દિગ્ગજ ઈ કોમર્સ કંપની એમેઝોને કહ્યું છે કે, અમેરિકામાં તેના લગભગ 20 હજાર ફ્રંટલાઈન વર્કર્સ કોરોના વાયરસથી સંક્રમિત છે કે પછી તેઓ સંક્રમિત હોવાની આશંકા છે. કંપનીએ પહેલીવાર સંક્રમિતોની સંખ્યા બતાવતાં કહ્યું કે, તેઓનાં કર્મચારીઓમાં સંક્રમણનો દર સામાન્ય રીતે અમેરિકાની જનસંખ્યાની સરખામણીમાં ઓછો છે.
એમેઝોનના સ્ટાફ અને લેબર ગ્રૃપ કંપની પર દબાણ બનાવી રહ્યા હતા કે, તે કોવિડ 19થી સંક્રમિતક લોકોની સંખ્યાનો ખુલાસો કરે. કંપનીએ એક કોર્પોરેટ બ્લોગમાં જણાવ્યું છે કે, તેઓએ પોતાના કર્મચારીઓને જાણકારી આપવાના પ્રયાસો હેઠળ આ સંખ્યા જાહેર કરી છે. કંપનીએ કહ્યું કે, અમને આશા છે કે અન્ય મોટી કંપનીઓ પણ સંક્રમિતોની સંખ્યા અંગે વિસ્તૃત જાણકારી જાહેર કરશે, કેમ કે આમ કરવાથી આપણા બધાની મદદ થશે.
એમેઝોને કહ્યું કે, આ એવું ક્ષેત્ર છે કે જ્યાં કંપનીઓ કોમ્પિટિશન કરવાની નહીં, પણ એકબીજાની મદદ કરવાની આવશ્યકતા છે. કંપનીએ જણાવ્યું કે, તેઓએ અમેરિકામાં એમેઝોન અને હોલ ફૂડ્સ માર્કેટમાં 13 લાખ 70 હજાર કર્મચારીઓને લઈ 1 માર્ચથી 19 સપ્ટેમ્બર સુધીના આંકડાઓનું આકલન કર્યા બાદ આ સંખ્યા જાહેર કરી છે. અમેરિકા કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેઓની પત્ની મેલાનિયા પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.