કોરોના મહામારી વચ્ચે હાલ ક્રિકેટ સંપૂર્ણ રીતે ઠપ્પ છે. મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાંથી એક ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. જો કે, આગામી મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત થવા જઈ રહી છે. જુલાઈમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે સીરીઝ રમાશે. પરંતુ તેમ છતા આ વર્ષ થનારા ટી20 વર્લ્ડ કપને લઈ હાલ પણ આશંકાઓનો માહોલ યથાવત છે.
જો આ વર્ષે વર્લ્ડ કપને સ્થગિત કરવામાં આવે તો આઈપીએલના આયોજનની સંભાવનાઓ ફરી વધી જશે. માહિતી મુજબ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્થગિત આઈપીએલના આ સત્રને લઈ રાજ્ય સંગઠનોને પત્ર લખ્યો હતો. જેમાં તેમના ઇરાદા સ્પષ્ટ થયા હતા કે તે આઈપીએલ કરાવવા ઇચ્છે છે.એક ખાનગી મીડિયા રિપોર્ટ મુજબ ગાગુંલી 26 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી આઈપીએલનું આયોજન કરાવવાની કોશિશ કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા અમુક દિવસોથી બીસીસીઆઈ બધી ફ્રેન્ચાઇઝીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. જો કે, વર્લ્ડ કપ સ્થગિત થયા પછી જ આની અસ્થાયી તારીખ પર કામ કરી શકાશે.
આપણે જણાવી દઈએ કે આઈસીસીની મીટિંગ 10 જૂને થઈ હતી પરંતુ વર્લ્ડ કપના આયોજન અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. મુદ્દા સાથે સંકળાયેલ એક અધિકારીએ જણાવ્યું કે હવે વધુ રાહ જોવા માટે તૈયાર નથી. આઈપીએલ માટે વિંડો નક્કિ છે. આઈસીસી દ્વારા વર્લ્ડ કપના નિર્ણય બાદ આ વિંડો મુજબ તૈયારી શરૂ થઈ શકે છે. પરંતુ બીસીસીઆઈ સામે બીજો પડકાર એ છે કે આઈપીએલનું આયોજન ક્યાં કરવામાં આવે. હાલ આ અંગે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. એવી સંભાવનાઓ છે કે આઈપીએલ ખાલી સ્ટેડિયમમાં અથવા સીમિત કરવામાં આવી શકે છે. દેશની બહાર અથવા વિદેશી પ્લેયર્સ વગર દેશમાં આયોજન થઈ શકે છે.