Home Corona-live કોરોના કાળે લોકોની જીવનશૈલી બદલી નાંખવા સાથે તહેવારોની ઉજવણીને પણ ગ્રહણ લગાવી...

કોરોના કાળે લોકોની જીવનશૈલી બદલી નાંખવા સાથે તહેવારોની ઉજવણીને પણ ગ્રહણ લગાવી દીધું છે.

11
0

કપરા કોરોના કાળે લોકોની જીવનશૈલી બદલી નાંખવા સાથે તહેવારોની ઉજવણીને પણ ગ્રહણ લગાવી દીધું છે. તકેદારીના ભાગરૃપે ગણેશોત્સવ-નવરાત્રિ પર્વની જાહેર ઉજવણી પર પાબંધી લગાવ્યા બાદ હવે દિવાળી પર્વની ઉજવણીમાં પણ લોકોને વિશેષ સલામતી રાખવા અનુરોધ કરાયો છે. રોશનીના પર્વની લોકો ફટાકડા ફોડી રંગેચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે શહેરના નિષ્ણાત તબીબોએ ફટાકડાનો ધૂમાડો કોરોના પડિતો માટે ઘાતક પૂરવાર થઇ શકે છે એવી દહેશત વ્યક્ત કરી છે.
તબીબોના જણાવ્યા પ્રમાણે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ તો ઠીક કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે પણ ફટાકડાનો ધુમાડો જોખમી નિવડી શકે છે. કોરોનાના દર્દીઓને શ્વાસ લેવાની સૌથી વધુ તકલીફ હોય છે. કેટલાક દર્દીઓને ઓક્સિજન આપવું પડે છે તો ગંભીર કિસ્સામાં દર્દીને વેન્ટિલેટર પર ચઢાવવો પડે છે. કોરોનામાં દર્દીના ફેફસાં નબળાં પડી જાય છે. કોરોનામાંથી ઊગરી ગયા બાદ પણ દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થતા ઘણો સમય લાગે છે.
આવા સંજોગોમાં ફટાકડાનો ઝેરી ગેસ શ્વાસ વાટે શરીરમાં જતા દર્દીના ફેફસાં પર અસર થાય છે, જે દર્દીની તકલીફ વધારે છે અને બાદમાં આ તકલીફ જીવલેણ પણ પૂરવાર થઇ શકે છે. જેથી કોરોનાની ગંભીર આ સ્થિતિમાં દર્દીની જિંદગી જોખમમાં નહિ મુકાય તે માટે તબીબોએ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરો તથા કોરોનાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફટાકડા નહિ ફોડવા તબીબો અપીલ કરી રહ્યા છે. કોરોનાનો દર્દી જ્યાં હોમ ક્વોરન્ટાઇન થયો હોય તે વિસ્તારમાં પણ ફટાકડા નહિ ફોડવા જોઇએ.
રહેણાંક વિસ્તારોથી દૂર ખુલ્લા પ્લોટમાં ફટાકડા ફોડવા
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો કહેર ઘટયો જરૃર છે પણ લોકોએ હજુ વધુ છ મહિના ખાસ તકેદારી રાખવી પડશે. તહેવારો પણ સલામતી સાથે ઊજવવા પડશે. આગામી દિવાળી પર્વમાં ફટાકડાને કારણે કોરાના વધુ ઘાતકી બની શકે છે. કારણ કે ફટાકડામાંથી જે ઝેરી ગેસ ધુમાડા સ્વરૃપે નીકળે છે, તે ફેફસાંને નુકસાન પહોંચાડે છે. જેથી કોરોના પીડિતોને બચાવવા ફટાકડા નહિ ફોડવા અપીલ છે. જો ફટાકડો ફોડવા હોય તો રહેણાંક વિસ્તારોથી દૂર ખૂલ્લાં પ્લોટમાં ફોડવાનો આગ્રહ રાખવો જોઇએ. – ડો.પ્રશાંત દેસાઇ (ઇએનટી સર્જન)
કોરોનાથી સાજા થયેલા દમ-અસ્થમા પીડિતોને વધુ જોખમ
ફટાકડાનો ધુમાડો કોરોનાના દર્દીઓ માટે જોખમી છે. તેમાંય કોરોનાથી સાજા થયેલા ઊંમરલાયક દર્દીઓએ ખૂબ સંભાળ રાખવી જરૃરી છે. દમ-અસ્થમા જેવી શ્વાસની બીમારીથી પિડાતા દર્દીઓને પણ ફટાકડાનો ધુમાડો પરેશાન કરતો હોય છે. જો દમ-અસ્થમાના દર્દીઓ કોરોનામાંથી ઉગરી ગયા હોય તો તેઓએ ખાસ તકેદારી રાખવી જોઇએ. કોરોનાને કારણે આ દર્દીઓના ફેફસા પર અસર પહોંચી હોય ફટાકડાનો ઝેરી ગેસ જીવલેણ પુરવાર થઇ શકે છે.
– ડો. દીપક વીરડિયા (ચેસ્ટ ફિઝિશિયન)
50 ટકા દર્દીઓનાં ફેફસાંમાં ફાઇબ્રોસિસની સમસ્યા
કોરોનાના મોટા ભાગનાં દર્દીઓનાં ફેફસાંમાં ફાઇબ્રોસિસની તકલીફ જોવા મળે છે. અત્યાર સુધી ૫૦ ટકા દર્દીઓનાં ફેફસાંમાં ફાઇબ્રોસિસની સમસ્યા જોવા મળી છે. કોરોનામાંથી સાજા થયા બાદ પણ આ દર્દીઓનાં ફેફસાં સંપૂર્ણ સ્વસ્થ થતાં સમય લાગે છે. આવા સંજોગોમાં ફટાકડાના ધુમાડાને કારણે ફેફસાં ઓર નબળા પડવાની શક્યતા છે, જે બાદમાં દર્દી માટે ઘાતક પણ નીવડી શકે છે. જેથી હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરો, કોરોના પીક એરિયામાં ફટાકડા નહિ ફોડવા જોઇએ. ડો.નૈમેષ શાહ (એમડી ફિઝિશ્યન)


Previous article1 નવેમ્બર એટલે રવિવાર થી અનેક નિયમો બદલાવવા જઇ રહ્યા છે..
Next articleવલસાડ હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here