Home Gujarat સિમ્સ હોસ્પિટલ દ્વારા ખાનગી ક્વોટાના બેડના દર્દીઓ પાસે વધુ રૂપિયા વસુલવામાં આવતાં...

સિમ્સ હોસ્પિટલ દ્વારા ખાનગી ક્વોટાના બેડના દર્દીઓ પાસે વધુ રૂપિયા વસુલવામાં આવતાં હોવાની ફરિયાદ.

31
0

AMCની કોવિડ-૧૯ના દર્દીઓની સારવારની ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ કરીને સિમ્સ હોસ્પિટલે દર્દીઓ પાસે વધુ પૈસા વસૂલ કર્યાની ફરિયાદો સામે આવી છે. એક-બે નહીં પણ ચાર-ચાર કિસ્સામાં ખાનગી ક્વોટાના બેડ ઉપર સારવાર લેતા દર્દીઓ પાસે વધુ રૂપિયા પડાવ્યાની લેખિત ફરિયાદો થઇ છે છતાં AMCએ માત્ર એક કિસ્સામાં દંડ કરીને હાથ ઊંચા કરી દીધાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. સિમ્સ હોસ્પિટલે બે દર્દીઓ પાસે રૂ.૪.૬૦ લાખ વધુ પડાવ્યા હોવાની ફરિયાદ ખુદ ભાજપના કોર્પોરેટર કરી ચૂક્યા છે તો એક દર્દી પાસે વધુ રૂપિયા પડાવ્યાની ફરિયાદ ભાજપના ધારાસભ્ય પણ કરી ચૂક્યા છે છતાં સિમ્સ હોસ્પિટલની સામે કડક કાર્યવાહી કરવાને બદલે મંથરગતિએ કાર્યવાહી થઇ રહી છે. AMC દ્વારા માત્ર નોટિસ આપવાનું નાટક કરાઇ રહ્યું છે.
અમદાવાદના એક મહિલાએ તા. ૧૮-૯-૨૦૨૦ના રોજ કમિશનરને ફરિયાદ કરી હતી કે, તેઓ તા.૧૪ જુનથી ૧૮ જુન ૨૦૨૦ દરમિયાન સિમ્સ હોસ્પિટલમાં દાખલ થયા હતા પણ સારવાર દરમિયાન સિમ્સે અનૈતિક રીતે વધુ પૈસા પડાવ્યા હતા જેમાં વિઝીટ ચાર્જ અને બેઝિક ટ્રીટમેન્ટના નામે વધુ પૈસા પડાવ્યા હતા તેમણે ૩૯,૯૦૦ જેટલી રકમ વધુ વસુલી હતી.
આ અંગે એલિસબ્રિજના ધારાસભ્યએ પણ ડે. મ્યુનિ.કમિશનરને પત્ર લખીને મહિલા દર્દી પાસે જે વધુ નાણાં વસુલ્યા છે તે પરત અપાવવા માટે અપીલ કરી હતી. આ સિવાય શાલિન શાહ નામના દર્દીએ તા.૨૭-૧૦-૨૦૨૦ના રોજ ઇ-મેઇલથી ડે. મ્યુનિ.કમિશનર ડો. ઓમપ્રકાશને ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતુ કે, દર્દી પાસે મેડિક્લેમ હતો અને તેમણે સિમ્સ હોસ્પિટલમાં ખાનગી ક્વોટાના બેડ ઉપર કોરોનાની સારવાર લીધી હતી જેમાં તેઓની મેડિક્લેમની વીમા કંપની દ્વારા સિમ્સ હોસ્પિટલને ચૂકવેલા નાણાંમાં રૂ.૬૫,૦૨૪ ઓછા ચૂકવ્યા હતા. આ અંગે વિમા કંપનીને ફરિયાદ કરી હતી જેના પ્રત્યુત્તરમાં કંપની દ્વારા એવું જણાવ્યું હતુ કે, વિમા કંપનીએ AMCએ નક્કી કરેલા દર મુજબ રૂપિયા ચૂકવ્યા છે. આ અંગે તેમણે ડે. મ્યુનિ.કમિશનરને ફરિયાદ કરી હતી.
આમ, સિમ્સ હોસ્પિટલ દ્વારા ખાનગી ક્વોટાના બેડના દર્દીઓ પાસે વધુ રૂપિયા વસુલવામાં આવતાં હોવાની ફરિયાદ કરાઇ હતી. આ સિવાય ખાડિયા વોર્ડની રાવળશેરીમાં રહેતા દેવીબહેન પરુષોત્તમભાઇ જોશી અને વિદ્યાબહેન પુરુષોત્તમભાઇ જોશીએ અમદાવાદ મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદ મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર દ્વારા તેઓને સિમ્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં બંને દર્દીઓ પાસે રૂ.૪.૬૦ લાખ જેટલું અધધ બિલ લઇ રૂપિયા વસૂલ્યા હતા.
આ અંગે રૂપિયા પરત અપાવવા માટે ખાડિયાના કોર્પોરેટર મયૂર દવેએ પણ મ્યુનિ.કમિશનરને ફરિયાદ કરી છે પણ આજદિન સુધી એકપણ રૂપિયો પરત મળ્યો નથી. સિમ્સ હોસ્પિટલ સામે આ ચાર કિસ્સામાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. દર્દી કલ્પેશ શાહે સિમ્સ હોસ્પિટલમાં ૩૨ દિવસની કોરોનાની સારવાર લીધી હતી જેમાં તેઓની પાસેથી રૂ.૧૭.૭૬ લાખનું બિલ વસુલાયું હતુ. આ કિસ્સામાં માત્ર પાંચ લાખનો દંડ કરાયો હતો. આ સિવાયના અન્ય ચાર ગંભીર કિસ્સામાં હજુ સુધી સિમ્સ હોસ્પિટલ સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી.
પિતા કોરોનામાં મોતને ભેટયાં, માતા અને દીકરીએ વ્યાજે રૂપિયા લઇ સિમ્સ હોસ્પિટલને ચૂકવવા પડયા
ખાડિયાની રાવળ શેરીમાં રહેતા પુરષોત્તમભાઇ જોશીનું કોરોનાના કારણે નિધન થયું હતુ પછી તેમના પત્ની અને પુત્રીએ ખાડિયા અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટ કરાવ્યો હતો. તા.૧૭-૫-૨૦૨૦ના રોજ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર સિમ્સ હોસ્પિટલના સુપ્રેટેન્ડેન્ટને પત્ર લખીને દાખલ કરવા માટે જણાવ્યું હતુ જેમાં બંને માતા-દીકરી તા.૧૮-૫-૨૦૨૦ના રોજ દાખલ થયા હતા અને તા.૨૯-૫-૨૦૨૦ના રોજ ડિસ્ચાર્જ કરાયા હતા.
મેડિકલ ઓફિસરની ભલામણ છતાં મ્યુનિ. ક્વોટાના બેડની જગ્યાએ પ્રાઇવેટ ક્વોટામાં દાખલ કરીને બંને પાસે રૂ.૪.૬૦ લાખનું બિલ વસૂલ્યું હતુ. આ પરિવારે વ્યાજે રૂપિયા લાવીને ચૂકવ્યા હતા. આ અંગે ખાડિયાના કોર્પોરેટર મયૂર દવેએ જણાવ્યું હતુ કે, હજુ સુધી સિમ્સ હોસ્પિટલે વસુલેલા વધુ રૂપિયા પરત મળ્યા નથી. કાર્યવાહી ચાલી રહી છે.


Previous articleબનાસડેરીમાં ઐતિહાસિક 82 લાખ લીટર દૂધની આવક થતાં મોટી મુશ્કેલીઓ પડી.
Next articleફી નિર્ધારણ કમિટી દ્વારા ખાનગી સ્કૂલોની ત્રણ વર્ષ માટે ફી નક્કી કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here