South-Gujarat

કોરોના સંકટ સમયમાં લોકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ પુરી પાડતા ધન્વંતરી રથ આશીર્વાદ સમાન

ધન્વંતરી રથ દ્વારા ભરૂચ જિલ્લામાં ૩ જુલાઇ ૨૦૨૦ થી આજ દિન સુધી ૯૯૬૭૭૩ લોકોના આરોગ્યની તપાસ કરાઇ

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા ૨૫૬૪ રેપિડ એન્ટીજન‌ ટેસ્ટ કરવામાં આવ્યા


રાજ્ય સરકાર દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી કોરોનાની મહામારીમાં નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે અને ઘર આંગણે સ્વાસ્થ્ય તપાસણીનો અનેરો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેના થકી જિલ્લાના અંતરિયાળ અને ઊંડાણ વિસ્તારના ગામો અને અર્બન વિસ્તારના છેવાડાના લોકોને ઘરે બેઠા આરોગ્ય સેવાનો લાભ મળી શકે અને તેમની આરોગ્યલક્ષી તપાસ થઈ શકે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને વહેલામાં વહેલી તકે સમયસર સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી ધન્વંતરી રથની શરૂઆત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને અર્બન વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મળી રહે તે માટે જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયનના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દુલેરાની રાહબરીમાં ૩૩ જેટલા ધન્વંતરી રથ હાલ જીલ્લાનાં ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડી ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહ્યા છે. ધન્વંતરી રથ દ્વારા ભરૂચ જિલ્લામાં ૩ જુલાઇ ૨૦૨૦ થી આજ દિન સુધી ૯૯૬૭૭૩ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે.

આ ધન્વંતરી રથમાં મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ સ્ટાફ દ્વારા આરોગ્યની કામગીરી કરવામાં આવી રહી છે. ધન્વંતરી રથ મોબાઈલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગરજ સારે છે. જેમાં તાવના, શરદી ઉધરસના, ડાયાબિટીસના, બ્લડ પ્રેશરના તેમજ દુખાવો ચામડીના અને અન્ય રોગોના દર્દીઓના આરોગ્યની તપાસ કરી આયુષની દવાઓ આપવામાં આવી રહી છે આ ઉપરાંત કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના ૨૫૬૪ રેપિડ એન્ટીજન‌ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આરોગ્યના કર્મીઓ દ્વારા તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી.

આમ કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા વડીલો તેમજ ૧૦ વર્ષથી નાના બાળકો અને છેવાડાના ગામમાં રહેતા લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મેળવવા સહિતની બાબતોને ધ્યાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ધન્વંતરી રથ થકી આરોગ્ય સેવાઓ ગ્રામ્ય અને શહેરીજનો માટે આશીર્વાદ સમાન પુરવાર થઇ રહી છે.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.