AMC દ્વારા ભલે, શહેરમાં કોરોના કાબુમાં હોવાના બણગાં ફૂંકવામાં આવી રહ્યાં હોય પણ વાસ્તવિક ચિત્ર કઇંક અલગ છે. શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય તો વેન્ટિલેટર બેડ માટે કલાકો સુધી રઝળપાટ કરવી પડે છે. SVP હોસ્પિટલ સહિત ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં AMC ક્વોટાના વેન્ટિલેટર બેડ હાઉસફૂલ છે. આ વાતનો સ્વીકાર ખુદ એસવીપીના સંચાલકો રહી રહ્યાં છે.
અમરાઇવાડીના ૬૦ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પછી તેઓને હોમ ક્વોરોન્ટાઇન કરાયા હતા પણ તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેથી બપોરના ૧૨ વાગ્યાની આસપાસ તેઓ એસવીપી હોસ્પિટલમાં દાખલ થવા પહોંચ્યા હતા.
જ્યાં સાંજે છ વાગ્યા સુધી બેસાડી રાખ્યા બાદ વેન્ટિલેટર બેડ ખાલી ન હોવાની હકીકત જણાવી હતી પછી દર્દીના સગાએ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવા માટે કહ્યું હતુ તો એસવીપીના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીને રીફર કરાતા નથી પણ સુત્રો કહે છે કે, જો એસવીપી દ્વારા વેન્ટિલેટર કે આઇસીયુ બેડ માટે દર્દીને સિવિલમાં રિફર કરવામાં આવે અને તેમનું રસ્તામાં અવસાન થાય અને દર્દીના સગા જો બેડ હોવા છતાં દાખલ ન કર્યાની ફરિયાદ કરે તો એસવીપી હોસ્પિટલે બેડ ખાલી ન હતા તેવું સાબિત કરવું પડે ? જો બેડ ખાલી મળી આવે તો તેઓની સામે ફરજમાં બેદરકારી સહિતના પગલાં લઇ શકાય તેમ છે આથી, તેઓ ક્રિટિકલ દર્દીઓને જરૂર હોવા છતાં સિવિલમાં રિફર કરવાનો મેમો આપતા નથી.
એસવીપીમાં ચોક્કસ સંખ્યામાં વેન્ટિલેટર અને આઇસીયુ બેડ ખાલી રાખવામાં આવી રહ્યાં છે જે સામાન્ય દર્દીઓને ફાળવાતા નથી જે ચિંતાજનક બાબત છે અને દર્દીઓના જીવ જોખમમાં મૂકાય તેવી બાબત છે. આ અંગે કોઇપણ સત્તાવાર કંઇ બોલતુ નથી પણ બેડની વાસ્તવિક સ્થિતિની માહિતી ઓનલાઇન ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને દાખલ કરવામાં વ્હાલાદવાલાની નીતિ ચાલી રહી છે જે સામાન્ય દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહી છે.
કોરોનાની સારવાર માટે શહેરીજનોને બેડ માટે ફાંફાં, પડોશી રાજ્યના દર્દીઓને બેડ
અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી કોરોનાના રોજના ૨૫૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, ગુજરાતના અન્ય જિલ્લાઓના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે, આ સ્થિતિમાં આઈસીયુ, વેન્ટીલેટર અને ઓક્સિજન વાળા બેડ ભરાઈ જતાં અમદાવાદ શહેરના જ કોરોનાના દર્દીઓને બેડ મળતાં નથી. આ ગંભીર સ્થિતિનો ચિતાર રજૂ કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રીને અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો.મોનાબહેન દેસાઈએ લખ્યો છે. સાથે જ માગણી કરી છે કે, બીજા રાજ્યોના દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
અમદાવાદ મેડિકલ એસોસિયેશને મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અન્ય રાજ્યોના દર્દીઓ શહેરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને જ સારવાર લેવામાં તકલીફ પડી રહી છે. ગુજરાતના વિવિધ જિલ્લા જેમ કે મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણના ૪૦૦ જેટલા દર્દીઓ પણ અત્યારે અમદાવાદની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર મેળવી રહ્યા છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી જે દર્દીઓ આવી રહ્યા છે તેમના માટે રાજ્ય સરકારે યોગ્ય નિર્ણય કરવો જોઈએ, જેથી અમદાવાદના દર્દીઓને પૂરતા પ્રમાણમાં બેડ મળી રહે. સાથે જ ગુજરાત બહારના દર્દીઓ માટે પ્રતિબંધ મૂકવાની પણ અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા માગણી કરવામાં આવી છે.
સોલા સિવિલમાં ICU ફુલ, સિવિલમાં ૧૩૯ ઓક્સિજન પર
સિવિલ હોસ્પિટલમાં કુલ ૩૫૪ દર્દી દાખલ છે, જેમાં ૧૮ વેન્ટીલેટર પર છે, ૧૩૯ દર્દી ઓક્સિજન પર છે, ઓક્સિજન-બાયપેપ પર ૯૦ દર્દી છે. સોલા સિવિલમાં ICUમાં ૫૭ દર્દી છે, ત્રણ બેડ ખાલી છે, ૧૭૦ માઈલ્ડ પ્રકારના કેસ છે.
Home Corona-live SVP હોસ્પિટલ સહિત ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં AMC ક્વોટાના વેન્ટિલેટર બેડ હાઉસફૂલ છે....