હજી કોરોનાની આફત ટળી નથી ત્યારે હવે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું (Cyclone) સક્રિય થયું છે. આ વાવાઝોડાનું નામ ગતિ (Gati cyclone)અપાયું છે. આ વાવાઝોડું વધુ મજબુત બની આગળ વધી રહ્યું છે. જોકે આ વાવાઝોડું સોમાલિયાના દરિયા કિનારે ટકરાશે. જેથી ગુજરાત માટે કોઈ ચિંતા નથી. પરંતુ ગતિ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઠંડી (Winter)વધવાની શક્યતાઓ છે.
ગતિ વાવાઝોડું ગુજરાતથી દૂર છે અને યમન તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 6 કલાકે 32 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. પવનની ગતિ 120થી 130 છે જે વધીને 145 કિલોમીટરની થઈ શકે છે. તેમ છતા પણ ગુજરાતના દરિયા કિનારાને એલર્ટ કરી દેવામાં આવ્યો છે.
ગતિ વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય છે અને યમન તરફ આગળ વધશે. ત્યારે હાલ જાફરાબાદ, વેરાવળ, પોરબંદર અને માંગરોળમાં 2 નંબરનું સિગ્નલ અપાયું છે. માછીમારી કરી રહેલ બોટોને બંદર પર ખસી જાવા સૂચના અપાઈ છે. તો દરિયામાં ગતિ વાવાઝોડું સક્રિય હોવાના કારણે વેપાર માટે જતા જહાજોને પણ ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં ગતિ વાવાઝોડું સક્રિય છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે. તેમ છતાં પણ ગુજરાતના વાતાવરણને અસર નહીં થાય. પરંતુ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે.