સુરત ના ભટાર ચારરસ્તા ખાતે સોમવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ બનેલી મર્સિડીઝે કારે રિક્ષા, બાઇક, કાર, મોપેડ અને સાયકલને ઉડાવી દેતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. ભાન ભૂલેલા કારચાલકે પાંચ વાહનોને ઉડાવી દીધા બાદ રોડ પરના પોલ સાથે કારને અથડાવી દીધી હતી અને બાદમાં કાર ત્યાં જ મુકી પલાયન થઇ ગયો હતો. અકસ્માત (Accident)માં ત્રણેક જણાને ઇજા થઇ હતી, જે પૈકી સાયકલ ચાલકનું કરૂણ મોત થયું હતુ.
મળતી વિગતો પ્રમાણે ભટાર ચારરસ્તા ખાતે ધીરજ સન્સથી વિશાલ સોસાયટી જવાના માર્ગે સફેદ કલરની મર્સિડીઝ કાર (નં.જીજે 19 બીએ 2453)એ પાંચેક વાહનોને અડફેટમાં લેતા વિસ્તારમાં ભારે હંગામો મચી ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મર્સિડીઝનો કાર ચાલક બ્રેડ લાઇનર સર્કલથી બાઇક સવાર દંપત્તિ, રિક્ષા, સાયકલ, કાર, મોપેડને ટક્કર મારી હતી. પાંચ વાહનોને ઉડાવી દીધા બાદ મર્સિડીઝના ચાલકે રોડ પરના એડવર્ટાઇઝિંગના બોર્ડના પોલ સાથે ધડાકાભેર કારને અથડાવી દીધી હતી.
લોકટોળું એકત્ર થાય તે પહેલાં ચાલક કાર ત્યાં જ છોડી સ્થળ પરથી ભાગી છૂટયો હતો. મર્સિડીઝ કારના બોનેટ સહિતના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવ અંગે જાણ થતા જ ખટોદરા પોલીસ તથા 108ની ટીમ સ્થળ પર ધસી ગઇ હતી. આ અકસ્માતમાં સાયકલ ચાલક નિર્મલ રામધની યાદવનું મોત થયું હતુ. જ્યારે રિક્ષાચાલક અમૂલ અને મોપેડ ચાલક દર્શન વટાણી (રહે- પાર્લે પોઇન્ટ) સહિત ત્રણેક ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડાયા હતા.
પોલીસે મર્સિડીઝે કારના નંબરના આધારે તપાસ કરતા કાર મીલ માલિકીની હોવાનું અને કાર તિવારી અટક ધારી ડ્રાઇવર ચલાવતો હોવાનું જાણવા મળે છે. ડ્રાઇવર રાત્રે પોતાના માલિકને એરપોર્ટ પર લેવા નીકળ્યો હતો.
દરમિયાન અણુવ્રત દ્વાર પાસે કારને રિવર્સમાં લેતી વેળા બાઇક પર સવાર દંપત્તિને અડફેટમાં લીધા હતા. જેને પગલે સ્થળ પર ટોળું એકત્ર થઇ જતા ગભરાઇને કારચાલકે કાર ભગાવી દીધી હતી અને બાદમાં ભાગવાના પ્રયાસમાં બ્રેડ લાઇનર સર્કલથી તેને અન્ય વાહનોને ઉડાવી દીધા હોવાનું ખટોદરા પોલીસનું કહેવું છે.