્મનિર્ભર બની શકે છે.
કિસાન ક્રેડિડ કાર્ડ યોજનાની આવશ્યકતા અને સફળતાને જોતા કેન્દ્ર સરકારે નવા આર્થિક પેકેજમાં આ યોજના હેઠળ દેશના 2.5 કરોડ ખેડૂતોને રાહતદરે રૂપિયા 2 લાખ કરોડનું ધિરાણ આપવાની જાહેરાત કરી છે. સાથે જ ખેડૂતોની ક્રેડિટમાં 20 ટકા સુધીના વધારો પણ કર્યો છે. સરકારની આ જોગવાઇથી ખેડૂતોની આર્થિક સધ્ધરતા વધશે માટે જ સરકારના આ પેકેજ અને યોજનાને ઘણો જ આવકાર મળી રહ્યો છે.