Home Kheda (Anand) આણંદ -જિલ્‍લા કક્ષાની સ્‍પોન્‍સરશીપ એન્‍ડ ફોસ્‍ટર કેર એપ્રુવલ કમિટિની બેઠક મળી

આણંદ -જિલ્‍લા કક્ષાની સ્‍પોન્‍સરશીપ એન્‍ડ ફોસ્‍ટર કેર એપ્રુવલ કમિટિની બેઠક મળી

41
0

પાલક માતા-પિતા યોજના હેઠળ જૂનાગઢ લીલી પરિક્રમા કરી પરત ફરતા ધોળકાના વારણા પાસે અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલ પરિવારના બાળકોને લાભ આપવામાં આવ્‍યો
બેઠકમાં જિલ્‍લાના નવા ૧૪ અનાથ બાળકોની પાલક માતા-પિતા યોજના હેઠળ સહાય મંજૂર કરાઇ

આણંદ – :: તાજેતરમાં જૂનાગઢથી લીલી પરિક્રમા કરી ખંભાતમાં સ્‍થાયી થઇ મજૂરી કરી ગુજરાન ચલાવી રહેલ ભીલ પરિવારના ચાર સભ્‍યોનું પરત ફરતા સમયે ધોળકા તાલુકાના વારણા ગામે થયેલ ગમખ્‍વાર અકસ્‍માતમાં અવસાન થવા પામ્‍યું હતું. આ પરિવારના ચાર સભ્‍યોના અવસાન થતાં આમ અચાનક આવી પડેલ મુશ્‍કેલીથી પરિવારના બે બાળકોએ તેમના માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.


ખંભાતના આ ભીલ પરિવારના બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવ્‍યા હોવાની આણંદ જિલ્‍લા બાળ સુરક્ષા એકમ કચેરીની ટીમને જાણકારી અને માહિતી મળતાં જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર. આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ ત્‍વરિત બાળકોના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પરિવારના સભ્‍યોને અનાથ બાળકોની પાલક માતા-પિતા યોજના વિશે જાણકારી અને સમજ આપીને બાળકોના યોજનાકીય ફોર્મ ભરાવી જરૂરી દસ્‍તાવેજી પુરાવા તૈયાર કરવામાં મદદરૂપ થઇને તમામ દસ્‍તાવેજો સાથેની અરજી મેળવી લેવામાં આવી હતી.


તાજેતરમાં જિલ્‍લા કક્ષાની સ્‍પોન્‍સરશીપ એન્‍ડ ફોસ્‍ટર કેર એપ્રુવલ કમિટિની બેઠક મળી હતી. આ બેઠકમાં આ બંને કેસ રજૂ કરવામાં આવ્‍યા હતા. આ બંને કેસોની બેઠકમાં સહાય મંજૂર કરવામાં આવી હતી. આમ આ સહાય મંજૂર થતાં આ બંને બાળકોને ૧૮ વર્ષ સુધી માસિક રૂા. ૩,૦૦૦/- લેખે ડાયરેકટ બેનીફીટ ટ્રાન્‍સફર મારફતે સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પ્રાપ્‍ત થતાં બાળકોને આગામી સમયમાં શિક્ષણ, આરોગ્‍ય તથા અન્‍ય પાયાની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવી શકાશે.

આ બેઠકમાં નવા કુલ-૧૪ અનાથ બાળકોની પાલક માતા-પિતા યોજના હેઠળ સહાય મંજૂર કરવામાં આવી હતી. આ પાલક માતા-પિતા યોજનામાં ૦ થી ૧૮ વર્ષના અનાથ બાળકો કે જેઓના માતા-પિતા અવસાન પામેલ છે અથવા જે બાળકોના પિતા અવસાન પામેલ છે અને માતાએ બાળકોને ત્‍યજી પુન:લગ્‍ન કરેલ હોય તેવા બાળકોને આવરી લેવામાં આવે છે. જયારે બાળકો ફરજિયાત અભ્‍યાસ કરતા હોવા જોઇએ તથા બાળકો તેમના નજીકના સગા-સંબંધી સાથે રહેતા હોવા જોઇએ. આ યોજનામાં માસિક રૂા. ૩,૦૦૦/- લેખે સહાય ડાયરેકટ બેનીફીટ ટ્રાન્‍સફર મારફતે સીધા લાભાર્થીના બેન્‍ક એકાઉન્‍ટમાં જમા કરાવવામાં આવે છે.

રાજય સરકારની આ પાલક માતા-પિતા યોજનાનો લાભ બાળકો વધુમાં વધુ મેળવે તે માટે સ્‍પોન્‍સરશીપ એન્‍ડ ફોસ્‍ટર કેર એપ્રુવલ કમિટિના ચેરમેન અને જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર. આર. દેસાઇએ અપીલ કરી છે. જયારે આ અંગે વધુ માહિતીની જરૂર હોય તો આણંદ અમૂલ ડેરી સામે, સરકીટ હાઉસની બાજુમાં, જૂની કલેકટર કચેરી ખાતેના ગ્રાઉન્‍ડ ફલોર પર આવેલ જિલ્‍લા બાળ સુરક્ષા એકમની કચેરીનો અથવા તો કચેરીના ફોન નંબર ૦૨૬૯૨-૨૫૦૯૧૦ પર સંપર્ક કરવા પણ આણંદના એસ.એફ.સી.એ.સી.ના સભ્‍ય સચિવ અને જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારીશ્રીએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here