તાપી જિલ્લામાં કોરોના રિપોર્ટને લઈ આરોગ્ય વિભાગની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સૌપ્રથમ વાત કરીએ તો વાલોડના બાજીપુરા ગામે કોરોના દર્દીના મૃતકને જાહેરમાં શ્રદ્ધાંજલિ અપાઈ હોય ત્યાર બાદ વ્યારાના જુના ધોડીયાવાડ ખાતે રહેણાક વિસ્તાર નજીક કોરોના દર્દીના મૃતદેહને દફનાવવાની વાતો હોઈ કે હાલ સોનગઢનાં ઉખલદા PHC કેન્દ્ર મારફત આરોગ્ય વિભાગે મોટી ખેરવણ ગામનાં 20 વર્ષીય યુવકનો કોઈપણ પ્રકારનો ટેસ્ટ કર્યા વિના કોરોના રિપોર્ટ પોઝિટિવ બતાવી દેતાં લોકોમાં કોરોના રિપોર્ટને લઈ તંત્રની બેદરકારી સામે અનેક શંકા-કુશંકાઓ ઉદભવી રહી છે.
સમગ્ર રાજયભરમાં કોરોનાની બીજી ઇનિંગે રફતાર પકડી છે અને કોરોના પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ વધવા લાગ્યો છે ત્યારે તાપી જિલ્લામાં કોરોનાને લઈ અજીબ કિસ્સો બહાર આવ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ દર્દીઓમાં કોરોનાની બીમારી છે કે નહીં તે જાણવા માટે કોરોના ટેસ્ટ અનિવાર્ય છે ત્યારે સોનગઢનાં મોટી ખેરવણ ગામનાં 20 વર્ષનાં યુવકની કોઈ પણ જાતની શારીરિક ચકાસણી વિનાનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ બતાવી દેવાયો છે.
કોઈ પણ જાતની આરોગ્ય ચકાસણી વિના જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવો. જે આરોગ્ય વિભાગની ગંભીર ભૂલ છતી કરે છે. આ ભૂલ ત્યારે બહાર આવી છે, જ્યારે આરોગ્યકર્મી અને પોલીસ કર્મચારી યુવકને લેવા માટે યુવકનાં ઘરે ગયા હતાં. જયાં યુવકનાં પિતા સહિત બહેને તેમજ ગ્રામજનોએ આરોગ્ય વિભાગ સામે આ પ્રકારની ગંભીર બેદરકારીને લઈ પગલાં લેવાની માંગ કરી છે.
આ બાબતે સોનગઢનાં બ્લોક હેલ્થ ઓફિસર ડૉ.દિપક ચૌધરીને પુછતાં PHC લેવલથી કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી દર્શાવતા પોર્ટલમાં મોટી ખેરવણનાં 20 વર્ષીય યુવકનું નામ ભૂલથી ચઢી ગયું હોવાનુ જણાવી તાલુકા લેવલે હું તપાસ માટે આવ્યો જ છું અને જિલ્લા લેવલે તપાસ દરમિયાન સાચી હકીકત બહાર આવશે તેમ જણાવ્યું હતું.