India

સુપ્રીમ કોર્ટની બેન્ચે હાઇકોર્ટમાં નિમણૂક માટેની પ્રક્રીયામાં કેન્દ્ર સરકાર દ્વારા થઇ રહેલા વિલંબ મુદે ચિંતા જાહેર કરી.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબડેના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે બુધવારે હાઇકોર્ટમાં નિમણૂક માટેની પસંદગી અને નિમણૂક પ્રક્રીયામાં કેન્દ્ર સરકાર દ્વારા થઇ રહેલા વિલંબ મુદે ચિંતા જાહેર કરી હતી. સુપ્રીમે ચિંતા જાહેર કરી હતી કે હાઇકોર્ટમાં પડતર કેસો વધી રહ્યા છે અને ૪૦ ટકા ન્યાયમૂર્તિના પદ ખાલી છે.

બેન્ચે જણાવ્યું હતું કે ચાર હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ પદે નિમણૂક માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા પસંદ કરેલા ૧૬ નામને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળવાની હજી બાકી છે. કોલેજિયમ દ્વારા જુલાઇ ૨૦૧૯માં થયેલી ભલામણો સંબંધમાં પણ હજી નિમણુક હજી નથી આપી. બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે વિવિધ હાઇકોર્ટે ન્યાયમૂર્તિપદે નિમણૂક માટે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયને પાઠવેલી ૧૦૩ દરખાસ્તો પર પ્રક્રીયા હાથ ધરીને સુપ્રીમ કોર્ટના કોલેજિયમને ફોરવર્ડ કરવાની કામગીરી પણ પડતર છે. તેને કારણે ઉચ્ચ ન્યાયતંત્રમાં ખાલી પડેલા પદની કટોકટી વધતી જાય છે. કોલેજિયમ તે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના નેતૃત્વ હેઠળ બનેલી ત્રણ સભ્યોની બનેલી સમિતિ છે.

હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિના ૪૧૭ પદ ખાલી

મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને સંજય ખન્નાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે ૨૫ હાઇકોર્ટ ૧૦૮૦ ન્યાયમૂર્તિના મંજૂર થયેલા પદ ધરાવે છે તે પૈકી ૪૧૭ પદ ( ૩૯ ટકા ) ખાલી છે. નિમણુક માટેની પસંદગી પ્રક્રિયાનો ચાર્ટ તૈયાર કરી ચૂકેલા ન્યાયમૂર્તિ કૌલે એટર્ની જનરલ વેણુગોપાલને જણાવ્યું હતું કે સરકારને પાઠવવામાં આવેલી દરખાસ્તો પર સરકાર ચોક્કસ સમયના માળખામાં કામ નહીં કરે તો નિમણૂક ખોરંભે પડતી રહેશે.

Leave a Reply

Your email address will not be published.