Home Business ઇન્સ્ટન્ટ લોન એપ મારફત મજબૂર લોકોને ફસાવવાનું મોટું કાવતરું પકડાયું, તેલંગણા પોલીસે...

ઇન્સ્ટન્ટ લોન એપ મારફત મજબૂર લોકોને ફસાવવાનું મોટું કાવતરું પકડાયું, તેલંગણા પોલીસે અનેક ગુનેગારોની ધરપકડ કરી.

99
0

તાજેતરમાં દેશના દક્ષિણ ભાગમાં ઇન્સ્ટન્ટ લોન એપ મારફત મજબૂર લોકોને ફસાવવાનું મોટું કાવતરું પકડાયું અને તેલંગણા પોલીસે અનેક ગુનેગારોની ધરપકડ પણ કરી લીધી છે. અહેવાલો અનુસાર આ એપ્સનું પગેરું છેક ચીન સુધી પહોંચ્યું છે. જાણકારો કહે છે કે આ કિસ્સો તો ફક્ત આઈસબર્ગની ટોચ છે. દેશમાં આ વિષચક્ર ગંભીર હદે પ્રસરેલું છે. આવા સંજોગોમાં લોકો માટે સૌથી મોટી પ્રાથમિકતા આવી લલચામણી એપ્સથી દૂર રહેવાની છે. દેશમાં ડિજિટલ એપની મદદથી લગભગ અડધા કલાકમાં જ આસાનીથી લોન મળી જાય છે પરંતુ તે પછી લોન લેનાર વ્યક્તિને એટલા બધા ટોર્ચર કરવામાં આવે છે કે ઘણા લોકોને આત્મહત્યા કરવાની પણ ફરજ પડી છે. જોકે લોન આપવાવાળી આ એપ આરબીઆઈ દ્વારા અધિકૃત હોતી નથી. લોન એપ્સ અરજદારને અડધા કલાકમાં નાણાં આપી દે છે પરંતુ બદલામાં ઊંચું વ્યાજ વસૂલે છે. પાછલા દિવસોમાં તેલંગણા પોલીસને ઓછામાં ઓછી ૯૦ ફરિયાદો મળી હતી જેમાં એવી ફરિયાદ મળી હતી કે લોન એપ્સ દ્વારા તેમને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. જે લોકો સમયસર લોન પરત ના કરી શકે તેમને તેમના ફોન પર સતત ધમકીઓ આપીને પરેશાન કરવામાં આવે છે, મોબાઈલ પર મેસેજ આવે છે અને ઘણા કિસ્સામાં ફેક એફઆઈઆઈ અને કોર્ટની નોટિસ પણ મોકલવામાં આવે છે. આવી એપ્સ દ્વારા ઉઘરાણી માટે રોકવામાં આવેલા માણસો વ્યક્તિને તેના સંબંધીઓ અને પડોશીઓ સામે અપમાનિત કરે છે. થોડા દિવસ અગાઉ એક એન્જિનિયરે આવા લોકોથી તંગ આવીને પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
આરબીઆઈએ આવી લોભામણી લોન સામે ચેતવણી ઉચ્ચારી
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આવી બિનસત્તાવાર મોબાઈલ એપ દ્વારા ઓફર કરવામાં આવતી લોન સામે ચેતવણી ઉચ્ચારી છે, કે જે ઝડપી અને ઝંઝટ વગરની લોનની ગેરંટી આપે છે. તાજેતરમાં મોટાપાયે લોન એપ કૌભાંડ બહાર આવ્યું તેના સંદર્ભમાં આરબીઆઈએ લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. લોનધારકોને પરેશાન કરવા બદલ પોલીસે દિલ્હી, ગુરગાંવ અને હૈદરાબાદમાંથી ૧૭ લોકોની ધરપકડ પણ કરી છે. આરબીઆઈએ તેની નોટિસમાં જણાવ્યું હતું કે, રિપોર્ટ્સ અનુસાર લોકોને સરળ અને ઝડપી લોન આપવાની લાલચ આપતી મોબાઈલ એપની જાળમાં વધુને વધુ લોકો અને નાના બિઝનેસીસ ફસાઇ રહ્યા છે. તેઓ જંગી માત્રામાં વ્યાજ અને ઊંચા હાઇડન ચાર્જ વસૂલે છે, તેઓ ઋણધારકના મોબાઈલમાંથી ડેટાની પણ ઉઠાંતરી કરે છે અને તેનો દુરુપયોગ પણ કરે છે. તે જણાવે છે કે નાગરિકોને આથી સલાહ આપવામાં આવે છે કે આવી અનૈતિક પ્રવૃત્તિમાં ના ફસાવું અને નિર્ણય કરતાં પહેલાં મોબાઈલ એપ મારફત લોન ઓફર કરતી કંપનીની વિગતોની ખરાઈ કરવી જોઈએ. આરબીઆઈએ લોકોને KYC ડોક્યુમેન્ટ્સને અજાણ્યા લોકો કે કંપની સાથે શેર ન કરવાની વિનંતી કરી છે. જો આવી કોઈ પ્રવૃત્તિ માલૂમ પડે તો કાયદા અનુસારની સંસ્થા અથવા આરબીઆઈના પોર્ટલ https://sachet.rbi.org.in પર તરત જાણ કરવી જોઈએ. આ નોટિસમાં જણાવ્યું હતું કે આરબીઆઈએ ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મને આદેશ કરેલો છે કે તેમણે ગ્રાહકોને પહેલેથી જ જેમના માટે તેઓ કામ કરે છે તે બેન્ક અથવા એનબીએફસીનું નામ જાહેર કરવું.
લોન એપના વિષચક્રમાંથી કેવી રીતે બચી શકાશે?
દેશમાં કોવિડ-૧૯ના કારણે મોટા પ્રમાણમાં લોકો બેરોજગાર થયા અને નાના બિઝનેસીસ પણ મંદીમાં આવી ગયા છે તેને લીધે સ્વાભાવિક રીતે આગલા વર્ષની સરખામણીએ વધારે લોકોએ કરજ લીધું છે. જો કે એવા કોઈ આંકડા ઉપલબ્ધ નથી કે કેટલા ભારતીયો ડિજિટલ પ્લેટફોર્મ મારફત લોન મેળવે છે. જો કે AppFlyerના આંકડા દર્શાવે છે કે ૨૦૨૦માં સમગ્ર એશિયા પેસેફિકમાં ભારતીયોએ સૌથી વધારે લોન એપ ડાઉનલોડ કરી હતી. વેન્ચર કેપિટલ ટ્રેકિંગ પ્લેટફોર્મ Traxenનો અંદાજ છે કે હાલમાં ભારતમાં ૪૮૪ પ્રકારની ધિરાણ એપ છે, જેમાં જેન્યૂન એપ્સનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ આંકડો સતત વધી રહ્યો છે ત્યારે આવા લોન ફ્રોડ માટે જાગરુકતા વ્યક્તિને તેનો ભોગ થતો બચાવી શકે છે.
ફોન પર વસૂલી માટે સતત ધમકીઓ આપીને પરેશાન કરવામાં આવે છે, મોબાઈલ પર મેસેજ આવે છે
તાજેતરમાં દેશના દક્ષિણ ભાગમાં ઇન્સ્ટન્ટ લોન એપ મારફત મજબૂર લોકોને ફસાવવાનું મોટું કાવતરું પકડાયું અને તેલંગણા પોલીસે અનેક ગુનેગારોની ધરપકડ પણ કરી લીધી છે. અહેવાલો અનુસાર આ એપ્સનું પગેરું છેક ચીન સુધી પહોંચ્યું છે. જાણકારો કહે છે કે આ કિસ્સો તો ફક્ત આઈસબર્ગની ટોચ છે. દેશમાં આ વિષચક્ર ગંભીર હદે પ્રસરેલું છે. આવા સંજોગોમાં લોકો માટે સૌથી મોટી પ્રાથમિકતા આવી લલચામણી એપ્સથી દૂર રહેવાની છે. દેશમાં ડિજિટલ એપની મદદથી લગભગ અડધા કલાકમાં જ આસાનીથી લોન મળી જાય છે પરંતુ તે પછી લોન લેનાર વ્યક્તિને એટલા બધા ટોર્ચર કરવામાં આવે છે કે ઘણા લોકોને આત્મહત્યા કરવાની પણ ફરજ પડી છે. જોકે લોન આપવાવાળી આ એપ આરબીઆઈ દ્વારા અધિકૃત હોતી નથી. લોન એપ્સ અરજદારને અડધા કલાકમાં નાણાં આપી દે છે પરંતુ બદલામાં ઊંચું વ્યાજ વસૂલે છે. પાછલા દિવસોમાં તેલંગણા પોલીસને ઓછામાં ઓછી ૯૦ ફરિયાદો મળી હતી જેમાં એવી ફરિયાદ મળી હતી કે લોન એપ્સ દ્વારા તેમને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. જે લોકો સમયસર લોન પરત ના કરી શકે તેમને તેમના ફોન પર સતત ધમકીઓ આપીને પરેશાન કરવામાં આવે છે, મોબાઈલ પર મેસેજ આવે છે અને ઘણા કિસ્સામાં ફેક એફઆઈઆર અને કોર્ટની નોટિસ પણ મોકલવામાં આવે છે. આવી એપ્સ દ્વારા ઉઘરાણી માટે રોકવામાં આવેલા માણસો વ્યક્તિને તેના સંબંધીઓ અને પડોશીઓ સામે અપમાનિત કરે છે. થોડા દિવસ અગાઉ એક એન્જિનિયરે આવા લોકોથી તંગ આવીને પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
એક લોન ભરવા ઊંચાં વ્યાજે બીજી લોન ઓફર થાય છે
એપ મારફત લોન આપવાવાળી કંપનીઓ ખાસ પ્રકારે લોકોને પોતાની જાળમાં ફસાવે છે, પહેલાં તો તેમની પાસેથી ઓછું વ્યાજ લે છે અને જો હપતો ભરવામાં ચૂક થઇ તો ૫૦ ટકા જેવું ઊંચું વ્યાજ વસૂલે છે અને પછી બદનામ કરવાની ધમકી આપે છે. ઘણીવાર વ્યક્તિને એક લોન ચૂકવવા માટે બીજી કંપની પાસેથી ઊંચા વ્યાજદરની લોન અપાવવામાં આવે છે એ રીતે તે સતત વ્યાજના વિષચક્રમાં ફસાતો રહે છે. આવા વિષચક્રમાં ફસાઇને ઘણા પરિવારો બરબાદ થયા છે અને આ વિષચક્ર બ્લેકમેલિંગ અને બળાત્કાર સુધી પહોંચે છે. લોન એપ એવા લોકોને આસાનીથી લોન આપી દે છે જેમની પાસે કેટલાક મહત્ત્વના દસ્તાવેજ હોય, જેમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ, આધાર સાથે સંકળાયેલો મોબાઈલ નંબર, કંપનીની સેલરી સ્લીપ, બેંક ખાતાની માહિતી વગેરે. આ બધા દસ્તાવેજોને એપ પર ડાઉનલોડ કરવા પડે છે, તે પછી કંપની કેટલીક મિનિટોમાં વ્યક્તિના ખાતામાં નાણા આવી જાય છે. લોન લેનાર માણસ આનંદમાં આવી જાય છે પરંતુ આ હર્ષ થોડા સમયનો હોય છે કેમ કે ત્યાંથી જ વ્યક્તિની કઠણાઇ શરૂ થાય છે.
તેલંગણામાં ઇન્સ્ટન્ટ લોન એપ્સ વિષચક્રના શિકાર
એડ્ડુ શ્રવણ યાદવ, ૨૩ । તા. ૪-૧૨-૨૦૨૦ । મેડક જિલ્લાના નરસાપુર. તેણે આશરે રૂ. ૬૦૦૦ની લોન લીધી હતી, તેણે ગળાફાંસો ખાધો
કે મૌનુકા, ૨૮ । તા. ૧૬-૧૨-૨૦૨૦ । તેણીએ રૂ. ૫૦૦૦ની લોન લીધી હતી અને પછી ઘણી લોન લેવી પડી, અંતે રૂ. ૨.૫ લાખનું દેવું હતું, તેણીએ ઝેર પી આત્મહત્યા કરી
સુનીલ, ૨૯ । તા. ૧૭-૧-૨૦૨૦ । તેણે ૭૦-૮૦ હજારની લોન લીધી હતી અને તેને રૂ. બે લાખ કરતાં વધુ પરત કરવા જણાવાયું. તેણે ગળાફાંસો ખાધો.
૨૨ ડિસેમ્બર : પોલીસે પ્રથમ ધરપકડ કરી. સાઇબરાબાદ પોલીસે છ લોકોને પકડયા, હૈદરાબાદ પોલીસે ૧૧ને પકડી લીધા.
ડી સંતોષકુમાર, ૩૬ । તા. ૨૩-૧૨-૨૦૨૦ । તેણે ૫૧,૦૦૦ની લોન લીધી હતી અને તેને રૂ. એક લાખ કરતાં વધારે પરત કરવા જણાવાયું. તેણે તેલંગણાના મલ્કાપુરમાં આત્મ હત્યાની કોશિશ કરી અને સારવાર દરમિયાન મૃત્યુ થયું.
૨૫ ડિસેમ્બરઃ સાઇબરાબાદ પોલીસે વધુ ચાર લોકોની ધરપકડ કરી, જેમાં એક ચાઇનીઝ નાગરિકનો સમાવેશ થયો હતો. તે જ દિવસે હૈદરાબાદ પોલીસે પણ વધુ ત્રણને પકડયા
૨૭ ડિસેમ્બર : રાચાકોન્ડા પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી જેમાં એક મહિલા ચાઇનીઝ નાગરિક લિઆંગ ટિઆનનો સમાવેશ થાય છે.
૩૦ ડિસેમ્બર : હૈદરાબાદ પોલીસે વધુ બે વ્યક્તિની ધરપકડ કરી જેમાં એક ચાઇનીઝ નાગરિકનો સમાવેશ થયો હતો.
સી ચંદ્રમોહન, ૩૬ । તા. ૦૨-૦૧-૨૦૨૧ । પેથાશીરાબાદ તેણે ૬૦-૭૦ હજારની લોન લીધી હતી. તેણે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી .
૫ સંકેતો મહત્ત્વપૂર્ણ છે જે દર્શાવે છે કે ધિરાણ કરનાર ફ્રોડ છે
૧) જ્યારે ધિરાણ કરનારને તમારી પેમેન્ટ હિસ્ટ્રીની ચિંતા ના હોય
ધિરાણ કરનારની એક યથાર્થતા એ છે કે તે ધિરાણ કરતાં પહેલાં તમારા ક્રેડિટ રિપોર્ટને ચેક કરવા માંગે છે કે નહીં. જાણીતા ધિરાણકર્તાઓ સ્પષ્ટ કહે છે કે તેમને ધિરાણ કરતાં પહેલાં તમારી પેમેન્ટ હિસ્ટ્રીને ચેક કરવી પડશે. જો લોન આપનારાને આની કશી જ ના પડી હોય તો સમજવું કે ગરબડ છે. કેમ કે તેમને તો હાઈ રિસ્ક ધરાવતાં ડેબ્ટરને જ શોધવા હોય છે.
૨) જ્યારે લોન આપનાર તમને ઝડપથી અરજી કરવા દબાણ કરે
જો ધિરાણ કરનાર કંપની તમે ચોક્કસ ડેડલાઇનની અંદર જ લોન માટેની અરજી કરી દેવા માટે દબાણ કરે તો આવી ઉતાવળને તાબે ના થશો કેમ કે સંભવ છે કે તમે કોઈ લોન કૌભાંડનો ભોગ બનવા જઈ રહ્યા હોવ.
૩) અયોગ્ય રીતે ફીની જાહેરાત કરે
જો તમને ધિરાણ કરનાર તમારી પાસે અરજી, એપ્રાઇઝલ અથવા ક્રેડિટ રિપોર્ટ ફીની સમાવેશક વિગત જાહેર ન કરે તો તેને તરત જ ઇનકાર કરી દો.
૪) જ્યારે ધિરાણ કરનારની વેબસાઇટ સુરક્ષિત ના હોય
જ્યારે પણ ધિરાણ કરનારની વેબસાઇટની મુલાકાત લો ત્યારે તમે જે પેજ પર વ્યક્તિગત માહિતી ઉપલબ્ધ કરાવો તેના પર પેડલોક સિમ્બોલને ચોક્કસ જોઈ લો. Https://વેબસાઇટ સુરક્ષિત છે. વિશ્વસનીય ધિરાણકર્તા તમારા ડેટા સુરક્ષિત રહે તેની કાળજી રાખે છે અને તમારી કોઈ માહિતી લીક થવા દેતું નથી. તેઓ તમને લોન કૌભાંડથી બચાવે છે.
૫) જ્યારે ધિરાણકર્તાનું કોઈ ફિઝિકલ એડ્રેસ ના હોય
તમને જે ધિરાણકર્તામાં રસ હોય તેણે પોતાનું કોઈ ફિઝિકલ એડ્રેસ આપ્યું છે કે નહીં તેની ખાતરી કરો. જો તમને કોઈ સત્તાવાર સરનામું ના મળે તો તમારે આવા ધિરાણકર્તાથી દૂર રહેવું જોઈએ. લોન કૌભાંડ આચરનારા ઘણા ઓપરેટરો અદૃશ્ય રહેતાં હોય છે જેથી કાયદાકીય કાર્યવાહીને ટાળી શકાય.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here