સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા પરના ગતિરોધનો અંત લાવવા રચેલી સમિતિનો બહિષ્કાર કરવાનું એલાન કરતાં ખેડૂત સંગઠનોએ મંગળવારે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સરકારના મળતિયાઓની જ સમિતિની રચના કરી છે. પત્રકાર પરિષદને સંબોધન કરતા બીકેયુના નેતા બલબીરસિંહ રાજેવાલે જણાવ્યું હતું કે, અમે ગઇકાલે જ સ્પષ્ટ કરી દીધું હતું કે, અમે કોઇ સમિતિ સમક્ષ જવાના નથી. અમારું આંદોલન જારી રહેશે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિમાં તમામ સભ્યો સરકાર તરફી છે અને કૃષિ કાયદાઓની તરફેણ કરતા આવ્યા છે. ક્રાંતિકારી કિસાન યુનિયનના નેતા દર્શન પાલે જણાવ્યું હતું કે, મધ્યસ્થતા માટે અમે સુપ્રીમ દ્વારા રચાયેલી કોઇ સમિતિ સ્વીકારવાના નથી તે અમે સ્પષ્ટ કરી ચૂક્યા છીએ. અમને ખાતરી હતી કે સરકાર પોતાના ખભા પરથી જવાબદારી ખંખેરી નાખવા સુપ્રીમ કોર્ટ દ્વારા સમિતિની રચના કરાવશે.
ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, સરકાર જનતા અને અદાલતથી ગંભીર બાબતો છુપાવી રહી છે. સરકાર અદાલતને ગેરમાર્ગે દોરી દેશમાં ખેડૂતો વિરુદ્ધ ભ્રમ ફેલાવી રહી છે. ખેડૂતો સુપ્રીમ કોર્ટ સાથે નહીં પરંતુ સરકાર સાથે મંત્રણા કરવા માગે છે. પંજાબના ખેડૂત સંગઠનોએ આરોપ મૂક્યો હતો કે અમે આ કમિટીનો સ્વીકાર કરતા નથી. સમિતિના તમામ સભ્યો સરકાર તરફી છે અને કૃષિ કાયદાઓને સમર્થન આપી ચૂક્યા છે.
સમિતિ નહીં તેના સભ્યો સામે વાંધો : ટિકૈત
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, દેશનો ખેડૂત સુપ્રીમ કોર્ટના નિર્ણયથી હતાશ થયો છે. સુપ્રીમ કોર્ટે એ જ અશોક ગુલાટીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી છે જેમણે આ કૃષિ કાયદાઓની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિના તમામ સભ્યો મુક્ત બજાર વ્યવસ્થા અને કાયદાના સમર્થક રહ્યા છે. જ્યાં સુધી ખેડૂતોની માગણીઓ સ્વીકારાશે નહીં ત્યાં સુધી આંદોલન જારી રહેશે. સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિમાં સરકારના જ માણસો છે. અમને સુપ્રીમ કોર્ટની સમિતિ સામે નહીં પરંતુ તેમાં સામેલ લોકો સામે વાંધો છે.