Home South-Gujarat ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં “બારે મેઘ ખાંગા”સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદીમાં રેલ...

ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં “બારે મેઘ ખાંગા”સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદીમાં રેલ આવતા નદી કાંઠાનાં ઘરોમાં પાણી ભરાયુ

57
0

જ્યારે ડાંગરનાં ખેતરોને પુર ઢસડી જતા ખેડૂતોને જંગી નુકસાન.

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી:-ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે અંબિકા નદીને સાંકળતા 10થી વધુ અને ખાપરી નદીને જોડતા પાંચથી વધુ નીચાણવાળા કોઝવે નદીનાં ઊંડા પાણીમાં ગરક થતા 25થી વધુ ગામડાઓનું જનજીવન પ્રભાવિત થયુ હતુ.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી મહેરે તાંડવ કરતા સર્વત્ર રેલમછેલનાં દ્રશ્યો રેલાયા છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સોમવારે સાંજનાં અરસાથી વરસાદી માહોલ જામતા નદી,નાળા, વહેળા,ઝરણાઓ ગાંડાતુર બની વહેતા થયા હતા.ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે અંબિકા,ગીરા,ખાપરી,પુર્ણા નદીઓ ગાંડીતૂર બની બન્ને કાંઠે વહેતી થઈ હતી.મંગળવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ, બોરખલ, આહવા,સાકરપાતળ, માંળુગા,વઘઇ,ભેંસકાતરી, ઝાવડા,બરડીપાડા,કાલીબેલ,સુબિર,પીપલાઈદેવી,સિંગાણા,ચીંચલી,સહિત સરહદીય અને પૂર્વપટ્ટીનાં પંથકોમાં સવારથી જ સમયાંતરે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે સતત બીજા દિવસે જાહેર માર્ગો સહીત અંતરીયાળ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં નીચાણવાળા કેચમેન્ટ વિસ્તારમાં મંગળવારે ધોધમાર વરસાદનાં પગલે પ્રથમ વખત અંબિકા નદીમાં રેલ આવી હતી.અંબિકા નદીમાં રેલ આવતા શામગહાન,ભૂરાપાણી સહિત નદી કાંઠાનાં ગામોમાં આદિવાસીઓનાં ઘરોમાં પાણી ભરાયા હતા.સાથે નદી કિનારે આવેલ ડાંગરનાં ક્યારડાઓને ગાંડોતૂર પુર ઘસડી જતા ખેડૂતોને જંગી નુકસાન થયુ હતુ.સાપુતારા પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે મોડી સાંજે ઘોડવહળ કોઝવે,સૂપદહાડ કોઝવે,આહેરડી કોઝવે,ચીખલદા કોઝવે,સુસરદા કોઝવે,ભૂરાપાણી કોઝવે,ચીરાપાડા કોઝવે,બોરીગાવઠા કોઝવે,માનમોડી કોઝવે અંબિકા નદીનાં ધસમસતા પ્રવાહમાં ગરક થઈ જતા 20થી વધુ ગામડાઓ વહીવટી મથકેથી સંપર્ક વિહોણા બની પ્રભાવિત બન્યા હતા.ડાંગ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે અંબિકા નદીને સાંકળતા 10થી વધુ કોઝવે અને ખાપરી નદીને જોડતા પાંચથી વધુ કોઝવે પાણીમાં ગરક થઈ જતા જનજીવન,અપડાઉન કરતો વિદ્યાર્થી વર્ગ,પશુપાલન ,ડેરી વ્યવસાય ખોરંભે ચડ્યો હતો.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર સોમવારે સાંજે 6 વાગ્યાથી મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 49 મિમી અર્થાત 2 ઈંચ, સુબિર પંથકમાં 43 મિમી અર્થાત 1.72 ઈંચ, આહવા પંથકમાં 88 મિમી અર્થાત 3.52 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 197 મિમી અર્થાત 7.88 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Previous articleઉમરપાડાની ગુલી ઉમરની પ્રાથમિક શાળામાં બાળપંચાયતની ચુંટણી યોજાય.
Next articleરોટરેકટ ક્લબ ઓફ સૂરત ઇસ્ટ દ્વારા આયોજિત પ્રોજેકટ આત્મસંતોષ- હમ સાથી હમ સફર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here