Home Gujarat CM વિજય રૂપાણીએ પોતાના ચૂંટણી અધિકારી રહી ચૂકેલા GAS કેડરના ડેપ્યુટી...

CM વિજય રૂપાણીએ પોતાના ચૂંટણી અધિકારી રહી ચૂકેલા GAS કેડરના ડેપ્યુટી કલેક્ટર સામે ACB તપાસને મંજૂરી

51
0

ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા ચોટીલા- બામણબોર રૂ.૩૦૦ કરોડના જમીન કૌભાંડમાં CM વિજય રૂપાણીએ પોતાના ચૂંટણી અધિકારી રહી ચૂકેલા GAS કેડરના ડેપ્યુટી કલેક્ટર પ્રજ્ઞોશ જાની સામે ACB તપાસને મંજૂરી આપ્યા પછી, રાજકોટ ACBમાંથી Dy.SP હિમાંશુ દોશીને બદલી કર્યાના બે મહિના પછી પણ તપાસ આગળ વધી નથી. ઉલ્ટાનું રાજકોટમાં નવા ઓફિસરને તપાસ સોંપ્યા પછી પણ ઈન્વક્વાયરી પોલીસ કરે કે ACB ? એવું સરકારમાં માર્ગદર્શન માંગીને ટાઈમપાસ થઈ રહ્યો છે. સચિવાલયમાં થતી ચર્ચા મુજબ આ કાંડનો રેલો પોતાના પગ હેઠળ ન આવે એટલા માટે કેટલાક IAS- GAS કેડરના ઓફિસરો સહકાર આપી રહ્યા નથી. કહેવાય છે કે, સ્ટેટ ACB ચીફ કેશવકુમાર ફેબ્રુઆરીના અંતે રિટાયર્ડ થશે એટલે છેક દિલ્હી સુધી ગાજેલા આ આખાય કૌભાંડનું ફીંડલું વાળી દેવાશે !
કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ૫૦ ટકાથી વધુ કોર્પોરેટરોને ફરીથી ટિકિટ નહીં મળે
આગામી ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાનું નક્કી મનાય છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ ભાજપન હાલના કોર્પોરેટરો પૈકીમાંથી ૫૦ ટકાથી વધુ કોર્પોરેટરોને ટિકિટ મળે એવી શક્યતા નથી, કારણ કે અમદાવાદ સહિતના શહેરોમાં મોટાભાગના કોર્પોરેટરોની નબળી કામગીરીથી હાઈકમાન્ડ જરા પણ ખુશ નથી. કેટલાક સામે લોકોના કામો નહી કરવાના આક્ષેપો છે, તો ઘણા કોર્પોરેટરો માત્ર વહીવટ જ કરતા હોવાનું ભાજપના મોટા નેતાઓના ધ્યાન પર આવ્યું છે. ઉપરાંત અમદાવાદના મેયર સહિતના કેટલાક હોદેદારોએ ભાજપની ઈજ્જત જાય એ પ્રકારનો વાણી વિલાસ જાહેરમાં કર્યો હતો. ભાજપની નેતાગીરી આવા તમામ કોર્પોરેટરોને રિપીટ કરવાના મૂડમાં નથી. આ હકીકત જાણી ગયેલા આવા કોર્પોરેટરોએ ચૂંટણીની જાહેરાત પહેલા જ ટિકિટ માટેનું લોબિંગ શરૂ કરી દીધું છે અને પોતાના ગોડફાધરોના પગ પકડવા અને મોટા નેતાઓની ચાંપલૂસીકરવા આવા કોર્પોરેટરોમાં હોડ લાગી છે.
સેફ સિટીના પ્રોજેક્ટનું ટેન્ડર ભરાવવા IASના ઈશારે કંપનીઓ સમક્ષ PWCની આજીજી
કેન્દ્ર સરકારના નિર્ભયા ફંડમાંથી ગુજરાત સરકારે પણ અમદાવાદ સેફ સિટિના ટેન્ડર બહાર પાડયું છે. લગભગ ૧૫૦ કરોડની કીંમતનું આ ટેન્ડર ત્ર્ણ ત્રણ વખત બહાર પડયા છતા બાબુઓ કોઈ નિર્ણય કરી શકતા નથી. જેથી હવે કદાચ પ્રથમ વખત એવું બન્યંુ છે કે કોઈ જ કંપનીને આ ટેન્ડર ભરવામાં રસ રહ્યો નથી. જેની પાછળનુ કારણ એવુ છે કે એક વર્ષથી હેરાનગતિ થવાથી હવે કંપનીઓને ડર છે કે આપણે ટેન્ડર ભરીશું પરંતુ ખરેખર ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થશે ખરી? એટલુ જ નહીં,. ટેન્ડર ભર્યા પછી શું ગેરંટી કે ટેન્ડરના નાણા સમયસર મળી જશે.? સ્થિતિને અંકુશમા લેવા અને આબરૂ બચાવવા માટે બાબુઓના ઈશારે ટેન્ડર બનાવનારી કન્સલ્ટન્ટ કંપની PWCએ રાષ્ટ્રીય કંપનીઓને ફોન કરીને ટેન્ડર ભરવા માટે સમજાવી રહ્યાં હોવાની વ્યપાક ચર્ચા સચિવાલયમાં થઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે અન્ય રાજ્યોમાં તમામ ટેન્ડરોની પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ રહી છે. પરંતુ ગુજરામાં બાબુઓની ઢીલી નીતિ અને અણઆવડતને કારણે પ્રોજેક્ટ શરૂ જ નથી થયો. ટેન્ડર ભરાઈ જાય તેમજ તે મુજબની કામગીરી પૂર્ણ થાય તેની જવાબદારી કન્સલ્ટન્ટની જ બને છે. પરંતુ પરંતુ સચિવાલયમાં થતી ચર્ચા મુજબ બાબુઓની સાથોસાથે કન્સલ્ટન્સી કંપની PWC પણ સરિયામ નિષ્ફળ ગઈ હોઈ તેવી સ્થિતિ દેખાઈ રહી છે.
રાજકીય નેતાઓ –IAS અધિકારીઓ કોરોનાની રસી લેવાની જાહેરાત કરશે?
કોરોનાની રસી આપવા માટેનુ પ્લાનિંગ ચાલી રહ્યું છે. વેક્સિનેશન માટેના સર્વે, તાલીમ, સ્ટોરેજ સહિતની તમામ કામગીરી પૂર્ણ થઈ છે. સરકારી તંત્ર દ્વારા જાહેરાત કરાઈ છે કે રસી લેવા ઈચ્છતા લોકોની નોંધણીનુ કામ પૂરુ થઈ ગયુ છે. બીજી બાજુ અમેરિકામાં નવ નિયુક્ત પ્રમુખ, લંડન તથા કેનેડામાં વડાપ્રધાને કોરોનાની રસી લઈને વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો. પરંતુ ભારતમા રાજકીય નેતાઓ તેમજ IAS-IPS અધિકારીઓએ કોરોનાની રસી લેવાની તૈયારી દર્શાવી નથી.જેથી લોકોએ સોશિયલ મીડિયા પર આ સંદર્ભમાં ટીકા કરવાનું શરૂ કર્યુ છે. તેઓ પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે કે આપણા સત્તાધીશો અને વહીવટકર્તાઓને કોરોનાની રસીમાં વિશ્વાસ નથી કે શું? શા માટે તેઓ કોરોનાની રસી લેવાનું પસંદ નથી કરતા? તેઓને રસીની અસરકારકતા સામે તેમને શંકા છે? .વાસ્તવમાં તેઓએ જ સૌ પ્રથમ કોરોનાની રસી લઈને લોકોમાં વિશ્વાસ જગાવવો જોઈએ એવો મત પણ લોકો વ્યક્ત કરી રહ્યાં છે.
તાજેતરમાં થયેલી એક IPSની બદલી પાછળ પણ કોન્સ્ટેબલનો ૫૦ લાખનો લાંચકાંડ જવાબદાર?
તાજેતરમાં જ ગુજરાતના એક આઈપીએસ અધિકારીની બદલી થઈ હતી. જેને લઈને ચર્ચા શરૂ થઈ છે કે પોલીસ કોન્સ્ટેબલની ૫૦ લાખની લાંચકાંડમાં આડકતરી રીતે તેમની સંડોવણી હોવાથી તેમની હકાલપટ્ટી કરી દેવાઈ છે. ઘોડાસરમાં રહેલો બ્રહ્મભટ્ટ નામનો માણસ પોતાની ઓળખ આ અધિકારીના પરિવારના દૂરના સગા તરીકે આપી રહ્યો છે. આ શખ્સ જ સબસિડીવાળા યુરિયાકાંડનો મુખ્ય સૂત્રધાર છે. આ શખ્સની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે સૌ પ્રથમ તે સહકારી મંડળીઓમાંથી સેટિંગ કરીને સબસીડીવાળા યુરિયાની ખરીદી કરી લેતો હતો.ત્યાર બાદ આ યુરિયાની થેલીઓને બદલી દેતો હતો. ૭ રૂપિયાના ભાવથી ખરીદેલા આ યુરિયાને કેમિકલની ફેક્ટરીઓને ૧૪ રૂપિયાના ભાવથી વેચી મારતો હતો. ફેક્ટરીના માલિકો જો બજારમાંથી આ યુરિયા ખરીદવા જાય તો તેમને ૨૪ રૂપિયાના ભાવથી પડે છે. ત્યાર બાદ પેમેન્ટ વખતે જ ઘોડાસરનો બ્રહ્મભટ્ટ પોતાની ડબલ ગેમ રમતો હતો. તે આ આઈપીએસ અધિકારી દ્વારા ડીજીપીને મેસેજ મોકલાવીને આર આર સેલના દરોડા પડાવતો હોવાની ચર્ચા છે. તેમજ તોડ કરાવતો હતો. આવા તોડમાંથી પણ તે ચોક્કસ રકમ ખંખેરતો હતો.
ભાજપ સંગઠનમાં નિમણૂકો બાદ હવે ગમે ત્યારે બોર્ડ નિગમોની જાહેરાત થઈ શકે
અગાઉ એવી ધારણા હતી કે હવે ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જ ભાજપના સંગઠનમા નિમણૂકો કરાશે. ચૂંટણી પહેલા કોઈ જ મહત્વના ફેરફારો થશે નહી. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખે સંગઠનના મહત્ત્વના માળખાની જાહેરાત કરી દીધી. જેને લઈને હવે સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે બોર્ડ નિગમોમા પણ હવે ગમે ત્યારે નિમણૂકો થઈ શકે છે. સરકારીની ગણતરી છે કે છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં આંતરિક કલેહ અને જૂથબંધીમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાર્યા પરિણામ મેળવવા માટે સ્થિતિ સુધારવી જરૂરી છે. જો બોર્ડ નિગમોમાં આગેવાનો અને કાર્યકરોની નિમણૂંકો કરી દેવામાં આવે તો થોડો ઘણો અસંતોષ દૂર થવાની શક્યતાઓ છે. આવુ વિચારીને ભાજપના નેતાઓએ દિલ્હી હાઈકમાન્ડ સાથે આ સંદર્ભમાં ચર્ચા વિચારણા પણ શરૂ કરી દીધી છે. જેને લઈને અટકળો શરૂ થઈ છે કે ભાજપના સંગઠનની જેમ હવે સ્થાનિક ચૂંટણીઓ પહેલા જ બોર્ડ નિગમોમાં નિમણૂકો થઈ જાય તો કોઈને નવાઈ નહીં લાગે.
બર્ડ ફ્લૂની શક્યતા વચ્ચે બાબુઓએ એકબીજા પર જવાબદારી ઢોળવાનું શરૂ કર્યું
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ખતરનાક બર્ડ ફ્લૂની આશંકાઓ સેવાઈ રહી છે. આવી સ્થિતિમાં પણ IAS અધિકારીઓ ગંભીર બનતા નથી. તેઓ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યાં છે. પશુપાલન ખાતું, આરોગ્ય ખાતું તેમજ વન ખાતું બર્ડ ફ્લૂ સંબંધિત સ્થિતિ માટે પગલા લેતુ હોય છે.પરંતુ ખાટલે મોટી ખોટ કહેવતની જેમ બાબુઓને કામ કરવામાં કે જવાબદારી લેવામાં કોઈ રસ જ નથી. ક્યાં જિલ્લામાં કેટલા પક્ષીના મોત થયા, કોઈ પક્ષીમાં બર્ડ ફ્લૂ છે કે નહીં, રાજ્યમાં આવેલા અભ્યારણો તેમજ પશુઓની ખાનગી હોસ્પિટલો ચાલુ રહેશે કે નહીં તેમજ એનજીઓ દ્રારા ચલાવાતા પશુઓના સારવાર કેન્દ્રોનુ શું કરવું, કોને કઈ જવાબદારી સોંપવી, રોગચાળો આવે નહી તે માટે વિવિધ વિભાગોનું સંકલન કઈ રીતે કરવુ તેની કોઈ જ દરકાર એક પણ બાબુએ લીધી નથી. એવી ચર્ચા છે કે માણાવદરમાં બર્ડ ફ્લુના બે કેસ કન્ફર્મ થયા બાદ એક તબક્કે રાજ્યના અભીયારણોને તાત્કાલીક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ બાદમાં ધ્યાનમાં આવ્યું કે આવું કરવાથી લોકોમાં ગભરાટ ફેલાશે. આથી અભિયારણોને બંધ કરવાનો નિર્ણય મુલત્વી રખાયો હતો. આ સંદર્ભમાં બાબુઓના અભિપ્રાયો પણ જુદા જુદા આવી રહ્યાં છે.
ગુજરાત ભાજપમાં દલસાણિયા અને સુરેન્દ્ર પટેલને ‘માર્જિનલાઈઝ’ કરાયા
ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનમાં નવા હોદ્દેદારોની વરણી કરી તેમાં પક્ષને સમાંતર પોતાનું નેટવર્ક ઊભંુ કરનારા સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા અને પક્ષનો આર્થિક કારભાર સંભાળતા કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલને માર્જિનલાઈઝ એટલ કે હાંસિયામાં ધકેલવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. અગાઉ પ્રદેશમાં ઉપપ્રમુખ રહેલા વડોદરાના ભાર્ગવ ભટ્ટને મહામંત્રી બનાવાયા છે. પહેલી નજરે તેમને નીચલી પાયરીએ ઉતાર્યાનું ચિત્ર ઉપસ્યંુ છે પરંતુ, ઇજીજી સાથે જોડાયેલા ભટ્ટને દલસાણિયાના વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યાનું કહેવાય છે. દલસાણિયાને ગુજરાત બહારના રાજ્યોમાં પણ જવાબદારી સોંપાઈ છે. જો કે, તેમને બહાર જવું નથી ! આર્થિક કમાન્ડ માટે એક જ કોષાધ્યક્ષના પદની સાથે પહેલીવાર સહ કોષાધ્યક્ષની જગ્યા ઊભી કરી ડાના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર શાહને બેસાડી દેવાયા છે. આ કસરત પણ આસ્તે આસ્તે સુરેન્દ્ર પટેલના એકાધિકારને તોડવા માટેની હોવાનું ચર્ચાય છે.


Previous articleકેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે જણાવ્યું કે, ૩૫૮૭ ટન બાયોમેડિકલ વેસ્ટનું સર્જન કરીને ભારત મોખરે છે.
Next articleસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને ગ્રાહકોને સુરક્ષા ટીપ્સ આપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here