Home Kheda (Anand) આણંદ કલેક્ટર કચેરી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨’ ની જિલ્લા કક્ષાની વર્ચ્યુઅલ માધ્યમ...

આણંદ કલેક્ટર કચેરી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨’ ની જિલ્લા કક્ષાની વર્ચ્યુઅલ માધ્યમ થકી ઉજવણી

124
0

મતદાન એ શક્તિશાળી અને અહિંસક સાધન છે જેનું મહત્વ સમજી લોકશાહી તંત્રને મજબૂત બનાવવા મતદાન થકી મત આપવાના અમુલ્ય અધિકારનો ઉપયોગ કરીએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી મનોજ દક્ષિણી


જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી મનોજ દક્ષિણી સહિત ઉપસ્થિત સર્વેએ “રાષ્ટ્રીય મતદાતા દિવસના” સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા


જિલ્‍લા કક્ષાએ મતદાર નોંધણી કાર્યક્રમ દરમિયાન શ્રેષ્‍ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્‍માનિત કરાયા

આણંદ – : લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયામાં દરેક મતદાન કરવાપાત્ર નાગરિકને સહભાગી બનાવવા, દરેક મતદાન કરવાપાત્ર નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી વખતે મતદાન કરીને પોતાનો સક્રિય અને અર્થપૂર્ણ ફાળો આપવા માટે પ્રેરિત કરવાના હેતુસર આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ અન્વયે ગુજરાતના ચૂંટણી કમિશનરશ્રી સંજ્ય પ્રસાદ, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અનુપમ આનંદ અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી આર.કે.પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમ થકી “રાષ્ટ્રીય મતદાતા દિવસના” યોજાયેલા કાર્યક્રમમાં આણંદ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મનોજ દક્ષિણી અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શીરીષ કુલકર્ણી સહિત જિલ્‍લા-તાલુકાના અધિકારીશ્રીઓ, સામાજિક-સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ, સીનિયર સીટીઝન, એન.એસ.એસ., એન.સી.સી.ના વિદ્યાર્થીઓ વગેરે સહભાગી થઇ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જોડાયા હતા.

ગાંધીનગર ખાતેથી યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમ બાદ આણંદ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાક ક્ષાના યોજાયેલા રાષ્ટ્રીય મતદાતા દિવસના કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી મનોજ દક્ષિણીએ જિલ્લા-તાલુકા અને ગ્રામ્યકક્ષાએથી યુ ટ્યુબના ઓનલાઇનના માધ્યમ થકી જોડાયેલા સર્વેને ભારત સરકાર દ્વારા મહત્તમ યુવા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયતાથી જોડવાના ઉદ્દેશથી દર વર્ષે તા.૨૫ મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમ જણાવ્‍યું હતું.

જિલ્લા કલેકટર શ્રી દક્ષિણીએ વિશ્વ સામે આવેલી કોરોના મહામારી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે ખૂબ જ અનિવાર્ય છે. કોરોના મહામારી દરમિયાન ભારતીય ચૂંટણી પંચ દ્વારા પારદર્શક, મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રીયાના આયોજન માટે તેમજ વધુ કાર્યક્ષમ રીતે બહોળી પ્રસિધ્ધિ દ્વારા મહત્તમ મતદારો સુધી પહોંચવા માટે આયોગ દ્વારા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પૂર્વે, ચૂંટણીના સમયે, ચૂંટણી બાદ તથા ચૂંટણી ન હોય તેવા સમયે ઉપયોગ માટે જુદી-જુદી ૨૦ જેટલી એપ્લીકેશન્સ બનવવામાં આવી છે. ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસે ચૂંટણી પંચ દ્વારા e-EPIC લોંન્ચિગ કરવામાં આવ્યું હતું જેના માધ્યમથી નવા નોંધાયેલા મતદારો ઘરે બેઠા પોતાનુ મતદાર ઓળખપત્ર પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી શકે છે તેમ જણાવ્‍યું હતું. તેમણે વધુમાં આ ૧૨મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ (“MAKING ELECTIONS INCLUSIVE, ACCESSIBLE AND PARTICIPATIVE”) થીમને અનુરૂપ રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા, તથા તાલુકા કક્ષાએ મતદારોને સશક્ત, સતર્ક અને માહિતગાર બનાવવા, યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા અર્થે સૌને આ ઉજવણીમાં સહભાગી થઇ ભારતીય ચૂંટણી પંચના હેતુને સાકાર કરવાની દિશામાં કટિબધ્ધ બનવા કહ્યું હતું.

લોકશાહી તંત્રમાં નાગરિકો પાસે મત એ શક્તિશાળી અને અહિંસક સાધન છે જેનું મહત્વ સમજી મજબૂત લોકશાહી માટે મત આપવાના અમૂલ્ય અધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરી જિલ્લાના તમામ નોંધાયેલ તથા ભાવિ મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી લોકશાહી તંત્રની આ કામગીરીમાં મદદરૂપ થનાર સર્વે કર્મયોગીઓ સહિત મીડિયાની કામગીરીને બિરદાવી હતી.

સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શિરીષ કુલકર્ણીએ પહેલાંના સમયમાં મતદાનના દિવસે નાગરિકો રજાનો દિવસ માની આનંદ કરતાં હતા જેના કારણે ભાગ્‍યેજ ૩૦ થી ૪૦ ટકા મતદાન થતું હતું. પરંતુ ચૂંટણી પંચની લોકશાહી તંત્રને મજબૂત કરવા માટે કરવામાં આવી રહેલ કામગીરીને કારણે આજે ૭૦ થી ૮૦ ટકા સુધી મતદાન થવા પામ્‍યું છે ત્‍યારે હજુ પણ નાગરિકોને મતદાનને પોતાનું કર્તવ્‍ય સમજી પોતાની જવાબદારીનું વહન કરી મતદાનને ૯૦ થી ૧૦૦ ટકા સુધી પહોંચાડવાની અપીલ કરી ચૂંટણી પંચની કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે મતદાર નોંધણી પ્રક્રિયા દરમિયાન જિલ્‍લા કક્ષાએ શ્રેષ્‍ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને જે તે તાલુકા મથકોએ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા જયારે જિલ્‍લા કક્ષાએ મતદાર યાદીમાં સૌ પ્રથમવાર નામ નોંધાવનાર ત્રણ યુવા મતદારોને કલેકટર શ્રી મનોજ દક્ષિણી સહિત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

જે કર્મયોગીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા તેમાં ઇપી-રેશિયો સારો હોવાના કારણે ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકાર શ્રી એલ. એ. પટેલ, જેન્‍ડર રેશિયો સારો હોવાના કારણોસર ૧૦૮-ખંભાત વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ મતદાર નોંધણી અધિકારી શ્રી એમ. આર. હિહોર, સ્‍વીપ કામગીરી તથા સૌથી વધુ ફોર્મ મેળવવાની સારી કામગીરી કરવા બદલ ૧૧૨-આણંદ વિધાનસભા મતદાર વિભાગના નાયબ મામલતદાર શ્રી એ. એમ. પરમાર, ૧૮ થી ૧૯ વર્ષના મતદારોના વધુ ફોર્મ મેળવવાની કામગીરી કરવા બદલ ૧૧૩-પેટલાદ વિધાનસભા મતદાર વિભાગના નાયબ મામલતદાર શ્રી જે. એસ. સોલંકી, વધુ ફોર્મ મેળવવા બદલ ૧૧૩-પેટલાદ વિધાનસભા મતદાર વિભાગના બી.એલ.ઓ.-સુપરવાઇઝર શ્રી ડી.ડી.પ્રજાપતિ તથા ૧૧૦-આંકલાવ વિધાનસભા મતદાર વિભાગના બી.એલ.ઓ.(ભાગ-૯૦) શ્રી છનાભાઇ કાળુભાઇ પરમાર તથા ૧૧૨-આણંદ વિધાનસભા મતદાર વિભાગમાં સ્‍વીપની કામગીરી બદલ બી.જે.વી.એમ. મહાવિદ્યાલય, વિદ્યાનગરની મતદાર સાક્ષરતા કલબનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

રાષ્‍ટ્રીય મતદાતા દિવસની કાર્યક્રમની ઉજવણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી મનોજ દક્ષિણી સહિત ઉપસ્થિત સર્વેએ દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુકત, ન્‍યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવવાના તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્‍ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઇશ્વરભાઇ આર. પરમાર, ચૂંટણી મામલતદારશ્રી એચ.એચ.પંજાબી, નાયબ મામલતદાર શ્રી પી. એ. પ્રજાપતિ, એન.સી.સી./એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ, સીનિયર સીટીઝનો, યુવા મતદારો ઉપસ્‍થિત રહ્યા હતા જયારે જિલ્‍લા-તાલુકા કક્ષાએ પણ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જિલ્‍લા–તાલુકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત સંબંધિતો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here