માહિતી બ્યુરો, મોરબી : મહિલા અને બાળ વિકાસ–વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસ “પોષણ માસ” તરીકે ઉજવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના, જિલ્લા પંચાયત – મોરબી દ્વારા કાર્યરત ૭૬૧ આંગણવાડી કેન્દ્ર પર સપ્ટેમ્બર ૨૦૨૦ “પોષણ માસ” તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં હાલ કોવિડ-19ના સંક્રમણને ધ્યાને રાખી લોકો એક જગ્યાએ ભેગા ન થાય તે રીતે આ ઉજવણી માટે વિવિધ નવતર પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે.
પૂર્ણા યોજના અન્વયે પૂર્ણા સખી તથા સહ સખી દ્વારા આંગણવાડી કેન્દ્ર પર નોંધાયેલ જોખમી સગર્ભા તથા અતિ કુપોષિત બાળકો માટે “પોષણ તોરણ’ બનાવવાની કામગીરી ગત તા.૧૪ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલ હતી. તે તોરણ ૧૬ સપ્ટેમ્બરના રોજ પૂર્ણા સખી, સહ સખી દ્વારા મોરબી જિલ્લાના તમામ જોખમી માતા તથા અતિ કુપોષિત બાળકોના ઘરે જઈને “પોષણ તોરણ” લગાવીને પોષણ સંદેશાઓ આપવામાં આવ્યો હતો.
પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ તોરણની કામગીરીમાં મોરબી શહેરની આંગણવાડી પર પૂર્ણા સખી, સહ સખી સાથે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તથા ડીસ્ટ્રીક્ટ પૂર્ણા કન્સલ્ટન્ટ દ્વારા જોખમી સગર્ભા તથા અતિ કુપોષિત બાળકની ઘરે મુલાકાત લઇ પોષણ તોરણ લગાવી પોષણ સંદેશાઓ આપવામાં આવ્યા હતા.