। નવી દિલ્હી ।
દેશમાં કોરોના સંક્રમણનો ગ્રાફ કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર રવિવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં પહેલીવાર નવા કોરોના સંક્રમિતોની સંખ્યા ૯૦,૦૦૦થી વધુ નોંધાઇ હતી. શનિવાર-રવિવારે ભારતમાં કોરોના સંક્રમણના નવા ૯૦,૬૩૩ કેસ સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૧,૧૩,૮૧૨ ઉપર પહોંચી હતી. આમ હવે ભારત બ્રાઝિલને પાછળ પાડી વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો કોરોના સંક્રમિત દેશ બની ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૦૬૫ દર્દી કોરોના સામેનો જંગ હારી ગયા હતા અને મોતનો કુલ આંકડો ૭૦,૦૦૦ને વટાવીને ૭૦,૬૨૬ ઉપર પહોંચ્યો હતો. ભારતમાં સારવાર બાદ સ્વસ્થ થયા પછી પણ ફરી કોરોનાથી સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આરોગ્ય મંત્રાલયના દાવા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૭૩,૬૪૨ લોકોએ કોરોનાને પરાજિત કર્યો હતો. આ સાથે દેશમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા ૩૧,૮૦,૮૬૬ થઇ હતી. જેના પગલે રિકવરી રેટ ૭૭.૩૨ ટકા પર પહોંચી ગયો હતો. હાલ દેશમાં ૮,૬૨,૩૨૦ કોરોના દર્દી ઘરોમાં કે હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આઇસીએમઆરના જણાવ્યા અનુસાર શનિવારે દેશમાં ૧૦,૯૨,૬૫૪ સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં જેમાંથી ૯૦,૬૩૩ સેમ્પલ પોઝિટિવ આવતાં પોઝિટિવિટી રેટ ૮.૩ ટકા થયો હતો. અત્યાર સુધીમાં દેશમાં ૪,૮૮,૩૧,૧૪૫ સેમ્પલ ટ્સ્ટ કરાયાં છે.
અર્જુન કપૂર અને મલાઇકા અરોડા બંને કોરિના પોઝિટિવ
અર્જુન કપૂરે ઇનસ્ટાગ્રામ પર જાણકારી આપી હતી કે તે કોરોના પોઝિટિવ છે. તબીબની સલાહ મુજબ તેઓ હોમકવોરન્ટાઇન છે. અર્જુનમાં સંક્રમણના કોઇ લક્ષણો જોવા નથી મળતા. તે પછીના ગણતરીના કલાકમાં મલાઇકા અરોડા પણ કોરોના પોઝિટિવ હોવાની હકીકત બહાર આવી છે.
રાજકીય ગલિયારામાં કોરોના
કોંગ્રેસના સાંસદ દિપેન્દર હૂડા સંક્રમિત
પીએમકેના નેતા વેલુસામીનું કોરોનાથી નિધન
તેલંગણાના નાણામંત્રી ટી હરીશરાવ કોરોના પોઝિટિવ
YSR કોંગ્રેસના ડોરાબાબુ કોરોના પોઝિટિવ
કર્ણાટકના શ્રમમંત્રી શિવરામ હેબ્બર કોરોના પોઝિટિવ
કોરોના કન્ટ્રીવાઇડ
આજથી દેશમાં મેટ્રો ટ્રેન સેવાઓનો પ્રારંભ
છત્તીસગઢમાં આંગણવાડીનો પ્રારંભ
મધ્યપ્રદેશમાં વોટર ટૂરિઝમને પરવાનગી
આજથી તેલંગણા વિધાનસભાનું સત્ર શરૂ થશે