South-Gujarat

કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા કોરોના વિરોધી રસીકરણ અને કોરોના ટેસ્ટીંગની કામગીરી વધુ સધન બનાવવા જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતિ શાહમીના હુસેનની હિમાયત

ભરૂચ જિલ્લામાં રસીકરણ કેન્દ્ર ખાતે જઇ કોઇ પણ જાતનો ડર કે સંકોચ રાખ્યા વિના રસીકરણ કરાવવા જિલ્લાના પ્રજાજનોને જિલ્લા પ્રભારી સચિવશ્રીએ કરેલી અપીલ

જિલ્લા પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષપણા હેઠળ મળેલી બેઠકમાં
કોવિડ-૧૯ના સંદર્ભના તમામ મુદ્દાઓ અંગે કરાયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણા

ભરૂચ જિલ્લા પ્રભારી સચિવશ્રીમતી શાહમીના હુસેનના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે કોરોના વિરોધી રસીકરણ અને કોરોના ટેસ્ટીંગની કામગીરી વધુ સધન બનાવવા, રોજબરોજની મોનિટરીંગ સીસ્ટમને વધુ અસરકારક બનાવવા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઈ હતી અને આ કામગીરી વધુ પરિણામલક્ષી બની રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કોરોના વિરોધી રસીકરણ અને કોરોના ટેસ્ટીંગની કામગીરી માટે લોક સહયોગની પણ અપેક્ષા વ્યકત કરતા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીનાહુસેને ભરૂચ જિલ્લામાં રસીકરણ કેન્દ્ર ખાતે જઇ કોઇ પણ જાતનો ડર કે સંકોચ રાખ્યા વિના રસીકરણ કરાવવા જિલ્લાના પ્રજાજનોને અપીલ કરી છે.
વધુમાં પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું કે માઇક્રો પ્લાનીંગ કરી કોરોના સંક્રમણ ઘટાડીએ સાથે ટ્રેસીંગ- ટેસ્ટીંગ- ટ્રેટમેન્ટ વધારી કોવિડ ટેસ્ટનું કલેક્શન સરળતાથી કેવી રીતે કરી શકાય તે વિશે તેમણે સમજ આપતાં કહ્યું કે, કોવિડ સંક્રમણ રોકવા કોવિડ હેલ્પ સેન્ટરો અને કોવિડ હેલ્થ સેન્ટરો તેમજ હોમ આઇસોલેશન દર્દીઓનું મોનીટરીંગ, ધનવંતરી રથ સહિતના તમામ જરૂરી પગલાંઓ લેવા તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. આ ઉપરાંત સરકારી અને ખાનગી હોસ્પિટલો કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. સાથે સાથે જે તે હોસ્પિટલે પોતાના ઈન્ફ્રાસ્ટ્રકચર, દવાનો જથ્થો, ઓક્સિજન સહિતની બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. તેમણે વિવિધ સમિતિઓના નોડલ અધિકારીશ્રીઓને સોંપવામાં આવેલી કામગીરી સંદર્ભે કરેલી કામગીરીની વિસ્તૃત પૃચ્છા કરી જરૂરી માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતા.
જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીના હુસેને કોરોનાની સારવાર કરી રહેલા તમામ તબીબોને વૈશ્વિક મહામારીના કપરા કાળમાં ઉપલબ્ધ ઓકસીજનના જથ્થાનો સંયમપૂર્વક અને વિવેકબુધ્ધિથી ઉપયોગ કરવા અને હાલની પરિસ્થિતિમાં ઓકસીજનને ખૂબ જ અમૂલ્ય ગણી અને તેનો વ્યય ન થાય એ જોવા સાથે ઓકસીજનની જરૂરીઆતવાળા દર્દીને કોઇ તકલીફ ન પડે તે પ્રમાણેની કામગીરી કરવા ભારપૂર્વક સુચના આપવામાં આવી હતી. જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીના હુસેને કોરોના વાયરસના સંક્રમણ સામે નાગરિકોને રક્ષણ મળે તે માટે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં લેવામાં આવી રહેલ પગલાઓ પ્રતિ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને હજુ પણ વધુ પરિણામલક્ષી કામગીરી કેવી રીતે કરી શકાય તે અંગે જરૂરી ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
જિલ્લા પ્રભારીશ્રીએ ફરજીયાત માસ્ક પહેરવું, સોશીયલ ડીસ્ટન્સ રાખવું, સેનીટાઈઝ કરવું, જ્યાં ત્યાં થુંકવું નહી તે અંગે વિશેષ કાળજી લઇ સંબંધિત અધિકારીઓને અસરકારક પાલન થાય તે જોવાની સુચના આપી સાથે સાથે ઉકત બાબતોએ આ રોગની ગંભીરતા સમજી આપણે બધા સાથે મળી રોગને નિયંત્રણમાં લાવવા જિલ્લાના પ્રજાજનો પણ સહયોગ કરે તેવી અપીલ પણ તેમણે કરી હતી.
જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાએ જિલ્લાના અધિકારીઓને પ્રભારી સચિવશ્રીએ આપેલ સૂચનોનો ચુસ્ત અમલ કરી કોઈ પણ ઈસ્યુ ન બને તેની ખાસ તકેદારી રાખવા અધિકારીઓને સૂચિત કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. દુલેરા, પ્રાંત અધિકારીશ્રીઓ, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ., નોડલ અધિકારીશ્રીઓ અને સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક અગાઉ જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીના હુસેન સાથે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા અને પૂર્વ સાંસદશ્રી ભારતસિંહ પરમારે પણ કોરોના સંદર્ભે બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીના હુસેને કોરોના સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા થયેલ કામગીરીનો ચિતાર રજૂ કરી ખાસ કરીને વેકિસનેશન અને RTPCR ટેસ્ટ અંગે જાગૃતિ આવે તે માટે આપના માધ્યમથી પણ કામગીરી થાય તેવી તેમણે અપીલ કરી હતી.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.