દિલ્હીમાં કોરોના સંક્રમણ વધતાં પરિસ્થિતિ બેકાબૂ બની છે. જેના પગલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીમાં પણ વીકેન્ડ કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે.
આ વીકેન્ડ કર્ફ્યૂ શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી શરૂ થશે અને સોમવાર સવાર 6 કલાક સુધી રહેશે. દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કૉન્ફરન્સમાં નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો અને લગ્ન માટે લોકોને કર્ફ્યૂ પાસ આપવામાં આવશે. મોલ, જિમ, સ્પા, ઓડિટોરિયમને બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવી રહ્યાં છે. સિનેમા હૉલ 30 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની હોસ્પિટલોમાં બેડ પૂરતી સંખ્યામાં છે. આ સમયે આ મહામારીમાં અમારો પ્રયાસ છે કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને બેડ મળી રહે. હાલમાં 5000 બેડ હજુ ખાલી છે. ઓક્સિજન અને બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન સામેલ છે.