GUJARAT

કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા કોરોના વિરોધી રસીકરણ અને કોરોના ટેસ્ટીંગની કામગીરી વધુ સધન બનાવવા ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતિ શાહમીના હુસેનની હિમાયત

જિલ્લા પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષપણા હેઠળ મળેલી બેઠકમાં કોવિડ-૧૯ના સંદર્ભના પાસાઓ વિશેના તમામ મુદ્દાઓ અંગે કરાયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણા

ભરૂચ જિલ્લા પ્રભારી સચિવશ્રીમતી શાહમીના હુસેનના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે કોરોના વિરોધી રસીકરણ અને કોરોના ટેસ્ટીંગની કામગીરી વધુ સધન બનાવવા, કોરોના ટેસ્ટીંગ માટેના કેન્દ્રોની સંખ્યા વધારવા, રોજબરોજની મોનિટરીંગ સીસ્ટમને વધુ અસરકારક બનાવવા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઈ હતી અને આ કામગીરી પરિણામલક્ષી બની રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
પ્રભારી સચિવશ્રીમતી શાહમીના હુસેને કોવિડ-૧૯ સંદર્ભે યોજાયેલ બેઠકમાં તેમણે કોરોના ટેસ્ટીંગ પર ભાર મુકતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણને નાથવા જે વ્યક્તિને કોરોના થયો હોય તેના કુંટુંબના તમામ સભ્યો અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવે. સાથે સાથે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ ક્યાં ક્યાં થાય છે તેની વિગતો પ્રચાર-પ્રસાર કરી વધુમાં વધુ લોકો ટેસ્ટ કરાવે તે હિતાવહ હોવાનું જણાવ્યું હતું. તેમણે કલેકટરશ્રી દ્વારા નિમાયેલ વિવિધ સમિતિઓના નોડલ અધિકારીશ્રીઓને સોંપવામાં આવેલી કામગીરી સંદર્ભે કરેલી કામગીરીની પૃચ્છા કરી જરૂરી માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતા.
વધુમાં પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું કે માઇક્રો પ્લાનીંગ કરી કોરોના સંક્રમણ ઘટાડીએ. જિલ્લાના દરેક તાલુકામાં કેટલાં એક્ટીવ કેસ છે અને તેને ઘટાડવા હવે પછી શું કરી શકાય તેનું આયોજન કરવા તેમજ  જે વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ વધારે આવ્યા હોય ત્યાં ટ્રેસીંગ- ટેસ્ટીંગ- ટ્રેટમેન્ટ વધારી કોવિડ ટેસ્ટનું કલેક્શન સરળતાથી કેવી રીતે કરી શકાય તે વિશે તેમણે સમજ આપતાં કહ્યું કે, કોવિડ સંક્રમણ રોકવા કોવિડ હેલ્પ સેન્ટરો અને કોવિડ હેલ્થ સેન્ટરો તેમજ હોમ આઇસોલેશન દર્દીઓનું મોનીટરીંગ, ધનવંતરી રથ સહિતના તમામ જરૂરી પગલાંઓ લેવા તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.
જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીના હુસેને સરકારી અને ખાનગી હોસ્પિટલો કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. સાથે સાથે જે તે હોસ્પિટલે પોતાના ઈન્ફ્રાસ્ટ્રકચર, દવાનો જથ્થો, ઓક્સિજન સહિતની બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે.
જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીના હુસેને કોરોના વાયરસના સંક્રમણ સામે નાગરિકોને રક્ષણ મળે તે માટે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં લેવામાં આવી રહેલ પગલાઓ પ્રતિ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને હજુ પણ વધુ પરિણામલક્ષી કામગીરી કેવી રીતે કરી શકાય તે અંગે જરૂરી ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાએ જિલ્લાના અધિકારીઓને પ્રભારી સચિવશ્રીએ આપેલ સૂચનોનો ચુસ્ત અમલ કરી કોઈપણ ઈસ્યુ ન બને તેની ખાસ તકેદારી રાખવા અધિકારીઓને સૂચિત કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. દુલેરા, પ્રાંત અધિકારીશ્રીઓ, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ., નોડલ અધિકારીશ્રીઓ અને સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.