Home Kheda (Anand) ગુજરાતમાં જે કોઇ ખોટા ખેડૂતો બની બેઠા હોય તેઓ જાતે તેમાંથી નીકળી...

ગુજરાતમાં જે કોઇ ખોટા ખેડૂતો બની બેઠા હોય તેઓ જાતે તેમાંથી નીકળી જાય નહીં તો કાયદેસરની કાર્યવાહી કરી ફોજદારી કેસો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારતા મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી

112
0

રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરવા રાષ્ટ્ર અને ધર્મ પરસ્પર જોડાયેલા છે જેના થકી ચારિત્ર્ય નિર્માણથી સમાજનું નિર્માણ થાય છે – કેન્દ્રિય સંચાર રાજય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ
ધર્મ સંસ્કારોના સિંચનની સાથે સામાજિક શિસ્તનું ચિંતન કરે છે-પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ
સંસારમાં ધર્મ-સમાજ-પરિવાર-રાષ્ટ્ર અને આત્મ સુખ એમ પાંચ ભાગમાં વહેંચાયેલું છે જે સુખી અને દુ:ખી કરે છે – પદ્મ ભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ
ગોકુલધામ નાર ખાતે ૧૦૮ ફૂટના સ્તંભ પર રાષ્ટ્રધ્વજનું પ્રતિષ્ઠાપન અને સદ્દવિદ્યા સેવાયજ્ઞના ભાગરૂપે જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના બે લાખથી વધુ
વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

આણંદ – રવિવાર :: કેન્દ્રિય સંચાર રાજય મંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણએ ગોકુલધામ નાર ખાતે ગોકુલધામ નાર સંસ્થા દ્વારા હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમેનિટી વર્જિનિયા (યુ.એસ.એ.)ના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગોકુલધામના પ્રવેશદ્વાર પાસે ૧૦૮ ફૂટના સ્તંભ પર દંતાલી ભકિત નિકેતન આશ્રમના પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, એસજીવીપી ગુરૂકુલના પ.પૂ. શા. શ્રી માધવપ્રિયદાસજી મહારાજ, પુ. શ્રી મોહનપ્રસાદદાસજી સ્વામી, ડભોઇના પુરાણી
શ્રી કૃષ્ણપ્રિયદાસજી મહારાજ, સાધુ શુકદેવપ્રસાદદાસ, સાધુ હરિકેશવદાસ, સંતગણ, દાતાશ્રીઓ તથા રાષ્ટ્રધ્વજ પ્રતિષ્ઠાપનના યજમાન શ્રી રશ્મિભાઇ ભાઇલાલભાઇ પટેલ-સીમરડા (કેનેડા)ની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજનું પ્રતિષ્ઠાપન કર્યું હતું જયારે સદ્વવિદ્યા સેવાયજ્ઞના ભાગરૂપે આણંદ જિલ્લાના ૩૬૫ ગામની ૧૦૧૯ સરકારી પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રિય સંચાર રાજય મંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણે રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરવા રાષ્ટ્ર અને ધર્મ પરસ્પર જોડાયેલા છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આપણા સંતો અને શાસ્ત્રોએ પણ આપણને શીખવાડયું છે કે, ચારિત્ર્ય નિર્માણથી સમાજનું નિર્માણ અને ઘડતર થાય છે.
શ્રી ચૌહાણએ ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે એટલી જ નવીનત્તમ છે. આપણી સંસ્કૃતિ અન્યોને સન્માન આપવાનું કામ કરે છે. અનેક ધર્મ, સંપ્રદાય અને મતોને પણ ભારતીય સંસ્કૃતિએ જાળવી રાખ્યા છે તેમ જણાવી તેમણે વાણી, વર્તન, વ્યવહાર થકી રાષ્ટ્રને વિશ્વ ગુરૂ બનાવવાની દિશામાં આગળ વધવા કહ્યું હતું.
શ્રી ચૌહાણે આજે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે તેમણે સૌને રાષ્ટ્રને વિશ્વ ગુરૂ બનાવવા માટેના સંકલ્પ લઇને નૂતન ભારતની દિશામાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.
રાજયના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ધર્મ સંસ્થાઓમાં આવી રહેલ પરિવર્તનથી વિશ્વાસ વધ્યો છે ત્યારે દેશને આગળ વધતા કોઇ નહીં રોકી શકે તેમ જણાવી રાજસત્તાથી ઉપર ધર્મ સત્તા રહેલી હોવાનુ કહ્યું હતું.
મહેસૂલ મંત્રી શ્રી ત્રિવેદીએ રાષ્ટ્રધ્વજની તાકાત શું છે તે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુધ્ધના સમયે રાષ્ટ્રએ જોઇ હોવાનો ઉલ્લેખ કરી સરકાર સૌનો સાથ-વિકાસ-વિશ્વાસ અને પ્રયાસના મંત્રથી આગળ વધી રહી હોવાનું જણાવી સરકારે કુટુંબ પહેલું-સમાધાન શરૂ કરવામાં આવેલ યોજનાની વિગતો આપતાં કહ્યું હતું કે, આ યોજનામાં કોઇ પ્રશ્નો કે તકરારને કોઇ અવકાશ નથી અહીં માત્ર સમાધાન કરવામાં આવશે.
શ્રી ત્રિવેદીએ તાજેતરમાં ખેડા જિલ્લાના માતરમાં જેઓ બિન ખેડૂતો છે અને ખેડૂતો બની બેઠાં છે તેનો ઉલ્લેખ કરી ગુજરાતમાં જે કોઇ બિન ખેડૂતો હોય અને ખેડૂતો બની બેઠાં હોય તેવા તમામને જાતે નીકળી જવાની સાથે ગુજરાતના આવા બની બેઠલાં બિનખેડૂતો જો જાતે નીકળી નહીં જાય તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે ફોજદારી કેસો કરવામાં આવશે તેમ ચીમકી ઉચ્ચારી છે.
શ્રી ત્રિવેદીએ ધર્મ દયા કરતા શીખવે છે તેમ જણાવી શાસ્ત્ર અને શસ્ત્ર આગળ વધી રહ્યાં હોવાનું કહ્યું હતું. તેમણે મહેસૂલ વિભાગમાં કરવામાં આવી રહેલ પરિવર્તન સહિત ૨૪ પ્રકારના ઇનામી જમીનોના વિવિધ કાયદાનું નિરાકરણ લાવવાની સાથે આગામી સમયમાં નાગરિકોના હિતાર્થે હજુ આવનારા દિવસોમાં વધુ ૧૯ નિર્ણયો લેવામાં આવનાર હોવાની જાણકારી આપી આવનારા સમયમાં નાગરિકો માટે ફાયદાકારક બની રહેશે તેમ જણાવ્યું હતું.
વડતાલ સ્વામિનારાયણના પ.પૂ.ધ.ધૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીએ ધર્મ સંસ્કારોના સિંચનની સાથે સામાજિક શિસ્તનું ચિંતન કરે છે. કોઇપણ કાર્યમાં વિશ્વાસ સંપાદન કરવો જરૂરી છે. ધનનો સદ્દઉપયોગ વિશ્વાસ થકી થાય છે. જે અહીં થઇ રહ્યો છે અને જેના આધારે ગોકુલધામ નાર સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય સહિત વિવિધ સેવાઓથી ધમધમતું રહ્યું હોવાનું કહ્યું હતું.
આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીએ સર્વ જીવોના હિત માટે કાર્ય કરતા રહેવાની સાથે માન-પાન-સન્માન કે કીર્તિની આશા રાખ્યા વગર નાનામાં નાની વ્યકિત માટે કાર્ય કરતા રહેવાનું કહ્યું હતું. તેમણે સ્વ પ્રગતિને બદલે સર્વેની પ્રગતિનો આધાર બનાવવાની સાથે સહજ જીવનમાં સમાજનું ભલું કરવાની ભાવનાનો સમન્વય કરવા જણાવ્યું હતું.
નવસારીના સાંસદ અને ગુજરાત ભા.જ.પ.ના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલએ ધાર્મિક પ્રવૃત્તિ સાથે સામાજ સેવાની પ્રવૃત્તિ થઇ કરવામાં આવી રહી છે તેમાંથી સૌએ પ્રેણા લેવી જોઇએ. સંતો આપણને ધર્મનું જ્ઞાન આપતા હોય છે જેના કારણે આપણે ધર્મભેરૂ બનીએ. સંતોના ઉપદેશ થકી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય છે અને તેના કારણે મતભેદો દૂર થાય છે તેમ જણાવી તેમણે સમાજમાં વૃધ્ધાશ્રમની જરૂર ન પડે તેવા વાતાવરણનું નિર્માણ કરવા પર ભાર મૂકયો હતો.
શ્રી પાટીલે કોરોનાના કપર કાળમાં સરકાર સહિત ધાર્મિક સંસ્થાઓ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી સંતો દ્વારા રાષ્ટ્રધર્મ પ્રત્યેની ભાવનાને વધુ ઉજાગર અને બળવત્તર બનાવવાની કામ થશે તેવી આશા વ્યકત કરી ભારતીય સંસ્કૃતિએ જ્ઞાન થકી દુનિયાને નવી રાહ ચીંધવાનું કામ કરી બતાવ્યું છે.
પદ્મભૂષણ અને દંતાલી ભકિત નિકેતન આશ્રમના સ્વામી સચ્ચિદાનંદજી મહારાજશ્રીએ આ સંસારમાં પાંચ ભાગમાં સુખો વહેંચાયેલા છે જે સુખી અને દુ:ખી કરે છે. જે પાંચ સુખો છે તેાં ધર્મ-સમાજ-પરિવાર-રાષ્ટ્ર અને આત્મ એમ પાંચ સુખો હોવાનું જણાવી દરેક સુખોની જાણકારી આપી હતી.
સ્વામીશ્રી સચ્ચિદાનંદજીએ સમાજમાં પરિવર્તન લાવવાનું કામ સંતો કરી રહ્યા હોવાનું જણાવી જો કોઇપણ સમાજે સુખી થવું હશે તો તમામ સમાજે ખોટા કુરિવાજો અને વ્યસનોમાંથી બહાર આવશે તો જ સુખી થશે. જયારે પરિવારના સુખ માટે જીવનમાં નમ્રતા લાવવાની શીખ આપી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, બધા સુખોમાં મહત્વનું રાષ્ટ્ર સુખ સમાયેલું છે. હિંદુ સંસ્કૃતિ જેવો ધર્મ કોઇ જગ્યાએ જોવા નહિ મળે, છેલ્લા આઠ-દસ વર્ષથી રાષ્ટ્રમાં રાષ્ટ્રવાદ જાગ્યો છે જેના કારણે આજે સાધુ-સંતો યુવાનોમાં રાષ્ટ્રવાદ તરફ વળ્યા છે તેમ જણાવી તેમણે આત્મ સુખ માટે સારો સ્વભાવ જરૂરી હોવાનું જણાવી સ્વભાવ સુધારવા અને તેના પર નિયંત્રણ મેળવવા યુવાનોને શીખ આપી ગોકુલધામ નાર દ્વારા આવી રહેલ કામગીરીને બિરદાવી હતી.
ગુરૂકુલના શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીએ માનવતા, સદ્દગથુજો અને આધ્યાત્મિકતાનો બોધ અમર કર્યો છે અને શિક્ષાપત્રી ચમત્કારોથી ભરેલી હોઇ આજના જમાનામા શિક્ષાપત્રીની પ્રાસંગિકતા વધતી રહી હોવાનું જણાવ્યું હતું.
સ્વામીશ્રીએ ભારતની ઊર્જાને કોઇ રોકી શકે તેમ નથી. ભારત એ જ્ઞાન-પ્રકાશનો પૂજારી છે, દેશ જાગી ગયો છે ત્યારે આ દેશને વિશ્વગુરૂ બનતા કોઇ નહીં રોકી શકે તેમ જણાવ્યું હતું.
પ્રારંભમાં ગોકુલધામ નારના સાધુ શુકદેવપ્રસાદજી સ્વામીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી ગોકુલધામ નારા દ્વારા કોરોના કાળના કપરા સમયમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કરવામાં આવેલ કામગીરીની રૂપરેખા આપી રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ અને સન્માનને હૃદયમાં આત્મસાત કરી રાષ્ટ્રને વિશ્વગુરૂ બનાવવાના સંકલ્પમાં સહભાગી બનવાનું જણાવી દાતાઓ પ્રતિ આભારની લાગણી વ્યકત કરી દાતાઓને આશિષ પાઠવ્યા હતા.
આ પ્રસંગે વડતાલ સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી નૌતમપ્રકાશદાસજીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી મયુરભાઇ રાવલ, પ્રદેશ અગ્રણી સર્વ શ્રી અમીતભાઇ ઠાકર, રાજેશભાઇ પટેલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, પૂર્વ મંત્રી શ્રી સી. ડી. પટેલ, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, અગ્રણી સર્વ શ્રી પીનાકીનભાઇ બ્રહ્મભટ્ટ, નીરવ અમીન, મયુરભાઇ સુથાર, મહેશભાઇ પટેલ, વડતાલના ચેરમેન પૂ. શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી પૂ. શ્રી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી, રાષ્ટ્રધ્વજ પ્રતિષ્ઠાપનના યજમાન
શ્રી રશ્મિભાઇ ભાઇલાલભાઇ પટેલ, જિલ્લા-તાલુકાના સંગઠનના પદાધિકારીઓ, સંતગણ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here