ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ના આદેશ મુજબ લાલ કિલ્લો 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે. જોકે આદેશમાં તેની પાછળના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ તેમાં 6 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીના જૂના ઓર્ડરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે હેઠળ બર્ડ ફ્લૂની ચેતવણીને કારણે 19 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી આઇકોનિક સ્મારક બંધ કરાયું હતું.
પ્રજાસત્તાક દિનની ઉજવણીને કારણે લાલ કિલ્લો 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી બંધ રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, તે 27 જાન્યુઆરીએ મુલાકાતીઓ માટે ખોલવો જોઈતો હતો, પરંતુ તે કરવામાં આવ્યું ન હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા સંકુલમાં હિંસા ફાટી નીકળ્યા બાદ, એએસઆઈએ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે દરવાજા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બુધવારે સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલે સ્થળની મુલાકાત લીધી હતી અને એએસઆઈ પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો હતો.
મંગળવારે આયોજીત ખેડુતોની ટ્રેક્ટર પરેડનો હેતુ કૃષિ કાયદાને પાછો ખેંચવાનો હતો અને પાક માટેના લઘુતમ ટેકાના ભાવની કાનૂની બાંયધરીની માંગ કરવામાં આવી હતી. રાજપથ ખાતે સમારોહ પૂરો થયા બાદ દિલ્હી પોલીસે પણ ખેડૂતોને નિર્ધારિત માર્ગ દ્વારા પરેડ લેવાની છૂટ આપી હતી, પરંતુ સમય પહેલાં હજારો ખેડૂતો વિવિધ સરહદો પરના અવરોધો તોડીને દિલ્હીમાં પ્રવેશ્યા હતા. તેઓ ઘણા સ્થળોએ પોલીસ સાથે અથડામણ થઈ હતી અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ગેસના ગોળા પણ ફેંકવામાં આવ્યા હતા.
ખેડુતોનું એક જૂથ પણ લાલ કિલ્લા પર પહોંચ્યું અને કિલ્લાના અગ્રભાગની ગુંબજ અને ધ્વજારોહણ સ્તંભ પર ધાર્મિક ધ્વજ લહેરાવ્યો હતો. આ સ્તંભ પર ફક્ત રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવવામાં આવે છે.