Home Business કોટનના ભાવમાં સતત વૃદ્ધિ બાદ ભાવમાં નરમાઈ જોવા મળી.

કોટનના ભાવમાં સતત વૃદ્ધિ બાદ ભાવમાં નરમાઈ જોવા મળી.

40
0

કોટનના ભાવમાં સતત વૃદ્ધિ બાદ શુક્રવારે થોડી નરમાઈ જોવા મળી હતી. ઉત્તરાયણના આગલા દિવસે રૂ. ૪૩,૯૦૦ પ્રતિ ખાંડીના અંતિમ બે વર્ષની ટોચ પર જોવા મળેલા ભાવ રૂ. ૬૦૦ના ઘટાડે રૂ. ૪૩,૩૦૦-૪૩,૪૦૦ બોલાતા હતાં. સ્પિનર્સની માગમાં સાધારણ ઘટાડાને પગલે ભાવ વધ્યા મથાળેથી દબાયા હોવાનું માર્કેટ વર્તુળો જણાવતાં હતાં. જોકે ભારતીય કોટન વિશ્વમાં સૌથી સસ્તું હોવાથી ભાવમાં મોટા ઘટાડાની કોઈ શક્યતા નહીં હોવાનું પણ તેમનું માનવું છે.
છેલ્લા ત્રણ મહિનાથી સ્પિનિંગ મિલ્સને ઊંચા માર્જીન મળી રહ્યાં હતાં અને તેથી ભાવમાં પણ સતત મજબૂતી જળવાઈ હતી. જોકે સ્પિનર્સને ૧૫ ફેબ્રુઆરી બાદના બુકિંગ્સ જોઈએ એવા મળ્યાં નથી અને તેથી કોટન પર પણ તેની સેન્ટિમેન્ટલ અસર જોવા મળી છે. ઉપરાંત હાલમાં મિલ્સ પાસે ૬૦-૬૫ દિવસ ચાલે તેટલો માલ પડયો છે. ટ્રેડર્સ પાસે પણ માલ છે. તેમજ સીસીઆઈ જેવા સંસ્થા પાસે પણ મોટો માલ પડયો છે.
આમ બજારમાં વધેલાં ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. જો વૈશ્વિક બજારો મજબૂત રહે તો ભાવ વધુ નીચે જાય તેવા સંજોગો નથી. કેમ કે ખેડૂતોને મુક્ત બજારમાં એમએસપીના ભાવ મળી રહ્યાં છે અને તેથી તેઓ પણ વેચવાની ઉતાવળમાં નથી. અગાઉ દૈનિક ૨.૨૫ લાખ ગાંસડી સામે હાલમાં ૧.૬-૧.૮ લાખ ગાંસડી માલ બજારમાં આવી રહ્યો છે. અલબત્ત, ૩.૫૫ કરોડ ગાંસડી ઉત્પાદનના અંદાજ સામે ૫૦ ટકાથી વધુ માલ બજારમાં આવી ચૂક્યો છે.
આમ ધીમે-ધીમે આવકોમાં ઘટાડો જોવા મળી શકે છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને કારણે પણ આવકો પર થોડી અસર પડી છે. સ્પિનિંગ કંપનીઓને અગાઉની સરખામણીમાં હજુ પણ સારા માર્જીનને કારણે તેમની માગ સારી જ રહેશે અને તેથી આવકોમાં ઘટાડા વચ્ચે ભાવ એકવાર રૂ. ૪૪ હજારની સપાટીને પાર કરે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. બીજી બાજુ ભારતીય કોટન વિશ્વમાં સૌથી સસ્તું હોવાથી તેની માગ સારી છે. જોકે પાછોતરા વરસાદને ચાલુ સિઝનમાં ક્વોલિટીના ઇશ્યૂ છે અને તેથી સિઝનની શરૂઆતની અપેક્ષા કરતાં નિકાસ થોડી ઓછી જોવા મળી શકે છે. શરૂઆતમાં ૬૦ લાખ ગાંસડી નિકાસનો અંદાજ મૂકવામાં આવતો હતો. જેમાંથી ડિસેમ્બર આખર સુધીમાં ૩૨ લાખ ગાંસડીના કામકાજ થઈ ચૂક્યાં હતાં. જ્યારે ૨૫ લાખ ગાંસડી માલ રવાના પણ થયો હતો.


Previous articleકોરોના ના નવા સ્ટ્રેનના કારણે જ બ્રાઝિલમાં રોકેટ ગતિથી સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે.
Next articleમુંબઈથી રિયો ડી જાનેરો ખાતે સ્પેશિયલ ફ્લાઈટમાં કોવિશીલ્ડના ડોઝ બ્રાઝિલ પહોંચાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here