મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું છે છતાં સંવેદનાપૂર્ણ રીતે આ મહામારીને કાબુમાં લેવાને બદલે મૃત્યુઆંક છૂપાવવાની જે નિષ્ઠુર ચેષ્ટા થઈ રહી છે તેને સ્મશાનોના નોંધાયેલા ચોંકાવનારા આંકડાઓએ ઉઘાડી પાડી દીધી છે.
રાજકોટ શહેરમાં કોરોનાથી સ્થિતિ અતિગંભીર થઈ ગઈ છે. સ્મશાનગૃહોમાં પણ અગ્નિદાહ માટે 24 કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારની કોરોના ગાઈડલાઈન પ્રમાણે જુલાઈમાં કોરોના પ્રોટોકલ પ્રમાણે 101 અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા. પરંતુ ઓગસ્ટમાં 334 અંતિમ સંસ્કાર કરાયા છે. હાલ રાજકોટમાં કચરાપેટી, ભંગારની બાજુમાં મૃત્તદેહની લાઈનો લાગી છે.સંદેશ દ્વારા રાજકોટના સ્મશાનગૃહો પાસેથી મેળવેલી વિગતો મુજબ ઓગસ્ટ માસમાં રાજકોટમાં 500 કોરોનાગ્રસ્તોના અંતિમ સંસ્કાર થયા છે. સપ્ટેમ્બરના છેલ્લા 3 દિવસમાં આ આંક 78થી વધુનો છે. રાજકોટવાસીઓ ડરે એટલા માટે નહીં પરંતુ કોરોના સામે વધુ સાવચેત બને અને તકેદારીના પગલા માટે જાગૃત બને એટલા માટે પણ જાણવું જરૂરી છે કે રાજકોટના ચાર સ્મશાનગૃહોમાં અત્યાર સુધીમાં કુલ 777 કોરોનાગ્રસ્તોના અંતિમ સંસ્કાર થયા છે.
રાજકોટના રામનાથપરા સ્મશાનગૃહના શ્યામભાઈ કહે છે કે આજે 13 કોરોનાગ્રસ્તોના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે. કાલે અને પરમ દિવસે પણ 13-13 કોરોનાગ્રસ્તોના અંતિમ સંસ્કાર થયા હતા. કોરોના ન હોય તેવા મૃતકોની સૂચિ અલગથી તૈયાર થાય છે. કોરોના આવ્યા બાદ રામનથપરા, મૂકતિધામમાં એપ્રિલમાં 8, મેમાં 7, જૂનમાં 20, જુલાઈમાં 102, ઓગસ્ટમાં 334 અને સપ્ટેમ્બરના 3 દિવસમાં 39 કોરોનાગ્રસ્તોનાને અંતિમદાહ અપાયો છે. 80 ફૂટ બાપૂનગર સ્થિત સ્મશાનગૃહના નિર્મલભાઈ કહે છે કે આટલી સંખ્યામાં અંતિમ સંસ્કાર ક્યારેય જોયા નથી. અહીં ઓગસ્ટમાં 104 કોરોનાગ્રસ્તોના અંતિમ સંસ્કાર થયા છે. છેલ્લા 3 દિવસમાં 38ના અંતિમ સંસ્કાર થયા છે.મોટામવા સ્થિત સ્મશાનના રાઘવભાઈ કહે છે કે અહીં 94 કોરોનાગ્રસ્તોના જ્યારે મવડી સ્મશાનગૃહ ખાતે 10 કોરોનાગ્રસ્તોના અંતિમ સંસ્કાર થયા છે. સરકારી આંકડા મુજબ રાજકોટ શહેર જિલ્લામાં મૃત્યુઆંક 125થી નીચો છે.
આંકડાના અઠંગ ખેલાડી ગણાતા અમલદારોને રાજકોટવાસીઓ એટલું જ કહે છે કે મૃતક ક્યાં વિસ્તારનો છે એ કરતા પણ એ આપણો જ દેશવાસી છે. સિવિલ કે ખાનગીમાં મૃત્યુઆંક ઘટવો જોઈએ એજ આજના સમયની માંગ છે. આ સમય આંકડા છૂપાવવાનો નહીં જાન બચાવવાનો છે.
વેઈટીંગ વધી જતા ભઠ્ઠીને બદલે લાકડાથી મૃતકોને અગ્નિસંસ્કાર
રાજકોટમાં છેલ્લા 3 દિવસથી કોરોના મૃત્યુંઆંક વધતા સ્મશાનોમાં વેઈટીંગ સર્જાતા મોટા મવા ખાતે 10 કોરોનાગ્રસ્તોને લાકડાથી અગ્નિદાહ આપવો પડ્યો છે. તંત્રએ જ આ માટે મજંરી આપેલી, બીજી તરફ મહાપાલિકાના અધિકારી જ્યારે આવ્યા ત્યારે લાકડાથી અપાતા અગ્નિદાહને જોઈ તેમને આશ્ચર્ય થયેલું..
સ્મશાનગૃહના સ્ટાફ માટે વીમો ઉતારાવાયો
રાજકોટના બાપુનગર 80 ફૂટ રોડ ઉપર કોરોનાગ્રસ્તોના વધતા અગ્નિદાહ વચ્ચે સંચાલકો કહે છે કે અમે સ્ટાફના કોરોના સામે આર્થિક કવચ જેવો વીમો ઉતરાવી લીધો છે.
Home Corona-live રાજકોટમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું, કચરાપેટી, ભંગારમાં મૃતદેહોની લાઇનો, સ્મશાને શબવાહિનીઓની કતાર