વડોદરાના માંજલપુરમાં ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ દ્વારા ફ્લેટ ભાડે રાખી માલિકની જાણ બહાર ત્રાહિત વ્યક્તિને આપી દેવાયો હતો. જે અંગે ફ્લેટના માલિક આઈ.બી.પટેલ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર સમક્ષ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 હેઠળ કેસ દાખલ કરવા અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નવા કાયદા હેઠળ વડોદરામાં આ પ્રથમ કેસ નોંધાશે.
માંજલપુર વિસ્તારમાં આવેલા ફ્લેટ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ પરમારે સ્થાપત્ય ડેવલપર્સ એન્ડ એસ્ટેટ કન્સલટન્ટના સુરેશભાઈ પાસેથી ભાડે લીધો હતો. જે ફ્લેટના મૂળ માલિક આઈ.બી. પટેલના પત્ની છે. 2018માં ફ્લેટ ભાડે રાખ્યો ત્યારે નિયમ અનુસાર 11 માસનો ભાડા કરાર પણ કરાયો હતો. જે પૂર્ણ થયા બાદ શૈલેન્દ્રસિંહ પરમાર દ્વારા બીજા 11 મહિના માટે ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો હતો. જે સમયે ભાડા કરાર કરવાનું કહેતા તેઓ ટાળતા હતા. જેથી ફ્લેટના માલિક આઈ.બી. પટેલ દ્વારા ફ્લેટનો કબજો લેવા તેમજ ભાડાની રકમ અને અન્ય ચૂકવેલા બિલોની રકમની માંગણી શરૂ કરી હતી. જે બાબતે આઈ.બી. પટેલ દ્વારા તા. 18મી જૂન અને 3જી સપ્ટેમ્બરના રોજ નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતાં શૈલેન્દ્રસિંહ પરમાર દ્વારા ફ્લેટનો કબજો પરત કરાયો ન હતો.
ગત તા.5મી ઓક્ટોબરના રોજ સ્થાપત્ય ડેવલપર્સ એન્ડ એસ્ટેટ કન્સલટન્ટના સુરેશભાઈ દ્વારા આઈ.બી. પટેલને ફોન કરીને જણાવ્યું હતું કે, શૈલેન્દ્રસિંહ પરમારે ફ્લેટ અન્ય કોઈ અન્યને આપી દીધો છે. જેથી હવે, કબજો ત્રાહીત વ્યક્તિ પાસેથી લેવાનો છે. જે બાબતે આઈ.બી. પટેલ દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનિયમ 2020 હેઠળ વડોદરા જિલ્લા કલેક્ટર સમક્ષ શૈલેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે.
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા આ કાયદા અનુસાર વડોદરામાં આ પ્રથમ ફરિયાદ અરજી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાબતે શૈલેન્દ્રસિંહ પરમાર દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતો હોય કાયદેસરની કાર્યવાહી કરી તો ખોટા કેસમાં ફસાવાની પણ ધમકી આપી હોવાનું આઈ.બી. પટેલે ફરિયાદમાં જણાવ્યું છે.