રાજ્યમાં કોરોના વાયરસનો કહેર અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટ પર વરસી રહ્યો છે. કોરોનાએ સામાન્ય માણસથી લઈને રાજકીય નેતાઓને પણ બકક્ષ્યા નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નો કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે તેઓ અમદાવાદ ખાતે સારવાર લઇ રહ્યા છે.
રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ કોરોના વિશેની માહિતી જાતે ટ્વિટ કરીને આપી હતી. તેમણે પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે, ‘મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને મારી તબિયત સારી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મારા સંપર્કમાં આવેલ તમામ લોકો સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થાય અથવા તો ડોક્ટર પાસે ટેસ્ટ કરાવવા વિનંતી. ભગવાન ભોળાનાથ તથા આપ સૌના આશીર્વાદથી હું ઝડપથી સ્વસ્થ થઈ જઈશ’
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુરૂવારે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી અને સંબંધિત લોકોને પોતાના ટેસ્ટ કરાવવા તેમજ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી હતી. ગુરૂવારે સાંજ થતાની સાથે જ અમદાવાદના પશ્વિમના સાંસદ ડૉ.કિરિટી સોલંકી પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. સોલંકીએ જાતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
અત્રે નોંધનીય છે કે, રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ફૂડ, સિવિલ સપ્લાય, કન્ઝ્યુમર અફેર્સ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રીઝનો પ્રભાર સંભાળી રહ્યા છે. તેઓ જામનગર ઉત્તરના ધારાસભ્ય છે અને અગાઉ કૉંગ્રેસમાં કામ કરતા હતા. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી વખતે તેઓ કૉંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા હતા. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને આ સલાહ આપી હતી.