ગુજરાતમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી અંગે ગુજરાત પીએસઆઈ ભરતી બોર્ડે મોટી જાહેરાત કરી છે. પીએસઆઈ ભરતી બોર્ડે પીએસઆઈ ભરતી પરીક્ષા મુદ્દે જાહેરાત કરી છે કે, 6 માર્ચે પ્રિલીમીનરી યોજાશે. પીએસઆઈ ભરતી બોર્ડે કરેલી જાહેરાત પ્રમાણે, પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા 96000 હજાર કરતા વધુ ઉમેદવારો આપશે. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં લેવામાં આવશે.
ગુજરાત પીએસઆઈ રીક્રુટમેન્ટ બોર્ડના ચેરમેન અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલિસ, ટ્રેઈનિંગ વિકાસ સહાયે જાહેરાત કરી છે કે, પોલીસ સબ ઈન્સ્પેક્ટર કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોની પ્રીલિમિનરી પરીક્ષાનું આયોજન 6 માર્ચ, 2022 ને રવિવારના રોજ કરવામાં આવેલ છે. આઈપીએસ અધિકારી વિકાસ સહાયે જણાવ્યું છે કે, પ્રિલિમિનરી પરીક્ષાને લગતી વિગતો હવે પછી પોલીસ સબ ઈન્સ્પેક્ટર ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પોલીસ સબ ઈન્સ્પેક્ટર ભરતી બોર્ડની વેબસાઈટ પર સૂચનાઓ નિયમિત રીતે જોતા રહેવી.

નોંધનીય છે કે, રાજ્યમાં 3 ડિસેમ્બરથી પીએસઆઈ સંવર્ગની શારીરિક કસોટી લેવામાં આવી હતી. આ શારીરિક કસોટીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે સામે આવ્યા હતા. ઉમેદવારો માટે 15 કેન્દ્રો પર શારીરિક કસોટી યોજવામાં આવી હતી. જે કસોટીઓ પૂર્ણ થતા પીએસઆઈ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.