GUJARAT

વડોદરામાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા મેડિકલ ઓક્સિજનની માંગ વધી છે….

વડોદરામાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા મેડિકલ ઓક્સિજનની માંગ વધી છે. જેને લઈને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની અછત સર્જાઈ છે જેના કારણે ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં મુકાઈ છે. કોરોનાના દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ઇન્ડસ્ટ્રીઝમાં પુરા પાડવામાં આવતા ઓક્સિજન ઉપર 50 ટકાનો કાપ મૂક્યો છે. જેને પગલે વડોદરામાં ઓક્સિજનનો ઉપયોગ કરતા નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટોના સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે. સાઇન્ટિફીક ચિજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીના સંચાલકોએ જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સાથે અમને પણ ઓક્સિજનના સિલિન્ડર્સ આપીને યુનિટોને જીવાડો.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. કોવિડ સેન્ટરો પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. તેની સાથે દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાતમાં પણ વધારો થયો છે. પરિણામે સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજનની ખોટ પુરી શકાય તે માટે ઓક્સિજનનો પુરતો જથ્થો કોવિડ હોસ્પિટલને પૂરો પાડવા માટે આદેશ જાહેર કર્યો છે.

કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરતો જથ્થો પૂરો પડાયા પછી જ ઇન્ડસ્ટ્રીઝને જથ્થો આપવા માટે જણાવાયું છે. છેલ્લા 5 દિવસથી અમલમાં આવેલા આ આદેશના પગલે ઓક્સિજનના ઉપયોગનો ઉપયોગ કરતી નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે. પુરતો ઓક્સિજન નહીં મળે તો અનેક યુનિટો બંધ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

વડોદરાના સરદાર અસ્ટેટમાં આવેલી તુલસી સાઇન્ટિફીક વર્કસના માલિક રાકેશભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે ઓક્સિજનના ઉપયોગથી સાઇન્ટિફીક સાધનોનું ઉત્પાદન કરતા યુનિટો સહિત અન્ય યુનિટોને ઓક્સિજન આપવામાં કાપ મૂકવામાં આવ્યો ગયા છે. અમારા યુનિટને ચલાવવા માટે રોજના 15 ઓક્સિજન સિલિન્ડરની જરૂર હોય છે, પરંતુ, છેલ્લા 5 દિવસ દરમિયાન એક પણ સિલિન્ડર ન મળતા યુનિટ બંધ કરી દેવાની ફરજ પડશે. યુનિટ બંધ રહેવાના કારણે કર્મચારીઓનો પગાર કરવો મુશ્કેલ થઇ ગયો છે.

લોકડાઉન બાદ શરૂ થયેલા ઉદ્યોગોમાં ઓક્સિજનની માંગ વધતા હોસ્પિટલોમાં જથ્થો આવી શક્તો ન હતો. ગોત્રી હોસ્પિટલમાં આ મુદ્દે બે વાર કટોકટી ઉભી થતાં નોડલ ઓફિસર ડો. શીતલ મિસ્ત્રીએ કોરોના OSD ડો. વિનોદ રાવનું ધ્યાન દોરતાં વડોદરાથી સરકારમાં આ મુદ્દે અસરકારક રજૂઆત થઇ હતી. જેને પગલે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ઓક્સિજન બનાવતી કંપનીઓને જ પોતાના ઉત્પાદનનો 50 ટકા જથ્થો મેડિકલ હેતુ માટે જ પૂરો પાડવો તેવો સ્પષ્ટ આદેશ કર્યો છે.

રાજ્ય સરકારના પરિપત્ર બાદ હવે ઓક્સિજન કંપનીઓ હરકતમાં આવી ગઇ છે અને વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં રાતોરાત 13 હજાર લિટર લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ઉભી કરવામાં આવી હતી. જેને પગલે હવે વડોદરામાં ઓક્સિજનનો ઉપયોગ કરતા નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટોના સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે.

Leave a Reply

Your email address will not be published.