પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાબતે હાઇકોર્ટ ચૂંટણી પ્રક્રિયાને ગેરલાયક ઠેરવી.
ડાકોર પાલિકામાં દોઢ મહિના પહેલા યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના મુદ્દે હાઈકોર્ટ દ્વારા સ્ટેનો ઓર્ડર આપતા સભ્યો સ્તબ્ધ થઇ ગયાં છે. આ ચૂંટણીમાં ગેરલાયક ઠરેલા સાત સભ્યોએ મતદાન કર્યું હતું. જેને કારણે આ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેને પગલે આ ઓર્ડર થયો હતો. જોકે, આ ઓર્ડર બાદ વહીવટદાર નિમાય તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે. કારણ કે, કોર્ટના આદેશ મુજબ પ્રમુખ અને ઉપપ્રમુખ હાલ વહીવટમાં ભાગ લઇ શકશે નહીં. હાઈકોર્ટના વચગાળાના હુકમ મુજબ હાલના પ્રમુખ અને ઉપપ્રમુખ વહિવટી કામગીરીમાં ભાગ ન લઇ શકે તેમ જણાવતા પાલિકામાં વહિવટી શૂન્યવકાશ સર્જાતા વહિવટદારની શકયતા છે.

ડાકોર પાલિકામાં 2જી સપ્ટેમ્બર, 2020 ના રોજ યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને હાઈકોર્ટે સ્ટે કરતો વચગાળાનો હુકમ જાહેર કરતા નગરના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. આ ચૂંટણીમાં પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરાવેલા ભાજપના 7 સભ્યોએ મતદાન કર્યું હતું. જોકે, પક્ષાંતરધારા હેઠળ રદ થયેલા સભ્યપદના ચુકાદાને સભ્યોએ હાઇકોર્ટમાં પડકાર્યો છે. જે હજુ ન્યાયાધીન છે. આ બાબતેનો નિર્ણય આવ્યા બાદ નવી ચૂંટણી થશે કે કેમ ? તે સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ થશે.
ડાકોરમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા ખોટી અને ગેરલાયક હોવાથી તે રદ કરવા અથવા પાલિકામાં વહીવટદાર નિમવાની માંગ સાથે ડાકોર પાલિકા પૂર્વ પ્રમુખ રાજેશ પટેલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જે ચાલી જતા હાઇકોર્ટ દ્વારા 28 ઓક્ટો. 20 ના રોજ વચગાળાનો હુકમ કરી ચૂંટણી પર સ્ટે આપ્યો હતો. આ આદેશના પગલે હાલ પ્રમુખ અને ઉપપ્રમુખ વહીવટી કામગીરીમાં ભાગ લઇ શકશે નહીં. જેથી પાલિકાના વહીવટ માટે વહીવટદાર જ મુકવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.