કોરોના વાયરસ મહામારીમાં ઘણા લાંબા સમય બાદ એક સારા સમાચાર સામે આવ્યા છે. એશિયાનો સૌથી મોટો ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવી માં શુક્રવારે 1 એપ્રિલ બાદ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. અહીં ડિસેમ્બરમાં સતત સિંગલ ડિજિટમાં કોરોનાના દર્દી સામે આવી રહ્યા હતા. ધારાવી મુંબઇ માટે કોરોનાને માત આપવા આશાનું કિરણ લઇને આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ધારાવી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર 2.5 ચોરસ કિ.મી.નો ફેલાવો ધરાવે છે અને તેની વસતી 6.5 લાખથી વધુ છે, તે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કહેવાય છે.ધારાવીમાં 1 એપ્રિલના રોજ પહેલો કોરોના કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ આ વિસ્તાર લાંબા સમય સુધી કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું. 3 મેના રોજ અહીં એક દિવસમાં સૌથી વધુ 94 કોરોનાના કેસ સામે આવ્યા હતા. ધારાવીને કોરોના મુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને BMCએ પૂરી તાકાત લગાવી દીધી હતી.
માત્ર 12 એક્ટિવ કેસ રહ્યા
જી/નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ કમિશ્નર કિરણ દિઘાવકર એ કહ્યું કે ધારાવીમાં માત્ર 12 એક્ટિવ કેસ રહ્યા છે. તેમાંથી 8 હોમ ક્વોરેન્ટીન અને 4 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
WHO એ કર્યા હતા વખાણ
કોરોના પર કાબૂ મેળવનાર ધારાવી મોડલના WHO એ વખાણ કર્યા હતા. ઑસ્ટ્રેલિયા અને અમેરિકાના મીડિયાએ પણ ધારાવી મોડલના વખાણ કર્યા હતા. ફિલિપાઇન્સે આ મોડલની બ્લૂ પ્રિન્ટ મંગાવીને પોતાને ત્યાં લાગૂ કરી હતી.
આવી રીતે કોરોનાને માત આપી
BMC કમિશ્નર આઇ.એસ.ચહલના નેતૃત્વ અને એડિશનલ કમિશ્નર સુરેશ કાકાનીના માર્ગદર્શનમાં આસિસ્ટન્ટ કમિશ્નર કિરણ દિઘાવકરે 4 ટી મંત્ર અપનાવ્યું. તેના અંતર્ગત ટ્રેસિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર જોર આપ્યું. આખરે તેમણે ધારાવીમાં કોરોનાને માત આપવામાં સફળતા મળી.