ચીન પોતાની ચાલબાજીઓને અંજામ આપવા માટે દરેક સંભવિત રણનીતિ અપનાવે છે જેના દ્વારા તે તેના છેતરપિંડીના પાયાને યથાવત રાખી શકે. એક નવા ઘટસ્ફોટથી બહાર આવ્યું છે કે ડ્રેગન ભારતમાં 10,000થી વધુ હસ્તીઓ અને સંગઠનો પર નજર રાખી રહ્યું છે. ચીનના શેનજેન સ્થિત આવેલી એક ટેક્નોલોજી કંપની ચીનની આ નાપાક હરકતને અંજામ આપી રહ્યું છે.
PM મોદીથી લઇ CM સુધી બધા પર ચીનનો ડોળો!
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ જેનહુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીનો ચીની સરકાર અને ત્યાંની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે ગાઢ સંબંધ છે. ચીન તેને હાઇબ્રિડ વોરફેરનું નામ આપતું રહ્યું છે. ચીની કંપની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી અને તેમના પરિવાર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને પંજાબના સીએમ અમરિંદર સિંહ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઓરિસ્સાના સીએમ નવીન પટનાયક , મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ જેવા લોકો પર નજર રાખી રહ્યું છે. એટલું જ નહીં, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, રવિશંકર પ્રસાદ, નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની અને પિયુષ ગોયલ પર પણ આ ચીની કંપની બાજ નજર રાખી રહ્યું છે. CDS બિપિન રાવત અને સેના, નૌસેના અને વાયુસેનાના કમ સે કમ 15 પૂર્વ પ્રમુખો પર આ કંપની નજર રાખે છે. આ સિવાય ચીની કંપની ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શરદ બોબડે અને જસ્ટિસ એ.એમ.ખાનવિલકરથી લઇ લોકપાલ જસ્ટિસ પી.સી.ઘોષ અને કેગ જીસી મુર્મૂ પર આ ચીની કંપની નજર રાખે છે. કેટલાંય ટોચના ઉદ્યોગપતિઓ જેવાકે ભારત પે ના ફાઉન્ડર નિપુન મેહરા, AuthBridgeના અજય ત્રેહનથી લઇ ટોપ ઉદ્યોગપતિ રતન ટાટા અને ગૌતમ અદાણી સુધી છે.
બ્યુરોક્રેટસથી લઇ વૈજ્ઞાનિકો પર નજર
ચીનની ચાલબાજી માત્ર અહીંથી અટકતી નથી પરંતુ તે રાજકારણીઓ સિવાય દરેક ક્ષેત્રના લોકો પર નજર રખાવી રહ્યા છે. તેમાં ઉચ્ચ પદો પર બેઠેલા અમલદારશાહીઓ, ન્યાયાધીશો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, પત્રકારો, કલાકારો અને રમતગમતની સાથે જોડાયેલી હસ્તીઓ સામેલ છે. આ સિવાય ડ્રેગનની નજર ધાર્મિક નેતાઓ અને કાર્યકરો પર પણ છે. એટલું જ નહીં ભ્રષ્ટાચાર, ક્રાઇમ, આતંકવાદ અને દાણચોરી જેવા મોટા આક્ષેપો કરનારા લોકો પર પણ ચીન નજર રાખી રહ્યું છે.
જેનહુઆ કંપનીએ કર્યો મોટો દાવો
આપને જણાવી દઈએ કે અત્યારે ભારત અને ચીન વચ્ચે LAC પર તણાવ ટોચ પર છે. બંને પક્ષોની સેનાઓ સામ-સામે છે. ભારતે અનેક વ્યૂહાત્મક સ્થળોએ તેની લીડ મજબૂત કરી છે. બીજી બાજુ જેનહુઆ કંપનીએ દાવો કર્યો છે કે તે ચીનની ગુપ્તચર એજન્સી, સેના અને સુરક્ષા એજન્સીઓ માટે કામ કરે છે. આ કંપનીએ એડવાન્સ ભાષા અને વર્ગીકરણ દ્વારા હજારો લોકો માટે ડેટા બનાવ્યો છે. કંપની તેને ઓવરસીઝ ઇન્ફોર્મેશન ડેટાબેસ (OKIDB) બતાવે છે.
ભારત સિવાય આ દેશોના પણ નામ
કંપનીના ડેટાબેઝમાં અમેરિકા, બ્રિટન, જાપાન, ઑસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશો વિશેની માહિતી સામેલ છે. ચીને તેનું નામ હાઇબ્રિડ વોરફેર રાખ્યું છે. આ માધ્યમથી તે પોતાના વિરોધીઓ પર આક્રમક થઇ તેમને નુકસાન પહોંચાડવાની કોશિષોને અંજામ આપી શકે છે. કંપનીના શબ્દોમાં કહીએ તો આ વોરફેરમાં ‘ઇન્ફોર્મેશન પલૂશન’ પર્સેપ્શન મેનેજમેન્ટ અને પ્રોપગેન્ડા સામેલ હોય છે.
ચીની કંપની રાજકારણીઓના સબંધીઓ પર પણ રાખે છે નજર
OKIDB દ્વારા આ કંપની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્ની સવિતા કોવિંદ, ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌર અને તેમની દીકરીઓ, ઉપિંદર, દમન અને અમૃત, સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી, પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા, સ્મૃતિ ઈરાનીના પતિ ઝુબીન ઈરાની, કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરના પતિ સુખબીર સિંહ બાદલ, ભાઇ બિક્રમ સિંહ મજીઠિયા અને પિતા સત્યજીત સિંહ મજીઠિયા, યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવના પિતા મુલાયમસિંહ યાદવ, પત્ની ડિમ્પલ, સસરા આરસી રાવત, કાકા શિવપાલ સિંહ અને રામ ગોપાલ પર પણ દેખરેખ રાખે છે.
દેશના પૂર્વ મુખ્યમંત્રીઓ પર પણ રાખે છે નજર!
કંપની દેશના અનેક રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓ પર પણ દેખરેખ રાખે છે. તેમાં છત્તીસગઢના પૂર્વ સીએમ રમણ સિંહ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અશોક ચૌહાણ, સિદ્ધારમૈયા, આરજેડી ચીફ લાલુ યાદવ ઉપરાંત 250 ભારતીય બ્યુરોક્રેટસ, ડિપ્લોમેટસ જેમાં વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલા, નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત સિવાય 23 ભૂતપૂર્વ અને હાલના મુખ્ય સેક્રેટરી પર પણ મોનિટરિંગ કરી રહ્યા છે.
સચિનથી લઇ શ્યામ બેનેગલ પર નજર
ચાઇનીઝ કંપની રમતગમતથી લઈને કલા જગતના લોકો પર નજર રાખે છે. તેમાં સચિન તેંડુલકર, ફિલ્મ ડાયરેકટર શ્યામ બેનેગલ, સોનલ માનસિંહ, અકાલ તખ્તના જત્થેદાર ગુરબચન સિંહ, અનેક ચર્ચોના આર્કબિશપ, રાધે માં, બીબી જાગીર કૌર જેવા ધાર્મિક લોકો પર પણ નજર રાખે છે.