ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ વઘઇ રેંજનાં બારખાંદિયા ગામનાં ઈસમ પર દીપડાએ હુમલો કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે.દક્ષિણ વન વિભાગની ટીમ દ્વારા આ દીપડાને પકડવા માટે તુરંત જ પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં દક્ષીણ વન વિભાગમાં સમાવિષ્ટ વઘઇ રેંજનાં બારખાંદિયા ગામનાં ઈસમ નામે રમેશભાઈ બેન્ડુભાઈ દેશમુખ ઉ.55 પર આજરોજ સવારે 9.00 વાગ્યાના અરસામાં ખૂંખાર દીપડાએ હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવતા આ ગામમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનાની જાણ વન વિભાગની ટિમને થતા ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.નિલેશભાઈ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ વઘઇ રેંજનાં આર.એફ.ઓ ડી.કે.રબારીની ટીમ બારખાંદિયા ગામે દોડી ગઈ હતી.અને વઘઇ વનવિભાગની ટીમ દ્વારા આ ઇજાગ્રસ્ત ઇસમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવારનાં અર્થે વઘઇ સી.એચ.સી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.બારખાંદિયા ગામે વન વિભાગની ટીમ દ્વારા આસપાસમાં તપાસ હાથ ધરતા તેઓને પણ દીપડો દેખાયો હતો.જેથી વઘઇ વન વિભાગની ટીમ દ્વારા આ દીપડાને જંગલ વિસ્તારમાં ભગાડી દીધો હતો. હાલમાં આ દીપડો અન્ય કોઈને નુકસાન ન પોહચાડે તે માટે જંગલ વિસ્તારમાં પાંજરા ગોઠવી વધુ તજવીજ હાથ ધરવામાં આવી હોવાની માહિતી સાંપડેલ છે.