Home South-Gujarat પોષણ માહની ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડનાં આંગણવાડી કેન્દ્રોમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

પોષણ માહની ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડનાં આંગણવાડી કેન્દ્રોમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

84
0

પોષણક્ષમ આહાર એ વ્યક્તિનાં વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પોષણક્ષમ આહારની અનિવાર્યતા કોઈપણ ઉંમરે જરૂરી હોય છે. બાળકનાં ગર્ભાધાનથી પોષણક્ષમ આહારનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિનાં સર્વાંગી વિકાસમાં કોઈપણ અડચણ આવતી નથી. જે સંદર્ભે દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘પોષણક્ષમ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. જેનાં પગલે ચાલુ વર્ષે પણ કુપોષણમાં ઘટાડો થાય તેમજ સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે.
ઓલપાડનાં નિહોળાનગર સ્થિત આંગણવાડી કેન્દ્ર-૫ માં કરંજ સેજાનાં સુપરવાઇઝર શ્રીમતી હીનાબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ પોષણક્ષમ આહારનાં મહત્ત્વ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કક્ષાએ નોંધાયેલ ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી અને ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને ન જતી કિશોરીઓમાં પોષણ અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતતા કેળવાય તે હેતુસર કિશોરી પોષણ રેલીનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓએ બેનર અને પોષણ સંબંધી પ્લેકાર્ડ સાથે સહર્ષ ભાગ લીધો હતો.



ગર્ભ રહ્યાનાં સમયથી લઈને બે વર્ષની ઉંમર સુધી બાળકને કુપોષણનાં ભયની શક્યતા રહે છે. લાંબા સમયનાં એકંદર વિકાસની દ્રષ્ટિએ આ સમયગાળો ખૂબજ મહત્ત્વનો હોય છે. અપેક્ષિત પ્રમાણથી ઓછું પોષણ જન્મ પહેલાથી શરૂ થાય છે તે સામાન્યપણે કિશોરાવસ્થા તથા ઉંમરલાયક અવસ્થામાં પણ ચાલુ રહે છે અને પેઢીઓ સુધી તે આગળ વધી શકે છે. જે બાબતને ઉજાગર કરવા અત્રેનાં આંગણવાડી કેન્દ્ર-૫ માં સગર્ભા બહેનો માટે પોષણયુક્ત વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સગર્ભા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સુપરવાઇઝર શ્રીમતી હીનાબેન પટેલે જણાવ્યું હતું કે બાળકોને પોષણયુક્ત ખોરાક આપવાની જવાબદારી માતાની હોય છે. માતા જ્યારે માતૃત્વ ધારણ કરે ત્યારે પોતે પણ પોષણયુક્ત ખોરાક લે તો એ ખોરાકનાં અંશો એના બાળકમાં જશે, પરિણામ સ્વરૂપે સ્વસ્થ બાળકને જન્મ આપી શકાશે. આ સ્વસ્થ બાળક ભવિષ્યમાં રાષ્ટ્રની પ્રગતિનો હિસ્સો બની શકશે.
પોષણ માહની ઉજવણીને સાર્થક બનાવવા અત્રેનાં આંગણવાડી વર્કર શ્રીમતી પાર્વતીબેન રાવળ સહિતની ટીમે ઘરે-ઘરે જઈને મહિલાઓને કુપોષણ એટલે શું ? તેમને અને બાળકોને પૂરતું પોષણ કેમ અનિવાર્ય છે ? કુપોષણનાં લક્ષણો કયા છે ? એ બાબતે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here