વડોદરા તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ (શનિવાર) ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સયાજી અને ગોત્રી સરકારી દવાખાનાઓ ના વરિષ્ઠ તબીબો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી સપ્તાહોમાં કોવિડ ના દર્દીઓ ની સંખ્યા વધે તો કેવી પૂર્વ તૈયારીઓ અને સુસજ્જતા જરૂરી બનશે એનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
ધીરજ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડો.દીક્ષિત શાહ પણ આ બેઠકમાં જોડાયાં હતા. બેઠકમાં ધીરજ હોસ્પિટલ ખાતે ૧૦૦ પથારીના આઇસીયુ સહિત ૬૦૦ નિઃશુલ્ક પથારીની સુવિધા ધરાવતા સમર્પિત કોવિડ દવાખાનાની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી.
તેના અનુસંધાને આજે ધીરજ હોસ્પિટલના તબીબોની ટીમ જરૂરિયાતો સમજવા માટે ગોત્રી હોસ્પિટલની અને સોમવારે ગોત્રી અને સયાજી હોસ્પિટલના તબીબોની ટીમ ધીરજ હોસ્પિટલની મુલાકાત લે, તેમની પાસે ઉપલબ્ધ માળખાકિય સુવિધાઓ, સાધનો ઉપકરણો, રેસીડેન્ટ અને ફેકલ્ટી તબીબો, નર્સિંગ વિદ્યાર્થીઓ જેવી તબીબી માનવ સંપદાનો ઉપરોક્ત સૂચિત હોસ્પિટલ માટે કેવી રીતે વિનિયોગ કરી શકાય તેની રૂપરેખા સુનિશ્ચિત કરશે.