અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઈટમાં કચરો વેણતી એક 12 વર્ષની બાળકી પર કચરાના ઢગ નીચે દટાઈ ગઈ હતી. આજે સોમવાર થયો હોવા છતાં પણ અમદાવાદ તંત્રની ટીમ હજુ સુધી બાળકીને શોધી શકી નથી. 40 કલાક કરતાં પણ વધારે સમય વીત્યો છતાં પણ બાળકી મળી ન આવતાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ શનિવારથી સતત બાળકોની શોધખોળ ચાલી રહી છે.
શનિવારે સાંજે 9 વર્ષનો બાળક અને તેની 12 વર્ષની બહેન પીરાણા ડમ્પિંગ સાઈટ ખાતે કચરો વીણવા ગયા હતા. કચરો વીણતાં-વીણતાં બંને ભાઈ-બહેન પર મોટો કચરાનો ઢગલો પડ્યો હતો. જો કે, ભાઈ દોડીને બહાર નીકળી જતાં તેનો અદભૂત બચાવ થયો હતો. પણ કમનસીબે 12 વર્ષની બાળકી કચરાના ઢગલા નીચે દટાઈ ગઈ હતી.શનિવારે સાંજે 7.45 બાળકી દટાઈ ગઈ હોવાનો કોલ ફાયરબ્રિગેડને મળ્યો હતો. જે વાતને આજે 40 કલાક કરતાં પણ વધારે સમય થવા આવ્યો છે. ચાર મશીનોની મદદથી કચરો હટાવીને બાળકીને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચરાનો ઢગલો ખુબ જ મોટો અને ઝેરીલો ગેસ પણ હોવાથી બાળકીને શોધવાનું કામ મુશ્કેલ બન્યું છે. હાલ ફાયર વિભાગને પણ બાળકી કઇ જગ્યાએ છે અને કેટલી ઉંડી છે તે અંગે ખાસ કોઈ ખ્યાલ નથી. ફાયર વિભાગ બાળકીને બચાવવા માટે સતત મહેનત કરી રહ્યું છે. પણ તંત્રને હજુ સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી. હવે બાળકી જીવતી હશે કે નહીં તે અંગે પણ અનેક સવાલો છે. અને તંત્ર પાસે બાળકીને શોધવા માટેનાં હાઈટેક સાધનો છે કે નહીં તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.