Home Kheda (Anand) ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે બૃહદ ખેડાના સરપંચોનો એક દિવસીય સેમિનાર...

ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે બૃહદ ખેડાના સરપંચોનો એક દિવસીય સેમિનાર યોજાયો

95
0

સરપંચોને પાત્રતા ઘરાવતા તમામ લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર લાભ મળે તે મુજબ કાર્ય કરવા અપીલ કરતા કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ
સૌના સાથ સૌના વિકાસના મંત્રને અનુસરી કોઇ પણ જાતના ભેદભાવ વગર તમામ નાગરિકોને મદદરૂપ થવાનો ધ્યેય રાખવો જોઇએ – દંડક શ્રી પંકજભાઇ દેસાઇ
દરેક સરપંચોએ પોતાના મોબાઇલમાં સરકારની ૧૪૫ જેટલી યોજનાઓની વિગતો રાખી ગામના નાગરિકોને શકય તેટલી મદદ કરવી જોઇએ- પૂર્વ ગૃહ મંત્રીશ્રી ગોરધનભાઇ ઝડફિયા

જનતાના સર્વાંગી ઉત્કર્ષ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સરકારે અમલી બનાવી છે. ગ્રામ વિકાસ એજન્સી, ખેડા-નડિયાદ દ્વારા ખેડા અને આણંદ જિલ્લાનો બૃહદ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના અમલીકરણ અર્થે ખેડા અને આણંદ જિલ્લાના સરપંચશ્રીઓનો એક દિવસીય વર્કશોપ ઈપ્કોવાળા હોલ, નડિયાદ ખાતે કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે આગામી તા.૨૯/૫/૨૦૨૨ના રોજ નડિયાદ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમની રૂપરેખા આપી ખેડા-આણંદ જિલ્લાના સરપંચશ્રીઓને કાર્યક્રમમાં જોડાવા માટે જાહેર આમંત્રણ સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા આપવામાં આવ્યું હતું.
બૃહદ ખેડાના સરપંચોને સંબોધતા કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતુ કે, દેશમાં છ લાખથી વધુ ગામડાઓ આવેલા છે અને પંચાયતી રાજ મુજબ ગ્રામ પંચાયતના સરપંચોને ૧૪મા અને ૧૫મા નાણાં પંચમા વધુ સત્તાઓ આપી ગ્રામ્ય વિકાસની કેડીનો માર્ગ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખુલ્લો મૂકયો છે ત્યારે ચૂંટાયેલા સરપંચોએ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર લાભ મળે તે મુજબ કાર્ય કરવા અપીલ કરતા કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણએ અપીલ કરી હતી. તેઓશ્રીએ આઝાદીના જંગની ગાંધીજી-સરદાર સાહેબની જોડીને યાદ કરી હતી. તેમજ દેશના નાગરિકોના સર્વાગી વિકાસ માટે કામ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહનો પણ તેઓના પથ ઉપર ચાલવા માટે આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી અને નડિયાદના લોકપ્રિય ધારાસભ્યશ્રી પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, સરપંચના પદની ગરીમા આ સરકારમા વધી છે. મક્કમ અને મ્રુદુ સ્વભાવના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ આ સરકારે મહેસુલ વિભાગમાં ૨૪ જેટલા મહત્વના નિર્ણયો લઇ લોકોને પડતી મૂશ્કેલીઓનો અંત લાવ્યો છે. સમસ્યાઓનું નિરાકરણ, જનકલ્યાણની ભાવના અને ભેદભાવ વગર સૌનો સાથ સૌનો વિકાસ કરવાના નિર્ણયોનો અમલ થઇ રહયો છે. ગ્રામ્ય કક્ષાએ સરકારની વિવિધ યોજનાઓના લાભ કોઇ પણ ભેદભાવ વગર લાભાર્થીના ઘર આંગણે પહોંચાડવાનો સરપંચશ્રીઓને મોકો મળ્યો છે ત્યારે સરપંચોએ ગામનો કોઇ પણ નાગરિક કે જેને લાભ મળવાપાત્ર હોય તે તેના લાભથી વંચિત ના રહે તે જોવા અપીલ કરી હતી. સુશાસન અને ગરીબ કલ્યાણને વરેલી આ સરકારે પ્રજાહિતની અનેક યોજનાઓ અમલી બનાવી તેનો લાભ લાભાર્થીઓને મળે તે સુનિશ્ર્વિત કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમીતભાઇ શાહ આગામી તા.૨૯મી ના રોજ નડિયાદ ખાતેથી રાજયના ૧૭ જિલ્લાઓમાં પોલીસ વિભાગને લગતા અનેક કામોનું લોકાર્પણ-ખાર્તમૂર્હત કરવાના છે ત્યારે આ કાર્યક્રમમાં સહભાગી થવા દંડકશ્રી પંકજભાઇએ અપીલ કરી હતી. તેઓશ્રીએ ૧૫મા નાણાં પંચના નાણાંનો ઉપયોગ કરી ગામના વિકાસને વેગ આપવા અપીલ કરી હતી.
પૂર્વ ગૃહ મંત્રીશ્રી ગોરધનભાઇ ઝડફિયાએ જણાવ્યું હતું કે, ગામડાના સર્વાગી વિકાસ એ પૂ. ગાંધીજીના સ્વરાજયની કલ્પના હતી તેને સાકાર કરવાનો અવસર સરપંચોને મળ્યો છે ત્યારે ગામના નાગરીકોની સાથે મળી ગામના સર્વાંગી વિકાસને વેગ આપવો જોઇએ. તેઓશ્રીએ સરપંચોને સંબોધતા જણાવ્યું હતું કે, ભગવાને તમને સરપંચનું પદ આપ્યું છે તો તેનો મહત્તમ ઉપયોગ કરી પ્રજાહિતના કામોને કોઇપણ જાતના ભેદભાવ વગર પૂર્ણ કરી પોતાનું કર્તવ્ય કરીએ. તેઓશ્રીએ સરકારની વિવિધ ૧૪૫ જેટલી યોજનાઓ માટે મોબાઇલમાં ૦૨૬૧- ૨૩૦૦૦૦૦ની નોંધ કરવા તેમજ તેના ઉપર વોટ્સઅપથી યોજનાને લગતી તમામ વિગતો મેળવવા માટે સરપંચશ્રીઓને આહવાન કર્યું હતું. જેથી સરકારની તમામ યોજનાઓના લાભ ગામના જે લાભાર્થીને મળવા પાત્ર હોય તેને સરળતાથી અપાવી શકાય.
આણંદના સાંસદશ્રી મીતેશભાઇ પટેલએ સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય કક્ષાના મહત્તમ નાગરિકો લાભ લે તે જોવા અપીલ કરી હતી.ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલએ આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કર્યું હતું તેમજ આગામી તા.૨૯મીના રોજ યોજનારા ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના કાર્યક્રમમાં સહભાગી થવા જાહેર આમંત્રણ પાઠવ્યું હતું.કેડીસીસીના અધ્યક્ષશ્રી વિપુલભાઇ પટેલએ આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું.આ પ્રસંગે ગ્રામ વિકાસને લગતી નાની ફિલ્મોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ ઉતરસંડાના સરપંચશ્રી નિશીથભાઇનું જાહેરમાં બહુમાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે માતરના ધારાસભ્યશ્રી કેસરીસિંહ સોલંકી, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, કલેકટરશ્રી કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઇ દવે, જિલ્લા ગ્રામ વિકાસના નિયામકશ્રી રાણા, એપીએમસીના ચેરમેન અપૂર્વ પટેલ, શ્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, શ્રી વિમલભાઇ, શ્રી નટુભાઇ, જિલ્લા ગ્રામ પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામા બૃહદ ખેડાના સરપંચો ઉપસ્થિત રહયા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here