South-Gujarat

બી.આર.સી.ભવન, ઓલપાડ ખાતે કોરોના મહામારીનાં અનુલક્ષમાં સમીક્ષા બેઠક યોજાઇ

બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે તાલુકાના સીઆરસી કૉ-ઓર્ડિનેટરો તથા કેન્દ્રશિક્ષક ભાઈ-બહેનોની એક સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર અને ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, કાર્યવાહક પ્રમુખ મહેશભાઈ પટેલ તથા મહિલા ઉપપ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સદર મિટિંગની શરૂઆતમાં જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓનાં ‘કોરોના વૉરિયર્સ’ તરીકેની કામગીરી બજાવતા દુઃખદ અવસાન પામેલ શિક્ષક ભાઈ-બહેનોને બે મિનિટ મૌન પાળી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે કિરીટભાઈ પટેલે સાંપ્રત ભયાવહ પરિસ્થિતિ વચ્ચે અડગ મને ખડેપગે કામગીરી બજાવી રહેલા શિક્ષક ભાઇ-બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કોરોના મહામારીની સમીક્ષા હાથ ધરવા ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં શિક્ષકોની ભૂમિકા, સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોનું વધુમાં વધુ નામાંકન, પર્યાવરણ લેબ, ઇન્સ્પાયર એવોર્ડ જેવા મહત્ત્વના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.
ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણો વ્યવસાય બાળકો પૂરતો સીમિત નથી પરંતુ તે સમાજને-દેશને પણ સમર્પિત છે ત્યારે આ કપરાં કાળ વચ્ચે વેકેશન દરમિયાન પણ આપણને સોંપાયેલ કામગીરી આપણે પ્રભુને ઓળખી સૌના હિતમાં સુખરૂપ પાર પાડી શકીશું એવો મને આશાવાદ છે. અંતમાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે શિક્ષક ભાઇ-બહેનોને પોતાની જાતને સંપૂર્ણ સાવચેત રાખી પોતાનો પવિત્ર શિક્ષકધર્મ બજાવવાનો સંદેશો પાઠવી ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.