India

તો આ કારણે થયો કાનપુર કાંડ! ગેંગસ્ટર વિકાસ દુબે પર હવે રૂ.1 લાખનું ઇનામ, પોલીસે કમર કસી

કાનપુરના કુખ્યાત આરોપી વિકાસ દુબે અને કૌટુંબિક બનેવી રાહુલ તિવારી વચ્ચે ગ્રામ પંચાયતની 6 વિઘા જમીનના વિવાદના કારણે બિકરુ ગામમાં હચમચાવી એવી ઘટના જોવા મળી જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થઈ ગયા. આ ઘટના બાદ ગેંગસ્ટર વિકાસ દુબેની ફરિયાદ કરનાર રાહુલ તિવારી પરિવાર સમેત ગાયબ છે.

પંચાયતની જમીનનો હતો વિવાદ:

ઘનશ્યામપુર ગ્રામ પંચાયતની 6 વિઘા જમીનને લઇને ચાલી રહેલા વિવાદના પગલે મોહિની નિવાડા ગામના રહેવાસી રાહુલ તિવારીએ ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં વિકાસ દુબે વિરુદ્ધ અપહરણનો પ્રયાસ અને જીવલેણ હુમલો કરવાની ફરિયાદ નોંધાવી હતી. 8 પોલીસકર્મીઓની હત્યાના એક દિવસ પહેલા તત્કાલીન પોલીસ વડા વિનય તિવારી તપાસ માટે વિકાસ દુબે પાસે ગયા હતા. ત્યારે વિકાસ દુબેએ તેના ઘરે પોલીસ વડાને માર માર્યો હતો અને તેમની ઉપર બંદૂક પણ ચલાવી હતી.

જો કે, વિનય તિવારીએ તેમની સાથે થયેલા આ અપમાનજનક અને હુમલાની માહિતી વરિષ્ઠ અધિકારીઓને આપી ન હતી. પોલીસ દરોડા પહેલા વિકાસ દુબેને જાણ કરવાની શંકાના આધારે વિનય તિવારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસટીએફ સતત તેમની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે કહ્યું કે ઘટના બાદથી ફરિયાદ કરનાર રાહુલ તિવારી તેના પરિવાર સાથે લાપતા છે. તેની શોધ કરવામાં આવી રહી છે. સાથે જ આ મામલે જેટલા પણ લોકો શંકાના ઘેરામાં છે તેમની સાથે પૂરપરછ કરવામાં આવી રહી છે.

વિકાસ દુબે પર 1 લાખનું ઇનામ:

જો કે, બીજી તરફ કાનપુર પોલીસમાં સૂત્રોએ જણાવ્યું કે રાહુલ તિવારી અને તેના પરિવારને પોલીસે પોતાની દેખરેખ હેઠળ સુરક્ષિત સ્થાને રાખ્યા છે. જેથી 8 પોલીસકર્મીઓની હત્યા કરનાર વિકાસ દુબે અને તેની ગેંગ તેમના સુધી પહોંચી ન શકે. કાનપુરમાં પોલીસકર્મીઓની હત્યાને હવે 3 દિવસ થઈ ગયા છે. પરંતુ હિસ્ટ્રીશીટર વિકાસ દુબે હાલ પણ ફરાર છે. જેના કારણે હવે પોલીસે તેને પકડવા માટે ઇનામની રકમ વધારીને 1 લાખ કરી છે.

વિકાસ દુબે પર ઇનામની રકમ પહેલા 50 હજાર હતી જે વધારીને હવે 1 લાખ કરવામાં આવી છે. આ સાથે પોલીસ પોસ્ટર દેખાડીને પણ લોકોથી પૂરપરછ કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ગેંગસ્ટરને પકડવા માટે એસટીએફની 20 ટીમ અને 3 હજારથી વધુ પોલીસકર્મી કાર્યરત છે. વિકાસ દુબેના નેપાળ ભાગી જવાની શંકાએ સરહદથી જોડાયેલ 7 જિલ્લાઓમાં વિશેષ એલર્ટ કરાયું છે. માહિતી મુજબ વિકાસના પરિવારના લોકો સહિત લગભગ 500 નજીકના લોકોના મોબાઇલ ફોન પોલીસે સર્વિલાંસ પર રાખ્યા છે. જ્યારે યુપી સરકારે બધા 75 જિલ્લાઓમાં વિકાસ દુબે અને તેના સાથીઓની ધરપકડ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિકાસ દુબેની શોધમાં હવે યુપી એસટીએફથી 25 ટીમ અને દિલ્હીથી ઇન્ટેલિજેન્સ બ્યૂરો પણ જોડાયા છે.

Leave a Reply

Your email address will not be published.