Home Ahmedabad અ’વાદમાં બિલ્ડરોની દારૂ પાર્ટીમાં પોલીસની રેડ, એન્કાઉન્ટર કેસમાં ફસાયેલા એક ઉચ્ચ પોલીસ...

અ’વાદમાં બિલ્ડરોની દારૂ પાર્ટીમાં પોલીસની રેડ, એન્કાઉન્ટર કેસમાં ફસાયેલા એક ઉચ્ચ પોલીસ અધિકારીના છેડા અડાડી અંતે સેટિંગ

19
0

અમદાવાદ શહેરને અડીને આવેલા કલ્હાર ગ્રીન્સ એન્ડ બ્લ્યૂઝમાં પોતાના બંગલામાં પાર્શ્વનાથ કોર્પોરેશનના ઋષભ નવનીતલાલ પટેલે બિલ્ડરો સહિત ૧૫૦થી વધુ લોકોને ભેગા કરીને દારૂની પાર્ટી યોજી હતી. રવિવાર, ૨૮મી જૂને યોજાયેલી દારૂની પાર્ટીમાં ૭૦થી વધુ બિલ્ડરો સહિત તેમના મળતિયા સાથે કુલ ૧૫૦થી વધુ લોકો હાજર હતા તે વેળાએ સાણંદ પોલીસની ટીમે દરોડા પાડયા હતા અને બિલ્ડરોને દારૂની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપી લીધા હતા પછી બિલ્ડરોની દારૂની પાર્ટીની કહાની છુપાવવા માટે મોટી રકમનો તોડ કરીને ભીનું સંકેલી લીધું હતુ.
આ ઘટનાને એક અઠવાડિયાનો સમય વીતી ગયો છે જોકે, બિલ્ડર લોબીમાં બિલ્ડરોની દારૂની પાર્ટી અને તેમના થયેલા મોટી રકમના તોડની કહાની ચર્ચાનો હોટ ટોપિક બન્યો છે.
૨૮મી જૂને અમદાવાદ શહેરને અડીને આવેલા કલ્હાર ગ્રીન્સ એન્ડ બ્લ્યૂઝમાંના પોતાના બંગલામાં ઋષભ નવનીતલાલ પટેલે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતુ. આ પાર્ટીમાં ૧૦ કે ૨૦ નહીં પણ ૭૦ જેટલા બિલ્ડરો સહિત ૧૫૦થી વધુ લોકોને આંમત્રિત કરાયા હતા અને દારૂની રેલમછેલ જામી હતી.
જોકે, કરફ્યૂના સમયગાળામાં મોડી રાત સુધી ફાર્મ હાઉસની બહાર ૭૦થી પણ વધુ વૈભવી ગાડીઓનો જમાવડોએ આસપાસના લોકોમાં પણ ભારે શંકા પેદા કરી હતી તે વેળાએ આ ફાર્મ હાઉસ ઉપર સાણંદ પોલીસે દરોડા પાડયા હતા. દારૂ ઢીંચેલી હાલતમાં કેટલાય બિલ્ડરોને પકડી પાડયા હતા.
૧૫૦થી વધુ લોકોની દારૂની મહેફિલ પકડાઇ તો પ્રમાણિકતાથી તેમની સામે કેસ દાખલ કરીને જેલ ભેગા કરવાને બદલે ખેલ પાડયો હતો જેમાં સાણંદ પોલીસે મોડી રકમનો તોડ કર્યો હતો. આ ઘટનામાં ભીનું સંકેલી લેવાયું હતુ. એવું ચર્ચાય છે કે, ઋષભ નવનીતલાલ પટેલની દારૂની પાર્ટીમાં રીઅલ એસ્ટેટના વિવિધ સંગઠનો સાથે સંકળાયેલા કેટલાક હોદ્દેદાર કમ બિલ્ડરોની પણ હાજરી હતી.
એક તરફ પોલીસ સામાન્ય નાગરિકો પર દારૂબંધીની ચકાસણીના નામે દર શનિ-રવિ મહત્ત્વના રસ્તાઓ પર ધોંસ બોલાવે છે ત્યારે બીજી તરફ, એ જ ગૃહ વિભાગ બિલ્ડર લોબીના એક નબીરા સાથે બિન્દાસ્ત દારૂની પાર્ટી માણતા અને રંગે હાથ પકડાનારાને તોડ કરી ઊની આંચ પણ આવવા નથી દેતા તે બલિહારી વિષે  બિલ્ડર લોબી જ નહીં પણ પોલીસ બેડામાં ચર્ચા જામી હતી.
એન્કાઉનટર કેસમાં ફસાયેલા એક ઉચ્ચ પોલીસ અધિકારીના છેડા અડાડી મામલાનું સેટિંગ પાડયું
આ આખા વિવાદ અંગે વિશ્વસનીય સૂત્રોના કહેવા મુજબ, રાજ્યના ચકચારી એન્કાઉન્ટર કેસમાં સપડાઈ ચૂકેલા અને અત્યારે મધ્ય ગુજરાતમાં ઉચ્ચ પોલીસ અધિકારી સાથે અમદાવાદના એક અગ્રણી બિલ્ડર ઘરોબો ધરાવે છે અને તે ઋષભ પટેલના  પણ નજીકના મનાય છે. આ કનેક્શન્સનો લાભ લઈ એન્કાઉન્ટર કેસવાળા પોલીસ અધિકારીના જ ઘનિષ્ઠ મનાતા સાણંદના એક પોલીસ અધિકારીને સાથે રાખીને દારૂની પાર્ટીનો આખો મામલો લેતીદેતી સાથે સગેવગે કરી દેવાયો હતો.
૧૫૦થી વધુ લોકો દારૂ પી શકે તેટલો દારૂ આવ્યો ક્યાંથી ?  
બિલ્ડર પુત્રની દારૂની પાર્ટીમાં બિલ્ડરો સહિત ૧૫૦થી વધુ લોકો ભેગા થયા હતા. આટલા બધા બિલ્ડરોને દારૂ પીરસાયો હતો. આટલા મોટા જથ્થામાં દારૂ આવ્યો ક્યાંથી ? તે પણ મોટો સવાલ છે. ઉપરાંત દારૂ કેવી રીતે લવાયો ? પોલીસના દરોડામાં દારૂ પકડાયો તો તેને જપ્ત કેમ ન કરાયો ? દારૂ પીધેલા લોકોને પકડી જેલમાં કેમ ન ધકેલાયા ?
દારૂની મહેફિલ પકડાઈ, સ્થાનિકો ભેગા થયાં પણ લોકડાઉન ભંગના નામે ઉલ્લુ બનાવાયા 
એવું પણ ચર્ચાય છે કે, ૨૮મી જૂને કલ્હાર ગ્રીન્સના આ બંગલામાં ૭૦થી વધુ કારનો કાફલો જામ્યો હતો ત્યાં પોલીસે દરોડા પાડયા ત્યારે સ્થાનિક ગ્રામજનો ભેગા થઇ ગયા હતા પણ સાણંદ પોલીસે દારૂની મહેફિલની વાત છુપાવી હતી અને સ્થાનિક ગ્રામજનોને લોકડાઉન ભંગની રેડ કરી હોવાનું કહીને ઉલ્લુ બનાવવામાં આવ્યા હતા.
શેલા તરફ જતાં રોડના સીસીટીવી ચેક કરો તો પણ બિલ્ડરોની પાર્ટીના પુરાવા તરત મળી શકે  
૨૮મી જૂને યોજાયેલી બિલ્ડરો સહિત ૧૫૦થી વધુ લોકોની દારૂની પાર્ટીની પોલીસના દરોડા અને પછી મોટી રકમનો તોડ કરીને સેટિંગ પાડયાની કહાનીમાં જો તપાસ કરવામાં આવે તો આજેપણ આખી ઘટના પ્રકાશમાં આવી શકે તેમ છે. અમદાવાદના એસપી રિંગ રોડ થઇને ઋષભ પટેલના કલ્હાર ગ્રીન્સમાંના બંગલા તરફ જતાં તમામ રોડ કે મિલકતોના સીસીટીવી ચેક કરવામાં આવે તો ચોક્કસ સમયે આટલા બધા બિલ્ડરોની ગાડીઓની અવર-જવર પકડી શકાય તેમ છે. ઉપરાંત સ્થાનિક ગ્રામજનો પૈકી કેટલાંક આ ઘટનાને નજરે જોઇ છે પણ તેઓને લોકડાઉનનો ભંગ કર્યો હોવાનું કહીને મૂળ વાત છુપાવવામાં આવી રહી છે.


Previous articleUSના 11 ફાઈટર જેટ્સે બરાબરનો ઘેરો ઘાલ્યો, યુદ્ધાભ્યાસ કરતી ચીની નેવીના હાજા ગગડી ગયા
Next articleભરોસાનાં લાયક બિલકુલ નથી ચીન, 1962માં પણ પહેલા હટ્યું હતુ પાછળ અને પછી કર્યો હતો હુમલો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here