અમેરિકામાં નવા પ્રમુખ બાઈડેને સત્તા સંભાળ્યા પછી તરત જ કોરોનાનો કહેર ઓછો કરવા યુદ્ધનાં ધોરણે પગલાં લેવાનું શરૂ કર્યું છે. બાઈડેન સરકારે અમેરિકામાં વિદેશથી આવનાર લોકો માટે કોવિડ ટેસ્ટ અને ક્વોરન્ટાઈન ફરજિયાત કરાયાં છે. નવી સરકારે ૧૦૦ દિવસ સુધી લોકોને ફરજિયાત માસ્ક પહેરવા ફરમાન કર્યું છે. બાઈડેને કહ્યું હતું કે, કોરોનાને દેશમાંથી હટાવતા અને હરાવતા મહિનાઓ લાગશે પણ લોકો સાથે મળીને નિયમોનો અમલ કરશે તો અમેરિકા કોરોનાનાં સંકટમાંથી વહેલામાં વહેલી તકે બહાર આવી શકશે. વિદેશથી આવનારા લોકોએ જે તે દેશમાંથી વિમાનમાં બેસતા પહેલાં ટેસ્ટ કરાવવો પડશે અને અમેરિકા આવ્યા પછી ક્વોરન્ટાઈન રહેવું પડશે. બાઈડેન સરકારે ૧૦૦ દિવસમાં ૫૦ મિલિયન અમેરિકનોને ૧૦૦ મિલિયન વેક્સિન ડોઝ આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. બાઈડેને કહ્યું હતું કે અમેરિકામાં કોરોના વકર્યો છે અને મૃત્યુઆંક ૪ લાખ ૨૦,૦૦૦ને પાર ગયો છે જે આવતા મહિને ૫ લાખ થઈ શકે છે.
બીજા વિશ્વ યુદ્ધમાં USના ૪,૦૫,૩૯૯ સૈનિક હણાયા હતા
અમેરિકામાં કોરોનાથી મૃત્યુ થયેલા લોકોનો આંક બીજા વિશ્વ યુદ્ધનાં મૃતકોનાં આંકડા કરતા પણ વધી ગયો છે. બીજા વિશ્વ યુદ્ધ વખતે અમેરિકામાં ૪,૦૫,૩૯૯ લોકોનાં મોત થયા હતા જ્યારે કોરોનાને કારણે યુએસમાં ૪,૨૦,૨૮૫ લોકોનાં મોત થયા છે.
યુએસમાં પહેલો કેસ મળ્યાના એક વર્ષ પછી કુલ સંક્રમિતો ૨.૫૧ કરોડ, ૪.૨૦ લાખ મોત
અમેરિકામાં એક વર્ષ પહેલા ૨૦ જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. કોરોના વાઈરસથી આખા વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત થનાર દેશોમાં અમેરિકા પહેલા ક્રમે છે. છેલ્લા એક વર્ષમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૨,૫૧, ૯૬,૦૮૬ થઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક ૪,૨૦,૨૮૫ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧,૯૩,૭૫૮ કેસ નોંધાયા છે અને ૪૩૬૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. આખા વિશ્વમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા ૯ કરોડ ૮૧ લાખથી વધીને ૯,૮૧,૯૧,૯૪૮ થઈ છે. ૨૧,૦૨,૮૨૮ લોકોનાં મોત થયા છે. ૭,૦૫,૯૮,૬૭૧ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬,૬૫,૦૩૬ કેસ નોંધાયા છે.
Home International બાઈડેન સરકારે અમેરિકામાં વિદેશથી આવનાર લોકો માટે કોવિડ ટેસ્ટ અને ક્વોરન્ટાઈન ફરજિયાત...