GUJARAT

સુરતમાં આવી ગયા ‘ડાયમંડ માસ્ક’, એક લાખ રૂપિયાથી લઈને ચાર લાખ રૂપિયા સુધીની કિંમત

હાલ કોરોના મહામારીએ રાજ્યને પોતાના ભરડામાં લીધું છે. તેવામાં હવે માસ્ક પહેરવું ફરજિયાત થઈ ગયું છે. અને લોકો હવે બહાર પણ મોટાભાગે માસ્ક પહેરીને જ જોવા મળે છે. તેવામાં હવે માસ્કમાં પણ અવનવી ડિઝાઈનો આવવા લાગી છે. બ્રાન્ડેડ કંપનીઓનાં માસ્ક પણ બજારમાં ઉપલબ્ધ છે. તેવામાં હીરા ઉદ્યોગનું હબ ગણાતું સુરત કેવી રીતે પાછું રહી શકે. તો સુરતમાં આવી ગયા ડાયમંડવાળા માસ્ક. પણ આ માસ્કની કિંમત જાણીને તમે હક્કાબક્કા રહી જશો. કેમ કે, આ માસ્કની કિંમત લાખોમાં શરૂ થઈ થાય છે.

કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું ફરજિયાત થઈ ગયું છે અને એટલે જ માસ્ક પણ જાત-જાતનાં માર્કેટમાં આવ્યા છે. એ વાતને ધ્યાને રાખી મહિલાઓને આકર્ષવા માટે સુરતના એક જવેલર્સ દ્વારા ડાયમંડ માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે.

મહિલાઓમાં જ્વેલરીનો આમ પણ ખુબ જ ક્રેઝ જોવા મળતો હોય છે. અને ડાયમંડ મહિલાઓને સૌથી વધુ પ્રિય હોય છે. અને હવે જ્યારે માસ્ક લોકોના ડેઇલી રૂટિનનું એક અભિન્ન અંગ બની ગયું છે. ત્યારે ડાયમંડવાળા માસ્ક મહિલાઓને ખૂબ પસંદ પડી રહ્યા છે. સુરતના જવેલર્સને માસ્કમાં નવી વેરાયટી અને કંઈક ઇનોવેટિવ કરવાનો વિચાર આવ્યો હતો. જેથી જ્વેલરી વેપારી દ્વારા વિવિધ આકાર અને રંગવાળા માસ્ક પર ડાયમંડ માટેની ડિઝાઇન નક્કી કરી. અમુક માસ્ક પર ડાયમંડનું સ્ટીચિંગ કરાવ્યું તો અમુક માસ્ક પર રિયલ ડાયમંડની સેર લટકતી હોય એ રીતે આ નવીન માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. જે હાલ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ડાયમંડ માસ્ક ખાસ કરીને લગ્ન પ્રસંગમાં વર-વધુ પહેરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જેથી તેમના ઓર્ડર પ્રમાણે આ માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. ડાયમંડની કિંમત પ્રમાણે આવા એક માસ્કની કિંમત દોઢ લાખથી લઈને ચાર લાખ સુધીની છે. ડાયમંડ માસ્કની ખાસ વાત એ પણ છે કે માસ્કના ઉપયોગ બાદ તેમાં વપરાયેલા ડાયમંડનો ઉપયોગ બીજી જવેલરી બનાવવા માટે કરી શકાય છે. એટલે લોકો માટે એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ પણ માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.