ભારતના સુપ્રસિદ્ધ બાંસુરી વાદક પંડિત રોનુ મજુમદાર, ઉત્તર મુંબઇના સાંસદ ગોપાલ શેટ્ટીના હસ્તે જ્ઞાનજીવનદાસજી સ્વામી વતિ તેમના સંતોને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઇના ભાવિક ભક્તો તથા વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
સ્વામિનારાયણ ભગવાનના હજારો સ્વરૂપોના આ અનોખા સંગમનું આયોજન 18મી ડિસેમ્બર 2021ના રોજ ગુજરાતના કુંડળધામ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના વિકાસ અને ભગવાનની ઉપાસનાના પ્રસાર માટે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું નામ “કુંડળધામમાં સ્વામિનારાયણનું અક્ષરધામ” હતું, જેનું અવલોકન કરીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડે તેને વિશ્વવિક્રમ તરીકે નોંધ્યું છે.
પૂજ્ય સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજીની પ્રેરણાથી નિર્મિત ભગવાનની લાખો મૂર્તિઓ વિશ્વભરના ઘરોમાં બિરાજમાન છે. ભગવાનની આ સુંદર મૂર્તિઓને જોઈને લોકો એ મૂર્તિઓને હ્રદયમાં વસાવે જેથી દરેક વ્યક્તિનું મન મંદિર બની જાય, તેવો સ્વામીજીનો હેતુ છે. આ વિશ્વ વિક્રમ કાર્યક્રમ સાથે સ્વામિનારાયણ સંપ્રદાય, હિંદુ પરંપરા અને ભારતીય સંસ્કૃતિની સુવાસ સમગ્ર વિશ્વમાં પ્રસરી શકે તે માટે આ કાર્ય સિદ્ધ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુંબઈના પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો અને સંતોના આશીર્વાદ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજયો હતો. સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો લોકો સુધી પહોંચે તે માટે ધર્મ અને પર્યાવરણને સાંકળી લઇ આ અનોખો કાર્યક્રમ એ ગુરુજી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની ભાવના છે. આ એવોર્ડ સમર્પણ સમારોહનું આયોજન સ્વામિનારાયણ મંદિર મુંબઈ ખાતે થયું હતું.