રાજકોટમાં હાલ કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. રાજકોટ શહેરમાં આજે એક જ દિવસમાં કોરોનાનાં 71 પોઝિટિવ કેસો નોંધાયા છે, જ્યારે જિલ્લામાં કોરોનાનાં 12 પોઝિટિવ કેસો નોંધાયા છે. કોરોનાનો કહેર વધતાં રાજકોટ ચા-હોટેલ એસોસિયેશને મોટો નિર્ણય કર્યો છે. રાજકોટમાં આગામી 3 દિવસ સુધી ચાની હોટેલો બંધ રાખવામાં આવી છે.
રાજકોટમાં કોરોનાનો કહેર વધતાં ચા-હોટેલ એસોસિયેશન દ્વારા આગામી 3 દિવસ માટે ચાની હોટેલો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે શનિ-રવિ અને સોમવાર સુધી રાજકોટમાં ચાની એકપણ હોટેલો ખુલ્લી રહેશે નહીં. રાજકોટ શહેરમાં ચાની હોટેલો પર ભીડ એકત્ર થતી હોવાથી લોકોની ભારે ભીડ જમા થાય છે. અને જેને કારણે કોર્પોરેશન દ્વારા હોટેલોને સીલ મારવામાં આવે છે.
તેવામાં ચા-હોટેલ એસોસિયેશને કોર્પોરેશન પાસે માગ કરી છે કે, માત્ર ચાની હોટેલો જ નહીં, પણ અન્ય દુકાનો અને બજારોમાં પણ લોકોની ભીડ જમા થતી હોય છે, તો ત્યાં પણ કાર્યવાહીની માગ કરવામાં આવી છે. જો કે, રાજકોટમાં સંક્રમણ વધતાં હવે રાજકોટવાસીઓને જ જાગૃત થવાની જરૂર છે. અને દુકાનો સહિતની જગ્યાઓએ ખોટી ભીડ ભેગી ન કરવી અત્યંત આવશ્યક છે. જો કોરોનાનું સંક્રમણ વધશે તો આગામી દિવસોમાં આનાથી પણ વધારે આકરાં નિર્ણયો લેવામાં આવી શકે છે.