બોર્ડર પર સૈનિકોએ કહ્યું ચિંતા ના કરો જ્યારે રાખડી મળશે ત્યારે રક્ષાબંધનની ઉજવણી કરીશું
શહેરીજનોની રાખડી તા.૧૪ જુલાઈ સુધી બરોડા હાઈસ્કૂલમાં સ્વીકારવામાં આવશે
રક્ષાબંધનના પર્વ નિમિતે છેલ્લા પાંચ વર્ષથી બરોડા હાઈસ્કૂલ બગીખાનાના શિક્ષક તેમજ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કારગીલ અને સિયાચીન બોર્ડર પર તૈનાત સૈનિકો માટે રાખડી મોકલવામાં આવે છે. આ બંનેની સાથે આ વર્ષે ગલવાન સ્થિત ભારતીય સૈનિકોને પણ રાખડી મોકલાવામાં આવશે.
શિક્ષક સંજય બચ્છાવે કહ્યું કે આપણે તો રક્ષાબંધન ઘરે રહીને ઉજવીએ પણ બોર્ડર પર તૈનાત સૈનિકોનું શું? આ વિચારથી મેં અને મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ૨૦૧૫માં કારગીલ બોર્ડર પર ૭૫ રાખડી સૈનિકો માટે મોકલી હતી. ત્યારબાદ ૨૦૧૮માં સીયાચીન અને આ વર્ષે ગલવાનના જવાનો માટે રાખડી મોકલવાનું નક્કી કર્યું છે. કોરોનાનો કહેર ભલે હોય પણ અમે આ પરંપરા જાળવી રાખી છે.
દર વર્ષે અમારા સ્વયંસેવકો જેને રાખડી બોર્ડર પર મોકલવી હોય તેમના ઘરે લેવા જતા હતા પરંતુ આ વખતે શહેરીજનોએ બરોડા હાઈસ્કૂલ બગીખાનાએ તા.૮ થી ૧૪ જુલાઈ સુધીમાં સવારે ૭થી સાંજના ૬ દરમિયાન આપવાની રહેશે. રાખડીઓ તેમજ એ સાથેના પત્રોના કલેક્શન બાદ સેનિટાઈઝ કરી તેની પૂજા કરાશે. ત્યારબાદ પોસ્ટ મારફતે ત્રણ અલગ-અલગ બોક્સ સિયાચીન, ગલવાન અને કારગીલ મોકલાશે જ્યાંથી તેઓ વિવિધ ચેકપોસ્ટ પર મોકલી આપશે. કોરોનાની મહામારી અને ટ્રેનો બંધ હોવાથી રાખડી સમયસર પહોંચશે કે કેમ તેની અમને ચિંતા છે પણ બોર્ડર પરથી મને સૈનિકોનો સંદેશો આવ્યો છે કે ચિંતા ન કરો, જ્યારે તમારી રાખડી મળશે ત્યારે અમે રક્ષાબંધન ઉજવીશું. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધન ૩ ઓગસ્ટ સોમવારના રોજ છે.
ફ્લાઈટો બંધ હોવાથી દુબઈની બહેનો રાખડી નહીં મોકલાવી શકે
૨૪ કલાક સરહદ પર રક્ષાકવચની જેમ ઉભા રહેતા વીરની રક્ષા માટે ફક્ત દેશની જ નહીં પણ વિદેશમાં વસતી ભારતીય બહેનો પણ રાખડી મોકલે છે. ગત વર્ષે દુબઈમાંથી ૧૫૩ ભારતીયો સહિત લંડન, કેનેડા, ન્યુઝિલેન્ડ, ફિજી,તાન્ઝાનિયા જેવા દેશોમાંથી રાખડીઓ આવી હતી. આ વર્ષે પણ દુબઈમાં વસતા ભારતીયોયે રાખડી તૈયાર કરી રાખી છે પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ હોવાથી મોકલવી કેમ તે પ્રશ્ન ઉભો થયો છે.
પાંચ રાજ્ય અને વિદ્યાર્થીઓની રાખડી આ વર્ષે નહીં આવે
સંજય બચ્છાવે કહ્યું કે બોર્ડર પરના સૈનિકો માટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને દિલ્હીના ૨૫ શહેરોમાંથી તેમજ વડોદરા જિલ્લાની સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓએ બનાવેલી ૫થી ૬ હજાર રાખડીઓ મારી પાસે આવતી હતી. પરંતુ આ વર્ષે કોરોનાને લીધે તેઓ મોકલાવી શકશે નહીં.
વર્ષ રાખડીઓની સંખ્યા
૨૦૧૫ ૭૫
૨૦૧૬ ૨૨૦૦
૨૦૧૭ ૫૦૦૦
૨૦૧૮ ૧૦,૦૦૦
૨૦૧૯ ૧૪,૦૦૦