કોરોનાની ત્રીજી લહેરે અનેકવિધ બીમારીથી પીડાતી કોરોના પોઝિટિવ 3 વર્ષની શ્રમજીવી પરિવારની બાળકીનો ભોગ લીધો છે. જોકે પરિવારે ગોત્રી હોસ્પિટલમાં યોગ્ય સારવારના અભાવે બાળકીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને બાળકીના મૃતદેહને વતન લઇ જવાની જીદ પકડી હતી.
જોકે સમજાવટ બાદ તંત્ર દ્વારા કોવિડની ગાઇડલાઇન્સ મુજબ ગોત્રી સ્મશાનમાં દફનવિધિ કરવામાં આવી હતી.
તબિયત બગડતાં બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ

સૌરાષ્ટ્રનો પરિવાર વડોદરામાં મજૂરીકામ માટે આવ્યો હતો. વડોદરાના સુભાનપુરા હરિઓમનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની 3 વર્ષની દીકરીની મોડી રાત્રે તબિયત બગડતાં અને બેભાન થઇ જતાં પરિવાર ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં કોવિડની ગાઇડલાઇન્સ મુજબ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોઝિટિવ આવતાં બાળકોના કોવિડ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.